Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / લલિત લાડ : Raja Rani and Uncle's Fashion Show

GSTV શતરંગ / રાજા રાની અને કાકાનો ફેશન શો

Timeછેલ્લું અપડેટ : 18 Jan 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ / રાજા રાની અને કાકાનો ફેશન શો
સોર્સ : GSTV

- પણ એ વખતે લોકો સ્ટોરીના ઝોલ ક્યાં જોતા હતા? એમને તો આ સ્લીવલેસ શર્ટવાળો, ક્યુટ, ચિકનો અને સ્માર્ટ રાજેશ ખન્ના ગમી ગયો, એટલે બસ!

App Store

વિલનનો રોલ કરતા રઝા મુરાદ નામના કલાકારે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે 'એક જમાનો હતો જ્યારે રાજેશ ખન્ના માટે કહેવાતું હતું કે 'ઉપર આકા, ઔર નીચે કાકા !' (રાજેશ ખન્નાનું હુલામણું નામ 'કાકા' હતું.)'

હા, રાજેશ ખન્નાનું ધાર્યું થતું હતું એ વાત સાચી, પણ આજે જે રીતે અમુક કલાકારોની રીતસર દાદાગિરી અને ઈન-ડાયરેક્ટર ગુંડાગિરી ચાલે છે એવું 'કાકા'નું ક્યારેય સાંભળવા મળ્યું નહોતું.

પણ એ બધું છોડો, રાજેશ ખન્નાને આપણે હિન્દી ફિલ્મોના 'બેસ્ટ ફેશન આઈકન' તરીકે યાદ કરવા જોઈએ. જરા વિચાર કરો, આ માણસે કેવી કેવી અફલાતૂન ફેશન ડિઝાઈનો આપી છે ! તમે ગણતા જાવ...

સૌથી પહેલાં તો 'ગુરૂ શર્ટ' ! જેમાં કોલર કુર્તા જેવા નાના અને પાતળા હોય પણ સાથે સાથે શર્ટની બાંયમાં બટન પણ હોય ! નીચેથી નોર્મલ શર્ટ કરતાં લંબાઈ ઓછી, અને નોર્મલ કુર્તા કરતાં ૨૫ ટકા નાની સાઈઝના કટ હોય !

રાજેશ ખન્નાની સૌથી ઈનોવેટીવ ડિઝાઈન કહો તો એ છે 'કોલર-લેસ' શર્ટ ! જેમાં હાફ-સ્લીવ હોય, કુર્તા જેવા કટ હોય અને બે બટન ખુલ્લાં રાખવાને બદલે પુરુષની કિલવેજ એટલે કે છાતીના વાળ દેખાય એવી મોકાની જગ્યાએથી જ બટન શરૂ થતાં હોય ! એમાંય આ 'રાજા રાની' ફિલ્મમાં તો રાજેશ ખન્નાએ આવું શર્ટ ડેનિમના કાપડમાંથી (જિન્સ જેવા કાપડમાંથી) બનાવડાવ્યું છે ! બોલો, કાકાની ફેશન સેન્સને સલામ માનો છો ને !

'રાજા રાની' ફિલ્મમાં તો રાજેશ ખન્નાએ રીતસરની ક્રાંતિ કરી નાંખી હતી 'સ્લીવલેસ' શર્ટ પહેરીને ! (પાછું કોલરલેસ તો ખરું જ ! અને 'કિલવેજ' પ્રદર્શન કરાવે તેવું પણ ખરું !) બ્લુ કલરના રફ કાપડામાંથી બનેલા આ શર્ટ ઉપર કાકાએ પહોળો કાળો બેલ્ટ પણ ફીટ કરાવેલો !

જોકે આ બેલ્ટ શું ટાઈટ કરવા માટે હતો એવા અઘરા સવાલો નહીં પૂછવાના ! કેમ કે આ બેલ્ટ કમરના ભાગે નહીં પણ તેનાથી ઉપર, પેટના ભાગે 'જડી' દેવાયેલો હતો ! (બોસ, આ જ તો કાકાની અનોખી સ્ટાઈલ હતી.)


વળી આની સાથે માથા ઉપર ખાસ શેપવાળી ટોપી ! જેમાં ખન્નાજીએ જે વાળ વધારેલા એનાં પણ સુંદર દર્શન થાય

બસ, લોચો કહો કે આકર્ષણ, એક જ હતું કે સ્લીવલેસ શર્ટમાંથી બહાર નીકળતા રાજેશ ખન્નાના હાથ એટલા નાજુક અને સુંવાળા લાગતા હતા કે એ સમયે અમુક જુવાનિયાઓને ખન્નાજી 'બાયલા' લાગતા હતા ! પણ એની સામે દેશભરની છોકરીઓ ખન્નાના આ જ 'અંગંપ્રદર્શન' ઉપર ફીદા હતી ! 'વાઉ ! કેટલો સ્વીટ લાગે છે !'

જોવાની વાત એ હતી કે 'રાજારાની'માં ખન્ના સાહેબ સિવાય કોઈ મેલ એકટરને 'બનિયાન' પહેરીને પણ બાવડાં બતાડવાની છૂટ મળી નથી ! એ તો ઠીક, પણ ફિમેલ કેરેકટરોને (ખુદ શર્મિલા ટાગોરને પણ) સ્લીવલેસ પહેરવાની છૂટ મળી નથી ! અરે, એક દ્રશ્યમાં મુમતાઝ, 'મુમતાઝ' તરીકે જ પોતાના બેડરૂમમાં નાઈટ ડ્રેસ પહેરીને સૂતી છે, છતાં મુમતાઝને પણ સ્લીવલેસ નાઈટ ગાઉન પહેરાવ્યો નથી ! બોલો, કાકા યાનેકે 'આકા'નું કેટલું વજન પડતું હશે ?

એમ તો કાકાએ પેલા સ્લીવલેસ શર્ટ સિવાય પણ બીજી એક બે ફેશનનાં કપડાં પહેર્યાં છે જેમાં એક બ્લુઈશ-ગ્રે કૂર્તાની ખુબી એ છે કે એનાં બટન નથી પણ ચેઈન છે ! અને એ ચેઈન પણ વચ્ચે નહીં, સાઈડમાં છાતી તરફ છે ! અને હજી કાકાની સ્ટાઈલ જુઓ, એ ચેઈનને પણ ખુલ્લી રાખીને ઉપલો ભાગ લબડતો રાખ્યો છે. બસ, ફિલ્મમાં એક જ ડિટેલ ખૂટે છે કે 'રાજા' ઉર્ફે રાજેશ ખન્નાના દરજીને નથી બતાડયો !

આજે આ ફિલ્મ જુઓ તો 'દિમાગની કઢી' જ છે. પરંતુ એ વખતે જ્યારે અમે પહેલીવાર જોઈ ત્યારે અમારા અડધા પૈસા પડી ગયેલા ! કેમ ? કારણ કે 'જબ અંધેરા હોતા હૈ....' વાળું જે ગાયન સુપર-ડુપર હિટ હતું એ તો સાલું 'નંબરિયાં' પડતાં હતાં ત્યારે જ વાગી ગયું !

તેમ છતાં અમને હતું કે રાજેશ ખન્ના પોલીસથી બચવા માટે ભાગતો ભાગતો એકાદ નાઈટ કલબમાં ઘૂસી જશે... અને ત્યાં હેલન કે બિન્દુ આ સેકસી ગાયન પર ડાન્સ કરતી જોવા મળશે, તો ડબ્બલ પૈસા વસૂલ થઈ જશે, પણ સાલું, એવું પણ ના થયું ! ઉલ્ટું, રાજેશ ખન્ના ચોરી કરીને ભાગતો હોય (સ્લીવલેસ શર્ટમાં) ત્યારે પોલીસ એની પાછળ પડી હોય (અડધી ચડ્ડીમાં) એવા વખતે બેકગ્રાઉન્ડમાં આ ગાયન વારંવાર અડધું પડધું વગાડીને સાવ વેડફી નાંખ્યું !

બાકી જે ફિલ્મ સચિન ભૌમિકની ડીરેક્ટર તરીકેની પહેલી અને એકમાત્ર ફિલ્મ હોય, અને જેની લખેલી ડઝનબંધ ફિલ્મો, જેમકે આઈ મિલન કી બેલા, જાનવર, લવ ઈન ટોકિયો, આયે દિન બહાર કે, બ્રહ્મચારી, આયા સાવન ઝૂમ કે, પહેચાન, કારવાં ખેલ ખેલ મેં, હમ કિસી સે કમ નહીં, કર્ઝ, સૌદાગર, કરણ અર્જુન, કોયલા, તાલ, કોઈ મિલ ગયા, ક્રિશ, વગેરે સુપરહિટ હોય... એ લેખકની આ પોતાની જ સ્ટોરીમાં આટલા બધા ઝોલ હોય ?

પણ એ વખતે લોકો સ્ટોરીના ઝોલ ક્યાં જોતા હતા ? એમને તો આ સ્લીવલેસ શર્ટવાળો, ક્યુટ, ચિકનો અને સ્માર્ટ રાજેશ ખન્ના ગમી ગયો, એટલે બસ !

છેલ્લે એક નાનકડી ક્વીઝ : ફિલ્મના એક ગાયનમાં ૨૬મી જાન્યુઆરીનો ઉલ્લેખ છે, એ ગીત ક્યું ? (હિન્ટ : એ દિવસે શુક્રવાર પણ હોય છે.)

=સ્પેશિયલ અપિયરન્સમાં દેખાયેલી મુમતાઝની આ છેલ્લી ફિલ્મ હતી. કેમકે તેણે લગ્ન કરી લીધાં હતાં.

=ગાય દ મોંપાસા નામના ખ્યાતનામ ફ્રેન્ચ લેખકની એક જાણીતી વાર્તા 'ધ ડાયમન્ડ નેકલેસ'ને આ ફિલ્મમાં સાંકળી લેવામાં આવી છે.

=નિર્માતા જે. ઓમપ્રકાશની આ એકમાત્ર એવી ફિલ્મ છે જેનું નામ 'એ'થી શરૂ ન થતું હોય !

='જબ અંધેરા હોતા હૈ...' ગીતની પ્રેરણા ફિફથ ડિમેન્શનના સોંગ એજ ઓફ એકવેરીયસમાંથી લેવાઈ હતી.

=એ જ રીતે 'જબ અંધેરા...' ગાયનના અમુક ભાગને વિદેશી આલ્બમ 'સ્ટ્રીટ હોપ ૨૦૧૦'માં ઉઠાવીને વાપરવામાં આવ્યા હતા !

=૧૯૭૩માં કમાણીની દ્રષ્ટિએ 'બોબી' 'દાગ' 'યાદોં કી બારાત' અને 'જુગ્નું' પછી 'રાજા રાની' પાંચમા નંબરે રહી હતી. એ જ વરસે આવેલી અમિતાભ બચ્ચનની 'જંજીર' સાતમા નંબરે હતી.