Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: સંપત્તિ 'બોલકી' બની જાય નહીં!

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: સંપત્તિ 'બોલકી' બની જાય નહીં!
સોર્સ : GSTV

- ઝાકળ બન્યું મોતી

App Store

- કુમારપાળ દેસાઈ

એક ધનવાન સ્ત્રી ફાઈવસ્ટાર હોટલમાં પહોંચી. કાઉન્ટર પર જઈને પોતાનો સામાન લઈ જવા માટે હોટલના નોકરોને કહ્યું,

બે મોટરમાં એમનું કુટુંબ હતું અને બે મોટરમાં એમનો સામાન હતો. નોકરો એક પછી એક સામાન લાવવા લાગ્યા. બેગોનો ઢગલો ખડકાઈ ગયો.

ધનવાન સ્ત્રીએ કહ્યું, 'અરે ! હજી મારા દીકરાને લાવ્યા નથી ? જાવ, એને લઈ આવો.'

હોટલના મેનેજરે પૂછ્યું, 'શું આપનો દીકરો અપંગ છે ? કે પછી ઘણી નાની વયનો છે ? એ જાતે ચાલીને આવી શકે ને ?'

આ સાંભળતાં જ ધનિક મહિલાનો ગુસ્સો ફાટી ઊઠયો, 'અરે ! કેવા બેવકૂફ છો તમે ! મારા જેવી અબજોપતિ સ્ત્રીનો પુત્ર કંઈ ચાલે ખરો ? ચાલવાનું તો નિર્ધનને હોય, ધનિકને નહીં. જુઓ, મારો પુત્ર અપંગ નથી અને બાળક પણ નથી. એની ઉંમર તો પંદર વર્ષની છે.'

'તો પછી એને ઊંચકીને લાવવાની જરૂર શી ?'

હોટલના મેનેજરે શાંતિથી પરિસ્થિતિ સંભાળી લેતા નોકરોને સૂચના આપી કે આ મહિલાના પુત્રને એક નાના બાળકની જેમ ખૂબ જાળવીને ઊંચકીને લઈ આવો.

ચારેક નોકરો ભેગા મળીને એ ધનિક સ્ત્રીના પુત્રને ઊંચકીને હોટલમાં લઈ આવ્યા. માનવીની મજા એ છે કે એને પામવા કરતાં દેખાડવામાં વધુ રસ છે. મેળવવા કરતાં બતાવવું વધુ ગમે છે.

એની પાસે સંપત્તિ હોય તો એ સંપત્તિ કઈ રીતે 'બોલે' તેનો પ્રયાસ કરે છે. એની પાસે જ્ઞાન હોય તો એ જ્ઞાન કઈ રીતે બહાર આવે એની ગોઠવણ કરે છે. એની પાસે સત્તા હોય તો એ કઈ રીતે પ્રગટ થાય તેનો વિચાર કરે છે. ધીરે ધીરે પ્રદર્શન એ જ એનો પ્રાણ બની જાય છે. દેખાડો કરવો તે જ એનું જીવનધ્યેય બની જાય છે.

એને પ્રદર્શન કરવાની આદત બની જાય છે અને જો યોગ્ય પ્રદર્શન ન થાય તો એને દિલમાં ભારે ઠેસ પહોંચે છે. વખત જતા આવો માનવી મહોરાં પહેરીને જીવવા લાગે છે અને સમય જતાં એનું એ મહોરું જ એનો ચહેરો બની જાય છે. એનો પોશાક એ એનું વ્યક્તિત્વ બની જાય છે અને એનો ડોળ કે દંભ એ એની પ્રકૃતિ બની જાય છે.