Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: સત્તાલોલુપ મહાનાયકોની કરુણાંતિકા!

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: સત્તાલોલુપ મહાનાયકોની કરુણાંતિકા!
સોર્સ : GSTV

સવાલ એ જાગે કે જગતવિજેતા એ જીવનવિજેતા હોય છે ખરા? પોતાની સત્તા, સામર્થ્ય અને આતંકથી આખી દુનિયાને ઘમરોળનારા સરમુખત્યારોનો અંત કેવો હોય છે? અનેક દેશોને પરાજિત કરનાર અંતે કેમ પરાજિત થતા હોય છે. આજે ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલાઓથી સમગ્ર જગતની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ ડામાડોળ બની રહી છે, ત્યારે સવાલ એ જાગે કે સત્તાભૂખ્યા ડોનાલ્ડ ટ્રમ્પ કે નેતન્યાહૂ આજે ધમકી, ચેતવણી અને સર્વનાશની વાત કરે છે. એમનો ચહેરો દુનિયાની ભલાઈનો હોય છે, પણ મકસદ પોતાની સ્વાર્થસાધનાનો હોય છે. 

App Store

અમેરિકા હંમેશા પોતાના હિતને પ્રાથમિકતા આપે છે. સામ્યવાદ વિરોધ, આતંકવિરોધ, પરમાણુપ્રસાર અને માનવતાવાદનાં નામે જુદાં જુદાં દેશો પર હુમલા કરે છે. ૧૯૫૩માં ઈરાનમાં કરેલા હુમલાથી માંડીને આજ સુધીના હુમલાની પાછળ અમેરિકાની આ જ મુરાદ રહી છે. વેનેઝુએલામાં તખ્તાપલટ કરાવી, ટેરિફને નામે જુદાં જુદાં દેશોને ડરાવ્યાં, અન્ય રાષ્ટ્રોનાં વડા પ્રત્યે નફરત અને આઘાતજનક તિરસ્કારયુક્ત વચનો કહ્યા. આને પરિણામે 'નાટો' દેશો અમેરિકાને સાથ આપતા નથી અને અન્ય દેશો પણ એનાથી અળગા રહે છે. આજની દુનિયામાં સત્તાના તોર-તરીકા બદલાઈ ગયા છે. જગતવિજય માટે નીકળેલા સિકંદરની માતાને મળવાની અંતિમ ઇચ્છા પણ તૃપ્ત થઈ નહોતી. નેપોલિયનનાં અંતિમ દિવસો યાદ કરીએ. સમગ્ર યુરોપને ધ્રુજાવનાર નેપોલિયનની કરુણાંતિકા કોઈ પણ સત્તાશોખીન સરમુખત્યારે ભૂલવા જેવી નથી. 

એ સમયે નેપોલિયન સત્તાના ગિરિશૃંખ પર બિરાજ્યો હતો, ત્યારે આખું યુરોપ તેના કદમ ચૂમતું હતું. માત્ર બ્રિટન અને રશિયાને ધ્રુજાવવા બાકી હતા. અને તે માટે એ કટિબદ્ધ બન્યો હતો. નેપોલિયનના લગ્ન ૧૭૯૬માં એનાથી છ વર્ષ મોટી એવી જોસેફાઈન સાથે થયા હતા. ફ્રેંચ પ્રજા એમ માનતી હતી કે સમ્રાટ નેપોલિયનની મહત્તાનું કારણ જોસેફાઈન છે, આમ છતાં ૧૮૦૯ના ડિસેમ્બરમાં નેપોલિયને જોસેફાઈનને છૂટાછેડા આપ્યા અને પછીના વર્ષે એપ્રિલ મહિનામાં ઓસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાંસિસની પુત્રી મેરી લૂઈ સાથે લગ્ન કર્યા. પોતાને મહાન વંશવેલો સ્થાપવાની નેપોલિયનની અમર આશા ૧૮૧૧માં પૂર્ણ થઈ. મેરી લૂઈથી થયેલા પુત્રનું નામ પણ નેપોલિયન રાખવામાં આવ્યું અને એ નેપોલિયન ફ્રાંસિસ જોસેફ ચાર્લ્સને જન્મતાની સાથે 'રોમના રાજા'નો ઇલ્કાબ આપવામાં આવ્યો. જુલિયસ સિઝરના કુટુંબની રાજકન્યા લૂઈએ ફ્રાંસને વહાલભરી વધામણી આપી. 

આખા પેરિસ નગરને ખબર હતી કે કન્યા જન્મશે તો તોપના એકવીસ અવાજ થશે અને પુત્ર જન્મશે તો તેને તોપના એકસો એક અવાજથી વધાવવામાં આવશે. ઘોંઘાટિયું ફ્રાંસ શ્વાસ થંભાવીને તોપના ધડાકાઓની ગણતરી કરતું હતું અને બાવીસમો ધડાકો થતાં તો પેરિસના મહોલ્લાઓ હર્ષનાદોથી ગાજી ઊઠયાં. બગીચાઓમાં ઉછળ- કૂદ અને નાચ થવા લાગ્યા. બાળકો ટોપીઓ ઉછાળીને આ નવા બાળકના આગમનને વધાવતા હતા. અજબ ઝડપથી આ સમાચાર ઠેર ઠે૨ પહોંચી ગયા અને બાળકને પારણામાં જ 'રોમના રાજા'ના ખિતાબથી વિભૂષિત કરવામાં આવ્યો. આખું ફ્રાંસ એના આ સમ્રાટના આનંદમાં સહભાગી થવા આતુર હતું. ચિત્રકારોએ એના ચિત્ર બનાવ્યા, શિલ્પકારોએ એના શિલ્પ રચ્યા. ગામેગામથી કવિઓએ એના કંઠે કાવ્યમાળાઓ આરોપી. ગરીબ ઝુંપડાવાસી પણ સમ્રાટના આનંદમાં સૂર પૂરાવવા લાગ્યા. 

નેપોલિયન બોનાપાર્ટની રાજ્યવારસની ઇચ્છા તો પૂરી થઈ પરંતુ પછીના જ વર્ષે એના ફ્રેંચ સામ્રાજ્ય પર નવું સંકટ આવ્યું. નેપોલિયનનું ફ્રેંચ લશ્કર યુદ્ધથી કંટાળી ગયું હતું, ત્યારે નેપોલિયને પોતાના સામ્રાજ્ય હેઠળનાં રાજ્યોમાંથી છ લાખ જેટલા સૈનિકોની ભરતી કરી અને બે લાખ સૈનિકો ધરાવતા રશિયન સામ્રાજ્યને પરાસ્ત કરવા નીકળ્યો. રશિયનોએ ધીકતી ધરાની નીતિ અપનાવીને ફ્રેંચ સેનાને હંફાવી. પાંચેક લાખ મૃત્યુ પામ્યા. બાકીના ક્યાંક ભાગી ગયા કે કેદી બન્યા. 

આ સમય પણ નેપોલિયનને માટે બાળકની સંગતિ એ જ એનો વિરામ હતો. યુદ્ધનાં વ્યૂહો રચતો નેપોલિયન બાળકના ઉછેરની પૂરેપૂરી કાળજી રાખતો. એના મૃદુલ હાસ્યમાં ભાવિ સમ્રાટનો અણસાર જોતો મેરી લૂઈ સાથેનું એ કુટુંબજીવન મનુષ્ય કલ્પનાનું એક મધુર કુટુંબ હતું. નેપોલિયન રોમના આ નાનકડા રાજાને તેડીને ફ્રાંસના સૈનિકોની કૂચ જોવા લઈ જતો. એના મહેલના બધા ખંડોમાં આ બાળકને રમવાનો પરવાનો હતો. એના કેટલાક ખંડોમાં અંગત અંગરક્ષકોને પણ પ્રવેશ નહોતો. તેવા ખંડોમાં પણ આ બાળક ૨મતો હતો. 

સમ્રાટ આ બાળકના તોફાનોને આનંદથી સાંખી લેતો હતો, એટલું જ નહીં પણ એકાગ્રતાથી કામ કરવામાં માનતા નેપોલિયન પાસે બાળક તોફાન કે અડપલાં કરે તે નભાવી લેતો. એણે નાના નાના સૈનિકોની નાની પ્રતિમાઓ ખેલવા માટે બનાવડાવી હતી. એમાં એણે સૈન્યદળની કલ્પના મૂકી હતી અને રણભૂમિ સમા ક્રીડાંગણમાં શતરંજના દાવ ખેલતો હતો. નેપોલિયને એની કેળવણી પર ધ્યાન રાખવા માટે ખાસ શિક્ષકોની નિમણૂંક કરી. 

એકવાર બે વખત બાળકના મુખ આગળ વાનગી ધરીને નેપોલિયને પાછી લઈ લીધી, ત્રીજીવાર આવું કર્યું ત્યારે બાળકે મુખ આડું ફેરવી લીધું. નેપોલિયન આશ્ચર્યચકિત થઈ ગયો, ત્યારે શિક્ષિકા મોન્ટેસ્વીએ કહ્યું કે બાળક એમ છેતરાવા નથી માગતો. એનામાં સ્વાભિમાન છે, એને પણ લાગણી થાય છે. સ્વાભિમાન અને લાગણી શબ્દ સાંભળીને સમ્રાટ નેપોલિયન બોલી ઊઠયા, ''મારા કેવા અહોભાગ્ય! એનામાં આવા ગુણો આવે એ જ મારા અંતરની ખરેખરી અભિલાષા છે.'' નાનો સમ્રાટ મોટો થવા લાગ્યો. એ ક્યારેક રડતો તો આયાઓ બારીઓ બંધ કરી દેતી, કારણ કે લોકો એમ જાણે કે રાજકુમાર રડે છે, તો પછી લોકો એને રાજા તરીકે સ્વીકારે નહીં. નેપોલિયનના પરાજયની ઘડી સુધી એના આવા લાડકોડ ચાલુ રહ્યા. મોસ્કોના પરાજય પછી નેપોલિયનને ઓસ્ટ્રિયા, બ્રિટન, રશિયા- પ્રશિયાના સંયુક્ત લશ્કરોનો સામનો કરવાનો આવ્યો. દુશ્મનોની વિશાળ સેના હોવાથી એમાં નેપોલિયનની હાર થઈ. એણે પેરિસ ગુમાવ્યું અને ફરી પાછું મેળવ્યું. અંતે ૧૮૧૫ની વોટરલૂની લડાઈમાં પરાજય થતાં નેપોલિયનની હાર થઈ. અંતે એણે પેરિસ છોડયું. પોતાની પત્ની અને પ્રેમાળ બાળકને અલવિદા કરીને નેપોલિયન નિર્જન એવા સેંટ હેલેના ટાપુ પર કેદી તરીકે રહ્યો. એની પુત્રી ઓસ્ટ્રિયા પાછી ફરી અને પુત્ર સાથે વિયેનામાં જઈને વસ્યો. 

નેપોલિયને પોતાના ભાવિ વારસ તરીકે પુત્રને જાહેર કર્યો, પણ ફ્રાંસની પ્રજાએ કોઈ લક્ષ આપ્યું નહીં, એનો નેપોલિયનને પારાવાર વસવસો રહ્યો. રોમના રાજા તરીકે એની પદવી છીનવી દેવામાં આવી. ઓસ્ટ્રિયાએ એની શાહજાદી મેરી લૂઈને રક્ષણ આપવા સાથે સાથે શરત મૂકી કે નેપોલિયનના પ્રિય બાળકને પરમાના કુમાર તરીકે પીછાનવો. પછી તો એ ખિતાબ પણ લઈ લીધો અને ધારાસભાના ભૂષણનો સામાન્ય ખિતાબ આપવામાં આવ્યો, જે ઓસ્ટ્રિયાના અમીરોથી ઉતરતા લોકોને અપાતો હતો. નેપોલિયન કહેતો કે ધારાસભાના ભૂષણ થવા કરતા મારો પુત્ર ફાંસીના માંચડે લટકે તો સારું. આ ભૂષણ બન્યો ત્યારે બાળકની ઉંમર માત્ર ૭ વર્ષની હતી.

નેપોલિયનના અવસાન વખતે એ દસ વર્ષનો હતો પછી તો એ બાળક રાજકારણીઓનું મહોરું બની ગયો. વીસમા વર્ષે એ કર્નલ બન્યો. એને ઓસ્ટ્રિયાના શહેનશાહના દ્વારપાળ તરીકે નિમાવાની તીવ્ર ઇચ્છા હતી. એ વિચારતો કે દ્વારપાળ તરીકે મોટા રાજદ્વારી પુરુષોને એ સલામ કરશે, ત્યારે એ કેવો લાગશે? કવિ બાયરનના પુસ્તકોનો એ ઉપાસક હતો. ૧૮૩૨ની ૨૨મી જુલાઈએ ૨૧ વર્ષની વયે શારીરિક બળની પ્રાપ્તિ માટે દેહને વધુ પડતો કસનાર રાજકુમાર ક્ષયનો ભોગ બન્યો, ઇતિહાસનાં પૃષ્ઠો પર આ બાળકના જન્મ પછીનો નેપોલિયનનો ઇતિહાસ જુદી રીતે લખાયો છે. 

એના જન્મ પછીના વર્ષોમાં નેપોલિયને અવિચારી સાહસો કર્યા. બાળકના જન્મે એની તૃષ્ણાઓ અતિશય વધારી દીધી. યુદ્ધકળામાં નિપુણ નેપોલિયન શાંતિકાળનો મહાનાયક હતો, પરંતુ કમભાગ્ય એવા કે આ બાળકના જન્મના પગલે જ વિનાશની હેલી શરૂ થઈ. ઇતિહાસના પૃષ્ઠો ૫૨ નેપોલિયનના પુત્ર ફ્રાંસિસ જોસેફ ચાર્લ્સની કરુણકથા સદાને માટે લખાઈ ગઈ.

ક્ષણનો સાક્ષાત્કાર 

અડધી સદીથી પણ પુરાણું ઘર મજબૂતાઈ સાથે બરકરાર છે અને બાજુમાં વીસ વર્ષ પહેલાં ઊભા થયેલા ઊંચા ફ્લેટ હવે સાવ નીચા નમી ગયા છે. કેટલાંકને જમીનદોસ્ત ક૨વામાં આવ્યા છે અને કેટલાંક બિચારા રિનોવેશન માટે કોન્ટ્રાક્ટરની રાહ જોતા ડચકાં ખાઈ રહ્યાં છે. 

એક સમયે જરૂ૨ી સિમેન્ટ, લાકડું અને લોખંડ વાપરીને મકાન મજબૂત રીતે તૈયાર કરવામાં આવતું હતું. હવે નકલી જમાનામાં આ બધામાં એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. આવી ભેળસેળ અને ભ્રષ્ટાચારથી આજે મકાનનો પાયો નંખાયો હોય છે. બધું જલ્દીથી કરી લેવું એવો ઉતાવળીયો આગ્રહ રખાતો હોય છે. ફ્લેટ બનાવીને ઝડપથી વેચી નાખવા પર નજર મંડાયેલી હોય છે. 

આજે સમય સૌથી મોટો આપણો શત્રુ બની ગયો છે. ટેકનોલોજીએ 'સ્પીડ' સાથે આપણો ગાઢ સંબંધ બાંધી દીધો છે. આથી વૃક્ષો ઝડપથી વધે, ફળો ઝડપથી પરિપક્વ બને અને એ ફળની સાઇઝ પણ મોટી થાય એ માટે મોંઘા રસાયણો વપરાય છે, પરંતુ એ ફળમાંથી સ્વાદ અને એમાંથી મળતી શક્તિ વિદાય લઈ લે છે. અનાજ ઝડપથી ઊગાડવામાં આવે છે, પણ એને માટે રસાયણોનો મારો ચલાવવામાં આવે છે. આનાથી સ્વાસ્થ્યને વખત જતા ફાયદાને બદલે નુકસાન થાય છે અને અનાજ હોય કે ફળ - એમાંથી એની મૂળ મીઠાશને દેશનિકાલ મળે છે. 

આ એક એવો સમાજ છે કે જે બધું ઇન્સ્ટન્ટ માગે છે, પરંતુ સમયની ધાર ઘણી તેજ હોય છે. વળી ઉતાવળે કરવામાં આવેલા કામનું પરિણામ પીડા આપનારું હોય છે એ ભુલવા જેવું નથી.