Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. કુમારપાલ દેસાઈ : Seeing the suffering of others brings a cry of happiness

GSTV શતરંગ/ બીજાનું દુ:ખ જોઇને સુખનો ઓડકાર આવે છે

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ બીજાનું દુ:ખ જોઇને સુખનો ઓડકાર આવે છે
સોર્સ : GSTV

- ઝાકળ બન્યું મોતી

App Store

ગામમાં એકાએક ભારે પૂર આવ્યું. પૂરમાં બધું તણાવા લાગ્યું. એક વૃદ્ધ ખેડૂત લમણે હાથ દઇને આ જોઈ રહ્યો હતો.

એ વૃદ્ધ ખેડૂતનું ખેતર પૂરના પાણીમાં ડૂબી ગયું. એનાં ઢોર તણાઈ ગયાં. એની ઘરવખરી પણ ધસમસતા પાણીમાં ડૂબી ગઇ હતી.

એક યુવાન આ વૃદ્ધની પાસે આવ્યો અને એણે પૂછ્યું, 'આપ આટલા બધા ચિંતાતુર શા માટે છો? એવું તો શું થઇ ગયું કે તમે આટલા બધા ઉદાસ અને હતાશ થઇને બેઠા છો?' વૃદ્ધે કહ્યું,'ભાઈ, શું વાત કરું? મારું તો બધું તણાઈ ગયું. ખેતર ડૂબી ગયું. ઢોરઢાંખર અને રાચરચીલું પણ આ ભારે પૂરમાં તણાઈ ગયું.'

પેલા યુવકે વૃદ્ધને આશ્વાસન આપતાં કહ્યું, 'એમાં તે શું? આવી દશા તો આખા ગામમાં સહુની થઇ છે. અરે! કેટલાકનાં તો નાનાં બાળકો તણાઈ ગયાં છે. તમારે તો એવું કશું થયું નથી. વળી હજી તમારું ખોરડું પણ સલામત છે. ઘણાંને તો ખોરડાં જ રહ્યાં નથી. એમને તો ઉપર આભ અને નીચે પાણી છે.'

યુવાનની વાત સાંભળતાં જ વૃદ્ધની આંખો ચમકી ઊઠી. એનામાં ઉદાસીનતાની જગ્યાએ ઉત્સાહનો સંચાર થયો. એ આનંદભેર બોલી ઊઠયા.

'અરે! બધાનાં ખોરડાં ગયાં અને મારું ખોરડું સલામત છે. હું કેટલો ભાગ્યશાળી!'

આમ વિચારી વૃદ્ધ ખેડૂત ગેલમાં આવી ગયો.

માણસની મજા જ એ છે કે જે પોતાની પાસે હોય અને બીજાની પાસે ન હોય,એને જ સુખ માનવા લાગે છે. પોતાનાં ખોરડાં રહ્યાં એના કરતાં 

બીજાનાં ખોરડાં ગયાં એ ઘટના એને વધુ આનંદિત કરે છે.

સુખ વિશેની આપણી માન્યતા જ કેટલી ભ્રામક છે, જે બીજાની પાસે ન હોય તે મારી પાસે હોય એ સુખ!

માણસ સુખની ખોજ કરવા નીકળે છે. પણ હકીકતમાં એકબીજાનાં દુ:ખોની જ શોધ કરતો હોય છે. બીજાનું દુ:ખ જુએ અને એને સુખનો ઓડકાર આવે. સુખની આવી ભ્રામક માન્યતાને કારણે જ માણસ જીવનભર એની પાછળ દોટ મૂકતો રહે છે અને છતાં એને કશું હાથ લાગતું નથી. સુખને આથી જ મૃગજળ જેવું કહેવાયું છે. જે માણસને સાચા સુખની ખબર નથી એ બિચારો સુખ દુ:ખના વારાફેરામાં ફર્યા કરે છે.

- કુમારપાળ દેસાઈ