Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. કુમારપાલ દેસાઈ : In religion, counting becomes a means of pride!

GSTV શતરંગ/ ધર્મમાં ગણતરી એ ગર્વનું માધ્યમ બની જાય છે!

Timeછેલ્લું અપડેટ : 12 Nov 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ ધર્મમાં ગણતરી એ ગર્વનું માધ્યમ બની જાય છે!
સોર્સ : GSTV

- ઝાકળ બન્યું મોતી

App Store

- કુમારપાળ દેસાઈ

બે પનિહારી. કૂવાના કાંઠે મીઠી ગોઠડી કરતી હતી. આ એક એવું સ્થાન હતું કે જ્યાં એ પોતાની સખીને હૃદયની વાત કરી શકે. તેમની ઇચ્છા કહે અને મનના માનેલાની નિરાંતે વાતો કરે.

એક પનિહારીએ પોતાના હૃદયની વાત કરતાં કહ્યું, 'ઓહ ! મારા પ્રીતમને તો હું મનથી વરી ચૂકી છું. એને મળ્યા વગર એક દિવસ પણ રહી ન શકું. મને એ રોજ બે વાર અચૂક મળવા આવે છે.'

બીજી પનિહારીએ કહ્યું, 'મારા પ્રિયતમની તો શી વાત કરું ? એક ક્ષણ પણ એના સ્મરણ વિનાની ખાલી હોતી નથી. એ તો ચોવીસે કલાક મળે છે. મને સતત મળતો જ રહે છે. એ કેટલીકવાર આવે ને જાય, એનો મને ખ્યાલ નથી.' પહેલી પનિહારીએ પૂછ્યું, 'આ તે કઈ રીતે બને ? તને કેટલીવાર દિવસમાં મળે છે એનોય તને ખ્યાલ નથી ?' બીજી પનિહારી કહે, 'એ સતત મારી સાથે જ હોય છે, પછી એમાં ગણતરી કઈ રીતે કરી શકું ?' એક સંત બાજુમાં ઊભા ઊભા પનિહારીઓની વાત સાંભળતા હતા. આ બે સખીઓની વાત સાંભળી એ વિચારમાં પડી ગયા. એમને થયું કે હું તો રોજ કેટલી માળા ગણી એની નોંધ રાખું છું. કેટલા ઉપવાસ કર્યા એની યાદી રાખું છું. ગર્વથી ચોમેર એની વાત કરું છું, પણ આજે ખબર પડી કે આ ગણતરી સાવ ખોટી છે. જો પ્રભુને મનથી માનેલો હોય તો એ સતત સાથે રહેવો જોઈએ. કેટલી માળા કરી કે કેટલા ઉપવાસ કર્યા એનું કશું મહત્વ નથી. માળાની ગણતરીને બદલે સતત ભીતરમાં એની રટણા જ ચાલવી જોઈએ. સંતને સખીઓની મીઠી ગોઠડીમાંથી નવા જ સત્યની ઝાંખી થઈ.

જોકે આજે આપણે જોઈએ છે કે બધે ગણતરીની બોલબાલા છે. તપ કે ધ્યાનની ગણતરી ચાલે તો એનું મૂળ ખોવાઈ જાય છે. ક્યારેક ગણતરી એ ગર્વનું સાધન બને છે. જ્યારે સાચી સાધના તો સ્નેહ જેવી છે. જ્યાં સતત સ્મરણ ચાલતું હોય, એક પળ પણ એનાથી ખાલી ન હોય.

કેટલાક લોકો કેટલીકવાર મંત્રનો જાપ કર્યો કે કેટલી વાર કથા સાંભળી એની ગણતરી કરતા હોય છે. ખરેખર તો એવી ગણતરી કરવાને બદલે એ વિચારવું જોઈએ કે આમાંથી કેટલું જીવનમાં ઉતાર્યું અને કેટલું ઉતારવાનું બાકી છે.

ગણતરી નહીં, પણ આત્મશોધન એ જ ધર્મપ્રવૃત્તિનો પાયો છે.

ટોપિક્સ:kumarpal desaigstv news