Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. કુમારપાલ દેસાઈ : A brother should learn to be a true brother

GSTV શતરંગ/ ભાઈએ સાચા ભાઈ બનતાં શીખવું જોઈએ

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ ભાઈએ સાચા ભાઈ બનતાં શીખવું જોઈએ
સોર્સ : GSTV

- કેમ છે, દોસ્ત

App Store

- ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

તીર્થા અને તપોવનનાં લગ્ન સાદાઈથી પતી ગયાં હતાં. તીર્થાને સાસરે વળાવવાની ઘડી આવી પહોંચી હતી. તીર્થાએ જતાં જતાં મોટાભાઈ અંબરને પૂછ્યું : ''મોટાભાઈ, મને રક્ષાબંધન પર તેડવા તો આવશો ને ?'' ત્યારે અંબરે મોં બગાડીને કહ્યું હતું : ''આટલાં વર્ષો તો અમારા ઘરનું રેશનિંગ બગાડયું, હજુ ધરાઈ નથી ? તપોવનકુમાર આને હવે ચસકવા ના દેતા ઘરમાં ગોંધી રાખજો. અમારો પીછો એ છોડતી નથી.''

તીર્થાએ માન્યું હતું કે તપોવન અને અન્ય નજીકના સગાની હાજરીમાં મોટાભાઈ અંબરે કરેલું તેનું અપમાન મમ્મી સહન નહીં કરી શકે. અને મમ્મી તેની ભીંજાયેલી આંખોને પોતાની સાડીના પાલવથી લૂછીને એને આશ્વાસન આપશે પણ તીર્થાની મમ્મી અંતરાદેવીએ તો ઘા પર મીઠું ભભરાવ્યું.

''હા, તપોવનકુમાર, અંબરની વાત તદ્દન સાચી છે. તીર્થા અમારા ઘરમાં બહુ દહાડા રહી હવે તીર્થા તમને મુબારક. તમારી બહેન પણ તમને રાખડી બાંધવા આવવાની હશે ને ? તીર્થાએ તમારે ત્યાં પણ હાજર રહેવું પડશે ને ? અને જમાઈરાજ લગ્ન પછી છોકરીની પહેલી ફરજ સાસરિયાંને સાચવવાની છે. તમારી બહેન રાખડી બાંધી જમી કરીને જાય, પછી સમય મળે તો તીર્થાને અહીં મોકલજો.'' અંતરાદેવીએ કહ્યું.

તીર્થા ચૂપ રહી. પણ તેની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. એણે મનોમન કહ્યું : ''મમ્મી, લોકો તો કહે છે કે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. પણ તું તો માતા હોવા છતાં તારા જ હૃદયમાં દીકરી પ્રત્યેના વાત્સલ્યની આવી ઓટ ? એટલા માટે કે હું તારો દીકરો નથી ?

પિયરનું પરિચિત વાતાવરણ પૂરું થાય છે ને તીર્થાને સાસરવાટ તરફ લઈ જતી ટેક્સી પૂરપાટ ગતિએ આગળ વધે છે. તપોવનની ચતુર દ્રષ્ટિને સમજતાં વાર નહોતી લાગી કે તીર્થાની મમ્મી અંતરાદેવીને અંબરભાઈ પર જેટલો પ્રેમ અને લાગણી છે, એટલો પ્રેમ અને લાગણી તીર્થા પર નથી. કદાચ તીર્થા રડી પડશે એ બીકે તપોવન કશું બોલતો નથી, મૌન રહે છે.

તીર્થાની નજર આગળથી વીતેલાં વર્ષોની સ્મૃતિઓની વણઝાર પસાર થાય છે. અંબર સોળ વર્ષનો હતો અને તીર્થા પોતે ચૌદ વર્ષની હતી. એકવાર અંતરાદેવીએ સૂવા જતાં પહેલાં કહ્યું : ''બેટા, અંબર, મેં તારા પલંગ પાસે એલાર્મ મુક્યું છે. જલદી જાગી જજે. કાલે ગણિતની પરીક્ષા છે. તું એમાં થોડોક નબળો છે.

તીર્થાએ પૂછ્યું : ''અને મમ્મી હું કેટલા વાગે ઊઠું ?'' ''હવે તારે વધારે માર્કસ્ લાવીને શું કરવાનું છે ? આખરે તો સાસરે જ જવાની ને ? ભાઈએ તો ભવિષ્યમાં ઘરની જવાબદારી સંભાળવાની છે. તું પણ પાંચ વાગે ઊઠી જજે, અને ભાઈને ચા-નાસ્તો કરાવ્યા બાદ વાંચવા બેસજે.'' અંતરાદેવીએ આદેશાત્મક સ્વરમાં કહ્યું.

પણ મમ્મી, મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે. અમારી શાળામાં બધા જ શિક્ષકો કહે છે કે હું બોર્ડમાં જરૂર ટોપ કરીશ. તીર્થાએ નિશ્ચલભાવે કહ્યું પણ તેની મમ્મી અંતરાદેવીએ રોકડું પરખાવી દીધું. ''બસ હવે, ચાંપલાશ ઓછી કર. તારા ભાઈનું નીચું દેખાડવા માટે તું પોતે જ તારા પોતાના વખાણ કરે છે ? તારું રિઝલ્ટ કંઈ પણ આવે મને કોઈ ફરક પડતો નથી.

અને તીર્થા ચૂપ થઈ ગઈ હતી. એનું મન એને એક જ પ્રશ્ન પૂછતું હતું ''શા માટે મમ્મી અંબરભાઈની તરફદારી કરે છે અને મારી ઉપેક્ષા કરે છે ? સંતાન-સંતાનમાં લાગણીભેદ રાખવો એ સામાજિક અપરાધ છે. એ વાત મમ્મી કેમ સમજતી હોય ? વિચારતાં વિચારતાં તીર્થાની આંખો ભીની થઈ જતી.

દિવસ દરમિયાન ઘરનાં નાનાં-મોટાં કામો તીર્થાએ કરવા પડતાં અને અંબર શેઠાઈ કરતો. ''તીર્થા, મારા માટે નહાવાનું ગરમ પાણી તૈયાર રાખ. નાહીને નીકળું એટલે મારા કપડાંને ઇસ્ત્રી કરીને મારા બેડરૂમમાં મૂકી દેજે અને મારા બૂટ સાફ કરવાનું ભૂલીશ નહીં. અંબર તીર્થા માટેનું ડયૂટીલિસ્ટ વટભેર જાહેર કરતો. 

સાંજે તીર્થાએ મમ્મીને રસોઈમાં મદદ કરવાની. રાત્રે ઘરકામ પરવાર્યા બાદ જ તીર્થા અભ્યાસ કરવા બેસતી. અત્યારના છોકરાઓ લગ્ન માટે કમ સે કમ ગ્રેજ્યુએટ થયેલી છોકરી માગે છે. એટલા માટે જ તીર્થાની મમ્મી અંતરાદેવીએ તીર્થાને ગમે તેમ કરીને ગ્રેજ્યુએટ સુધી ભણવાની છૂટ આપી હતી.

અંબર ભણવામાં નબળો હોવા છતાં એને અંતરાદેવીએ વિજ્ઞાનપ્રવાહમાં આગળ અભ્યાસ કરાવવા ડોનેશન આપીને સાયન્સ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. અને તીર્થા ગ્રેજ્યુએટ થઈ એટલે તરત જ તેના માટે છોકરો શોધવાનું અંતરાદેવીએ શરૂ કરી દીધું હતું. તીર્થાને ઘરે રહીને 'ગૃહસ્થજીવન' ના પાઠ ભણાવવાનું ચાલું કરી દીધું હતું. અંતરાદેવી વાતવાતમાં તીર્થાને 'પારકી થાપણ' કહી જલદીથી સાસરે મોકલી દેવાની વેતરણમાં રહેતાં હતાં.

અને એક મધ્યમ પરિવારના દીકરા તપોવન સાથે તીર્થાનાં સાદાઈથી લગ્ન પતાવી દીધા. તીર્થાની વિચારયાત્રા ચાલુ જ હતી. લગ્નના ફેરા પૂરા થયા એટલે શું હું પરાઈ બની ગઈ ? શું મમ્મીએ મને પારકી ગણી ? મમ્મી, તારા ઘરમાં ગાળેલાં મારાં એકવીસ વર્ષોને પૂછ કે તારે માટે હું પારકી છું કે પોતાની ? તારા હાથમાં નોટોના બંડલ મૂકવાની તાકાતને લીધે જ કેવળ અંબરભાઈ તારા માટે પોતાનાં ? અને ઘરમાં મેં અદા કરેલી ભાવનાભરી સેવાઓનું કશું જ મૂલ્ય નહીં ? મમ્મી, પપ્પાજીની માંદગી વખતે રાત-રાત જાગીને મેં દર્શાવેલી પિતૃભક્તિ...તું ભૂલી ગઈ ? મેં તારો પડતો બોલ ઉઠાવ્યો, ઘર સજાવ્યું, આંગણે આવેલા અતિથિઓનું ઉમળકાભેર કરેલું સ્વાગત...અને મેં તને આપેલો પુત્રી પ્રેમ, આ બધાંની તને કોઈ જ કીંમત નથી ? હું પારકી શી રીતે કહેવાવું ? અંબરભાઈ, જેણે આજસુધી પરિવાર માટે કશું જ કર્યું નથી માત્ર પુત્ર હોવાને કારણે ઘરમાં શેઠાઈ જ કરી છે, એ તારો પોતાનો ! દીકરા-દીકરીનો ભેદ શા માટે ? સંબંધમાં આત્મીયતાનું મૂલ્ય કશું જ નહીં ?..ત્યાં જ આંચકા સાથે ટેક્સી ઊભી રહી...એટલે તીર્થા વિચારતંદ્રામાંથી જાગી ગઈ. તપોવને કહ્યું, ''ચલ તીર્થા, આપણું ઘર આવી ગયું. મમ્મી-પપ્પા આપણી રાહ જોતાં હશે.''

અને તીર્થાએ 'પોતાના' ઘરમાં પ્રવેશ કર્યો. તપોવનના માતા-પિતાને તીર્થા પગે લાગવા ગઈ ત્યારે એમણે પગે લાગવાની ના પાડી અને પ્રેમથી તીર્થાને ભેટી પડયાં. ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા. એમનો આવો પ્રેમાળ સ્વભાવ જોઈને તીર્થા હળવી થઈ ગઈ હતી. તપોવનમાં મમ્મી-પપ્પા તીર્થાને પોતાની દીકરીની જેમ જ રાખતાં હતાં. એક વર્ષમાં તો કુશળ ગૃહિણીની પરીક્ષામાં પાસ ઉતરેલી તીર્થાને તપોવનની મમ્મીએ ઘરના તમામ સૂત્રો સોંપી દીધાં હતાં. ઘરનો હિસાબ-કિતાબ બધું જ તીર્થાનાં હાથમાં. બધું એવી સરસ રીતે ચાલતું હતું કે તપોવનના પપ્પાજી પણ પોતાનો પગાર તીર્થાના હાથમાં ધરી દેતા હતા.

એક વર્ષમાં તો તપોવનના ઘરની કાયાપલટ થઈ ગઈ. ઘરની ચીજવસ્તુઓની ગોઠવણીમાં, સજાવટમાં, ભોજનની વાનગીઓમાં, હરવા-ફરવાના કાર્યક્રમમાં, જમીન-આસમાનનો ફેર પડી ગયો હતો. મહિને એકાદ વખત ગોઠવાતા નાના પ્રવાસમાં તીર્થા અને તપોવન એકલાં નહીં, મમ્મી-પપ્પાને પણ ફરજિયાત જોડાવું પડતું. તીર્થા દરેકની આદતો, દરેકનો સ્વભાવ, દરેકને ફાવતી-ભાવતી વસ્તુઓને મહત્ત્વ આપતી હતી.

પણ એક સવારે તીર્થાએ ઘરનાં સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધાં.બધા સાથે બેસીને ચા-નાસ્તો કરતાં હતાં, ત્યારે તીર્થાએ પોતાને મળેલો એપોઇન્ટમેન્ટ લેટર તપોવનના પપ્પાજીના હાથમાં વાંચવા આપ્યો. તપોવનના મમ્મીએ કહ્યું : ''બેટા, તું ઘર સંભાળે છે એ ઓછું છે કે પાછી નોકરીની ઝંઝટમાં પડે છે. તીર્થા તું થાકી જઈશ. તારા હરવા-ફરવાના દિવસો છે બેટા, તું વધુ પડતો કામનો ભાર સ્વીકારીને તારી તબિયત બગાડીશ. ના બેટા, ના તારે નોકરી નથી કરવાની. નાની ઉંમરમાં જ શરીરને ઘસારો પડે એવું કશું કરવાનું નથી.''

''મમ્મીજી, તમને તમારી તીર્થાની શક્તિમાં વિશ્વાસ નથી ? હું ઘર પણ સાચવીશ અને તમારું તથા પપ્પાનું ધ્યાન પણ રાખીશ. ઘરમાં થોડા પૈસા વધારે આવે તો, થોડી બચત પણ થાય. અને મમ્મીજી હું જ્યારે થાકી જઈશ ત્યારે નોકરી છોડી દઈશ બસ ? હવે રાજીને મમ્મીજી ? અને તીર્થાએ નોકરી શરૂ કરી. તીર્થા સાસરિયામાં એટલી બધી હળીમળી ગઈ હતી કે તેને પોતાની મમ્મીના ઘરમાંથી મળેલો તિરસ્કાર તે વિસરી ગઈ હતી.

પણ રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં તે અસ્વસ્થ થઈ ગઈ હતી. અંબરભાઈ તો રાખડી બાંધવા એને નહીં તેડાવે તેની તેને ખાતરી હતી. એક રાત્રે બધાં સાથે જમવા બેઠાં હતાં, ત્યારે તીર્થાએ વાત કાઢી : ''મમ્મીજી તમે જો રજા આપો તો, રક્ષાબંધન પર હું અને તપોવન અંગનાદીદીને તેમને સાસરે જઈને તેડી આવીએ ?'' અને તપોવનના મમ્મી-પપ્પાએ તીર્થાને અંગનાદીદીને રક્ષાબંધન કરવા તેડી લાવવા માટેની પરવાનગી ખુશ થઈને આપી દીધી.

અંગનાદીદીનું આગમન થયું, ત્યારે આખું ઘર હિલોળે ચઢ્યું. તીર્થા તો અંગનાદીદીને 'ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે'નો અનુભવ કરાવતી હતી. દીદીને કોઈપણ કામ કરવાની મનાઈ ફરમાવી હતી. તપોવન અને મમ્મી-પપ્પા સાથે મન મૂકીને વાતો કરવાની મોકળાશ દીદીને મળી હતી. તીર્થા તો ખુશખુશાલ હતી.

રક્ષાબંધના દિવસે તપોવન રેશમી સુરવાલ-કફનીમાં તૈયાર થઈને આવી ગયો હતો. અંગનાદીદી રાખડી બાંધવા જતા હતાં ત્યાં તીર્થાએ રોક્યા : ''દીદી, એક મિનિટ. થોડી વાર પછી રાખડી બાંધજો.''

તીર્થાએ તપોવનના મમ્મી-પપ્પાને પૂછ્યું : ''મમ્મીજી, પપ્પાજી તમે મને પોતાની માનો છો ને ? આ ઘર પર મારો પૂરેપૂરો હક છે ને ?હું કોઈ પણ નિર્ણય લઉં તો તમને મંજૂર હશેને ?''તપોવના મમ્મીએ કહ્યું : ''બેટા, તું કેવા સવાલો પૂછે છે ? તને અમારામાં શંકા છે ? આ ઘર તારું છે, અને અમે પણ તારાં છીએ. તારે જે કરવું હોય તે કર અમને મજૂર છે....અને હશે.

ખુશખુશાલ તીર્થાએ કહ્યું : ''ચાલો, અંગનાદીદી, હવે તમારા ભાઈને રક્ષા બાંધો. એ પહેલાં તપોવન તારે દીદીને કેટલાક વચન આપવાં પડશે. બોલ, 'દીદી, આપણે એક માતા-પિતાના સંતાન છીએ. તો પછી ડાબી-જમણી આંખનો ફરક શા માટે ? બન્નેનો ઘરમાં બરોબરનો હક છે. દીકરો હોય કે દીકરી બન્નેનો સંતાન તરીકે સમાન અધિકાર છે. હું તપોવન, ઇશ્વરની સાક્ષીએ મને પૈતૃક વારસા રૂપે મળનાર તમામ સંપત્તિમાં દીદી તમને સમાનાધિકારીણી બનાવું છું. તપોવન તીર્થાએ કહ્યું તે પ્રમાણે બોલી ગયો. ત્યારે તીર્થાએ 'તાલિયાં' કહીને બધાં પાસે તાલી પડાવી. અને કહ્યું : ''તપોવન, મારા ભાઈ અને મમ્મીને કહેજો કે તીર્થા પિયરની ભૂખી નથી, તરસી નથી, એ તો સ્નેહભીનાં સાસરીએ રહીને ટહુકા કરે છે. અને તીર્થા ઢળી પડી હતી. થોડીવાર બાદ ભાનમાં આવ્યા બાદ, અંગનાદીદીને ભેટી પડી હતી. અને એની આંખમાંથી પ્રેમની અશ્રુધારા વહી રહી હતી.

એણે આંખ ખોલીને જોયું તો સામે ઉભો હતો ભાઈ અંબર. અંબરે તીર્થાને પગે લાગી માફી માગતાં કહ્યું હતું કે ''મારી વહાલીબેન, મમ્મીના કહેવાથી મેં તારા અનેક અપરાધ કર્યા છે. આ રાખડી એ અપરાધોને ધોઈ નાંખીને પ્રેમની ગંગા વહાવશે. ભાઈએ સાચા ભાઈ બનતાં અને બહેને સાચી બહેન બનતાં શીખવું જોઈએ. રક્ષાબંધન એ આત્મદર્શન અને સમાજદર્શનનો વિષય છે. બહેન મને માફ કરી દે, કહી એ તીર્થાના ચરણોમાંથી ઉભો થયો ત્યારે કાંડે શોભતી હતી એક પવિત્ર રાખડી.