GSTV શતરંગ: ઇરાન-ઇઝરાયેલ યુદ્ધમાં કોનો 'આઈ' કેપિટલ?

ડિસેમ્બર ૨૦૧૧માં આજથી ૧૫ વર્ષ પહેલા એવું બન્યું કે અકસ્માતે એક અમેરિકન ડ્રોન ઇરાનની ધરતી પર પડયું. એનું નામ આરક્યુ ૧૭૦ સેન્ટીનેલ. આપણે ત્યાં હજુ લગ્નના શૂટિંગમાં પણ ડ્રોનની એન્ટ્રી નહોતી, ત્યારે અમેરિકાએ યુદ્ધ માટેનું સ્ટીલ્થ ડ્રોન બનાવેલું. ઝટ રડારમાં પકડાય નહિ, ટાર્ગેટ પર જઈને ધુરંધર બની ફાટે! અકસ્માતે એ ઇરાનની ટેરેટરીમાં પડયું એ ભેગો યોગાનુયોગ એ સર્જાયો કે એ અકબંધ રહ્યું!
ઇરાનના ઇતિહાસ પર ચાર ભાગમાં આ લખવૈયાના લેખો વાંચ્યા હશે તો બે બાબતોની ખબર હશે. ૧૯૭૯માં શાહ સામે જનઆંદોલન બાદ ઇરાન ઇસ્લામિક રિપબ્લિક બન્યું ત્યારથી અમેરિકા સાથે એના સંબંધો ખાટા થઈ ગયેલા ને અમેરિકાએ એના પર પ્રતિબંધો લગાવી ઇરાક મારફતે યુદ્ધ શરૂ કરાવેલું. બીજું, પર્શિયા યાને મૂળ ઇરાની પ્રજાના જીન્સ જેની સાથે જોડાયેલા છે, એ જેવીતેવી સંસ્કૃતિ નહોતી. યુદ્ધમાં અજેય ગણાતી અને અકીમાતિદ સામ્રાજ્યનો નક્શો સૌથી વિરાટ ફેલાયેલો હતો. કળા અને વિજ્ઞાન, ભાષા અને હુન્નર બધું સોળે કળાએ ત્યાં એવું વિકસ્યું હતું કે ગુલાબજાંબુથી ગઝલ સુધીનો એનો પ્રભાવ ભારત પર પણ છે. ઇસ્લામના નામે મૌલવીઓ બંધિયાર માનસના હોઈ શકે, ઇરાની માઈન્ડસેટ નહિ!
એટલે વિશ્વ સાથે અમેરિકાએ ઇરાનને કાપી નાખ્યું, ત્યારે પણ ઇરાન આટલું પડી ગયા છતાં હાર્યું નહિ. એણે ગ્લોબલ માર્કેટ એક્સેસ કપાઈ જતા ઇનોવેશન બાય ઇમિટેશનનો માર્ગ પસંદ કર્યો. ગ્રીકો ને રોમનો સામે ટક્કર લઈ ચૂકેલા પર્શિયનોમાં મુકાબલામાં મરી જઈને પણ પાછા ન હટનારા શિયા ઇસ્લામનું કલ્ચર ભળ્યું એટલે મરણિયા લડાયકવૃત્તિનું કોકટેલ થયું છે. ઇરાની યોદ્ધા કંઈ અફઘાનિસ્તાન જેવા લડાકૂ નથી કે માત્ર બહાદુૂરીથી લડવા નીકળી પડે. અક્કલ ખીલવવાની શિક્ષિત સંસ્કૃતિના મૂળિયાં ઊંડા છે, ઇરાનમાં એટલે સાયન્સને અછૂત માન્યા વિના એડવાન્સ્ડ રિસર્ચ અને ધર્મ સિવાયનું પણ આધુનિક શિક્ષણ એ એણે કાયમ પકડી રાખ્યું છે, ઇસ્લામિક રાજવટમાં પણ. એકવીસમી સદી પહેલા જ એમએ જેવાતેવા પણ પોતાના સ્વદેશી વિમાનો બનાવ્યા ને આજે જગતને ખટકે છે એ ન્યુક્લીઅર પાવર પણ મેળવી લીધો. બીજા બધા દરવાજા બંધ હતા તો માથા પછાડવાને બદલે અસ્તિત્વ ટકાવવા આત્મનિર્ભર બન્યું.
એટલે અમેરિકાના નંગ એક સેન્ટીનેલ ડ્રોન હાથમાં આવ્યું તો હોશિયાર ઇરાનીઓએ એની ચીરફાડ કરી. ઓલરેડી ઠીકઠાક ડ્રોન તો એ લોકો બનાવતા જ હતા. અમેરિકા જેવા પ્રચંડ મિસાઈલ્સ બને એમ નહોતા, પણ ડ્રોન સસ્તા પડે એમ હતા. ડિઝાઈન અમેરિકાની હાથમાં આવ્યા બાદ ઇરાની એન્જીનીયર્સે રિવર્સ એન્જીનિયરીંગ કામે લગાડીને એની નકલને બદલે એની ખૂબીઓ સમજી એનાથી બહેતર એવું મિલિટરી ડ્રોન સર્જ્યું ! દેખાવમાં સોફિસ્ટિકેટેડ નહોતું વેસ્ટર્ન વર્લ્ડ જેવું પણ એથી વધુ અસરકારક ને ખાસ્સું સસ્તું હતું. એ શાહીદ ૧૩૬ ને અમેરિકાએ એકલું પાડી દીધું હોય પહેલેથી જ ગિન્નાયેલા રશિયાએ યુક્રેનમાં વાપરીને પ્રેક્ટિકલ પણ કરી લીધો. કમાલ એ હતી કે સસ્તા શાહીદ ૧૩૬ તો ફિદાયીન હુમલો ટાર્ગેટ પર કરી જાણે, પણ એને રોકવા માટે જે શિલ્ડ કે મિસાઈલ વાપરવા પડે એ કરોડોમાં પડે! એટલે દુશ્મન આર્થિક રીતે પણ યુદ્ધમાં ખુવાર થતો જાય! ધંધામાં નફો ત્યારે થાય જ્યારે સારી ગુણવત્તાનું ઉત્પાદન સોંઘુ પડે!
પાઘડીનો વળ છેડે ત્યારે આવ્યો કે અમેરિકાએ પોતાના સેન્ટીનેલની કોપીમાંથી જન્મેલા ઇરાનિયન શાહીદ ૧૩૬ નો અભ્યાસ કરીને ખુદની જ ઓરિજીનલ ડિઝાઈનની વધુ કુશળ નકલની કોપી મારીને સસ્તા લડાયક ડ્રોનનો પ્રોગ્રામ ઘડવો પડયો! પણ ત્યાં સુધીમાં ઇરાની ડ્રોન એટેકે ઇઝરાયેલ અમેરિકાને હંફાવ્યે રાખ્યું ને વળી ખામેનાઈ ક્યાં બધાને મળવાના છે, એની જાસૂસી રાખનારાં ઇઝરાયેલમાં સીધું ખાબકે એવું ૪૦૦૦ કિ.મી.ની રેન્જવાળું મિસાઈલ પણ બનાવ્યું છે, એ મોસાદને ખબર ન પડવા દીધી, હમણાં 'ટેસ્ટિંગ' કરીને ચેતવણી આપી !
***
અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બરની દાઝ કાઢવા ને ત્યારે યુદ્ધખોર બનેલા જાપાનને કાબૂમાં લેવા જગતમાં એકમાત્ર વખત વપરાયેલા અણુબોમ્બનો પ્રયોગ કર્યો, એ રાજધાની ટોકિયો ને બદલે હિરોશિમા, નાગાસાકી પર કર્યો ! જેથી વાતચીત કરી શરણાગતિ માટે પણ જાપાની નેતૃત્વ અકબંધ રહે! પણ ઇઝરાયેલને ઇરાની સ્ત્રીઓનો ઉદ્ધાર કરવા કરતા 'ગ્રેટર ઇઝરાયેલ'ના સપનામાં વધુ રસ છે. પર્ટિક્યુલરલી, ૨૦૦૯થી ચંદ વર્ષોના અપવાદ વિના ત્યાં વિરોધ છતાં સત્તામાં રહેલા નેતાન્યાહૂને.
યહૂદીઓમાં એક વર્ષ કટ્ટર ઝાયનિસ્ટોનો છે. દરેક ધર્મમાં એક કટ્ટર ફાંટો હોય, જેની સાથે એના જ ધર્મના લોકો સહમત ન હોય, એવી રીતે. ભારતમાં ઇઝરાયેલ બાબતે વાસ્તવિકને બદલે સફારી છાપ અહોભાવની કલ્પનાકથા વધુ ચાલે છે. જાણે ઇઝરાયેલના દરેક નાગરિક મરણિયા યોદ્ધા જ જન્મે ને એને કોઈ મારીપછાડી હંફાવી જ ન શકે એવું જડબેસલાક ચિત્રણ અહીં વોટ્સએપ 'વિષ' વિદ્યાલયમાં વર્ષોથી છે. વર્તમાનમાં આ કલઈ ઉખડી ચૂકી છે. ઉઘાડેછોગ અમેરિકાના સાથ છતાં ઇઝરાયેલ અત્યારે માર પણ ખાઈ રહ્યું છે, ને નેતૃત્વ વિનાપણ સરફરોશ યોદ્ધાઓ ઇરાન પાસે ક્યાંય વધુ છે, એ તો સિધ્ધ થઈ ચૂક્યું છે. ઇનફેક્ટ, ભારતીયો માટે આ નવી નવાઈ હશે. ચાલાકી, ખંધાઈ, જાનફેસાની, બુદ્ધિમત્તા અને વ્યૂહાત્મક કૂટનીતિ બધાંનું કોમ્બિનેશન ધરાવતા ઇઝરાયેલને તો એનો પહેલેથી જ અંદાજ છે. એટલે તો એની સામ ભૂતકાળમાં પડેલા એવા પાડોશી મુસ્લિમ દેશો સાથે અમેરિકાના દબાણે ગઠબંધન રચીને પણ ઇરાનને પાડી દેવા મથે છે. ઇરાન-ઇઝરાયેલ પાડોશી પણ નથી. ઇઝરાયેલની પેલેસ્ટાઈનવાળી લમણાંઝીંક તો આરબો સાથે છે, ઇરાન તો અલગ જ કલ્ચર છે તો ફિર દુશ્મની કા હંગામા ક્યું હૈ બરપા?
કારણનો ઇતિહાસ તો અલાયદો લેખ માંગી લે એમ છે, પણ હેડલાઈન સમજો તો યહૂદી પ્રજા હજારો વર્ષોથી બેવતન છે. એક સપના પર એકતા છે એમની. એ છે 'પ્રોમિસ્ડ લેન્ડ'ની આસ્થા. અબ્રાહમિક ધર્મોના ઇશ્વરે (ખ્રિસ્તી, ઇસ્લામ પણ એના જ ફાંટા છે) એને જમીન આપવા કરેલો વાયદો. હવે જુદેવબાબા કહી ગયેલા એમ 'પૈસા ખુદા નહિ, મગર ખુદા સે જુદા ભી નહિ' એમ ઇશ્વર તો મૌન છે, પણ એમનું કાર્ય પૈસાથી બોલીને કરાવવું એ વેપારી જ્યુઝ યાને યહૂદીઓ સદીઓથી જાણે છે. ધાર્મિક રીતે ઇસ્લામ ને ઇસાઈ બેઉમાં વ્યાજની એલર્જી હતી. વ્યાજના લીવરેજ વિના આર્થિક પ્રગતિ થાય નહિ. ત્યારે જગતભરમાં વ્યાજ ને સરવાળે ધીરધારનો શરાફી કારોબાર 'કોર્ટ જ્યૂ' યાને દરબારી યહૂદી યાને જે તે રાજાઓના નાણાકીય શેઠિયા યહૂદીઓના હાથમાં હતો.
હવે ઐતિહાસિક રીતે અને ધાર્મિક મિથકોની રીતે જીસસ ક્રાઈસ્ટને ક્રોસ પર ચડાવી દેનાર યહૂદી ધર્મગુરૂઓ (જેમને ઇસુની સુધારાવાદી નીતિ નહોતી ગમી) અને મોહમ્મદસાહેબને અમગ કિબલા (માથું ઝૂકાવવાનું ધર્મસ્થળ) બનાવી સુધારાના વલણને બદલે પોતાનાથી અલગ નવો જ ધર્મ સ્થાપવા માટે કોર્નર કરનાર પણ યહૂદીઓ! એટલે શત્રુતા તો શ્રદ્ધામાં વણાઈ ગયેલી. વળી, યહૂદીઓ બીજા દેશમાં જાય પણ એની સંસ્કૃતિમાં આત્મસાત થવાને બદલે ભીતરથી એકદમ ચુસ્તપણે એમની ઓળખ જાળવી રાખે. મહેનતુ, બુદ્ધિશાળી અને સામેથી ત્રાસવાદી હુમલા જેવી માથાકૂટ ટાળનારા એટલે અન્ય દેશો સાથે ઘર્ષણમાં ન ઉતરે, બને એટલા ખામોશ ને આજ્ઞાકારી રહે, પણ વતનથી વિખૂટા ને કોઈ સ્વદેશ કે માતૃ/પિતૃભૂમિ નહિ એટલે ધાર્મિક રીતરિવાજો-નીતિનિયમોનું અંદરોઅંદર (જેમ એનઆરઆઈ મિત્રો વિદેશવાસી થઈ કરે છે એમ, પણ અહીં તો વતન પાછા ફરવા જવાનું પણ કનેકશન નહિ!) ચુસ્ત પાલન કરે. સાથોસાથ રૂપિયાના વહીવટમાં બાહોશ. કોઈ ગૃહિણી જાત રસોઈ ન કરે, ને એણે રાખેલી રસોઈવાળી ઘરના રસોડાની માલિકણ બની નિર્ણયાત્મક સત્તા ભોગવે, એમ ખ્રિસ્તી-મુસ્લિમ દેશોમાં પૈસાપાત્ર યહૂદીઓ થતા ગયા. પૈસાની જલન અને ધાર્મિક ઓળખની સૂગ બેઉ કારણોથી ઘણે અળખામણા થયા. હિટલરે પણ એમ જ વાંધો ઉઠાવીને ક્રૂર નરસંહાર આચરેલો ને!
સામે પક્ષે સંઘર્ષને લીધે પ્રચંડ પ્રજ્ઞા યહૂદીઓમાં ખીલી. વિવિધ દેશોમાં 'ક્રોસ બ્રીડિંગ' થતા બેટર જીન્સવાળી પ્રજા પેદા થઈ એટલે બિઝનેસની જેમ સાયન્સમાં ડંકો વગાડી દીધો. ઘણા યહૂદી એટલા મોડર્ન, પ્રગતિશીલ થયા સ્પીલબર્ગથી ઝકરબર્ગ અને આઈન્સ્ટાઈનરી ફ્રોઈડ સુધીના કે ધાર્મિકતાને જ ચેલેન્જ કરવા લાગ્યા. પણ પેરેલલ ઉદાર સૌજન્ય સમન્યવય વાળા ઋષિઓના સનાતન સાથે નફરતી, અબૂધ, રૂઢિઓથી દોરવાતા સાંપ્રદાયિક હિન્દુઓ પણ પેદા થયા ને બહુમતી પ્રજાના દિમાગને સાચીખોટી વાતોથી ભવિષ્યના ભય સાથે ભૂતકાળની ભવ્યતા જોડીને ભેળ બનાવી કબજે કરવા લાગ્યા, એવું ઇઝરાયેલમાં પણ થાય છે.
રાજકીય રીતે તો એક વિશ્વયુદ્ધ નહોતા થયા ત્યારથી ઇઝરાયેલની માંગ લેખિતમાં વગદાર ઝાયનિસ્ટ ને કુબેરપતિ યહૂદીઓએ યુરોપીયન દેશો (વાંચો, મહાસત્તાઓ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે) મનાવી હતી. ૧૯૪૭ આસપાસ ઘણું બન્યું. અમેરિકા સુપરપાવર સર્ટિફાઈડ થતાં રશિયા સાથે કોલ્ડવોર થઈ, ભારત જેવા અનેક દેશો સ્વતંત્ર થતાં બ્રિટન નબળું પડયું પણ જ્યાં ગયા હોય ત્યાં સળગતા ઉંબાડિયા મૂકવાની ને બધાને લડવામાં એંગેજ રાખવાની સુરંગી ટેકટિક્સને લીધે ૨૦૦૦ વર્ષથી જે જગ્યા છૂટી ગઈ હતી, એ પેલેસ્ટાઈનમાં ઇઝરાયેલ બન્યું ને ઈરાન સાથે આરબ દેશોમાં પેટ્રોલિયમ (ઓઈલ) ખાતર પશ્ચિમી દેશોએ પપેટ ગવર્નમેન્ટ બેસાડવાનું શરૂ કર્યું. એમાં ઇઝરાયેલ એક નાના ટુકડા તરીકે મળ્યું, પણ સપનું તો ગ્રેટર ઇઝરાયેલનું હતું, જેમાં ધીરે ધીરે ધોકાવાળી કરીને કે સામ, દામ, ભેદની ગોબાચારી કરીને પણ વિસ્તાર વધારી શકાય. ઘણા શાણા નેતાઓએ એ ખ્વાબ અંકુશમાં રાખેલું પણ વૈશ્વિકસ્તરે હવે 'રાષ્ટ્ર્વાદી' માનસિકતાનો વધતો પ્રભાવ, જેહાદી ત્રાસવાદ ને રેડિકલ ઇસ્લામને મજબૂતીથી વળગીને કે એનો પૂરતો વિરોધ ન કરીને મુસ્લિમોએ મેળવેલી ગ્લોબલ બદનામી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનના વધેલા પ્રભાવ પછી બદલાતા સમીકરણોમાં નબળી નેતાગીરી જોઈને ઇઝરાયેલે ઈરાન સામેના ફુલફલેજ્ડ યુદ્ધનો પાસો ફેંક્યો છે.
ત્રાસવાદે ઈસ્લામને કરેલું નુકસાન એવડું મોટું છે કે હમાસ, હિઝબૂલ્લાહ, હૂતી, અલ કાયદા, આઈએસ, તાલિબાન લશ્કરે તોઈબા વગેરે સંગઠનોથી જગતની બાકીની શાંતિપ્રિય પ્રજાને રીતસર એલર્જી થઈ ગઈ છે, તે એક ચીડ વધે એવા કૃત્યો ઇસ્લામના ધર્મગુરૂઓ કે શાસકોની અપીલો છતાં અટકતા નથી, કારણ કે એ જીન્નને રોકતી માનવતા અને આધુનિકતાની બાટલી જ મઝહબપરસ્તીએ ફોડી નાખી છે. ઈરાનમાં ઇસ્લામિક તાનાશાહીએ સ્વસ્થ વિકલ્પ કોઈ પેદા જ થવા નથી દીધો. એમાં મહિલાઓ પરના ઘોર ધાર્મિક અત્યાચારોથી ઈરાનની અડધોઅડધ પ્રજા વીફરેલી ને નારાજ છે મુલ્લાશાહીથી. પણ હવે શું થશે એ ભવિષ્ય આ યુદ્ધે એટલું અંધકારમય કરી નાખ્યું છે કે આ અનિશ્ચિતતામાં બળવો કરવામાં બે બાજુથી મરો થાય એમ છે, એટલે સમસમીને બચેલા નેતૃત્વ સામે ચૂપ છે. પણ અપેક્ષા એવી હતી કે ખામેનાઈ સહિતના ટોચના નેતાઓ ઉડાડી દેવાથી ઈરાનમાં સત્તાપલટા માટે હમણાં જ સિતમગર શાસન સામે રસ્તા પર ઉતરેલી પબ્લિક (જેમાં ઈરાની હકુમતે અઢી-ત્રણ હજાર પોતાના જ નાગરિકોના ઢીમ ઢાળ્યા હોવાના અહેવાલ છે.) બાકીનું કામ પૂરું કરશે. પણ આ પગલાએ ઊલટું ઇરાનને હાલ પૂરતું 'દુનિયા આપણી દુશ્મન છે' વાળા ડરથી એક કરી દીધું! લિબરલ ક્રાંતિકારીઓનો અવાજ મોટો છે, પણ સંખ્યા એટલી નથી કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ સામે ટક્કર ખુલ્લેઆમ લઈને જીતી જાય.
અને શહાદત, કુરબાની, બલિદાનના નેરેટીવ પર ઇરાનમાં મરીને પણ મારનારું લશ્કર લડયા કરવાનું. ઇરાનની રાજકીય હકુમત ફરી જાય તો પણ આ જૂથો લડ્યા કરે એની દહેશત નકારી ન શકાય. એને બ્રેક મારનાર ઓથોરિટી તો છે નહિ. યુદ્ધ પૂરું તો જમીનનો કબજો આર્મી કરે ત્યારે થાય. ઈરાનમાં જાગ્રોસની ૧૬૦૦ કિમી લાંબી ત્રણથી ચાર હજાર કિમી ઊંચી પર્વતમાળા એક બાજુ છે. બીજી બાજુ કેસ્પિયન સમુદ્રથી જાવ તો અલ્બાર્ડ પર્વતમાળા (સૌથી ઊંચુ શિખર માઉન્ટ દમાવંદ ૫૬૧૦ મીટર) છે.
વચ્ચે દશ્તે કબીર ને દશ્તે લૂતના રણ છે. એટલે ભૌગોલિક રીતે એમાં એન્ટ્રી પોઈન્ટસ ઝાઝા નથી.
અને ઇઝરાયેલને ગ્રેટર ઇઝરાયેલ ૮૫,૦૦૦ સ્ક્વેર કિમીનું કરવું છે પણ અત્યારે એનો વિસ્તાર ૧૪,૦૦૦ ચો.કિ.મી. સુધી હતા સ્થાપના વખતે ત્યાંથી ૨૨,૦૦૦ સ્કવેર કિમી. સુધી વિસ્તર્યો છે. ઇરાનનું ક્ષેત્રફળ ઇઝરાયેલથી દસ ગણું છે. અને વસતિ પણ! ઇરાની લશ્કર પણ ઇઝરાયેલથી ચાર ગણું છે. એટલે અમેરિકાના ટેકા વિના ઇઝરાયેલ ટકી શકે નહિ સીધી લડાઈમાં ઇરાન સામે. અખાતી દેશો તો અત્યારથી જ યુદ્ધમાં હોર્મુઝ ચેપ્ટર ઉમેરાયા બાદ તટસ્થ થવાની વેતરણમાં છે. હજુ ઇરાનનું નુકસાન એમને ત્યાં રહેલા અમેરિકન અડ્ડાઓ પર છે. બીજી મોટી ખુવારી નથી. ઇરાન-ઇઝરાયેલના સાચા સમાચારો નથી મળતા, પણ પ્રમાણમાં હજી ઇરાને આ યુદ્ધમાં ઉસૂલ યાને સિદ્ધાંત ટકાવી રાખ્યા છે. આક્રમણ સામે વળતો પ્રહાર કરવો પણ શક્ય હોય ત્યાં સુધી ઉત્તેજીત ઉગ્રતામાં નિર્દોષોને નહિ મારવા એ પણ ઇરાનની પોલિસી છે. કટ્ટર મુસ્લિમો આતંકવાદી કે ગુંડામવાલી કે જૂનવાણી બનીને ઇઝરાયેલને એનો એજન્ડા તાસક પર આપે, એવી બેવકૂફી ઈરાને હજુ નથી કરી. અત્યારે ટોચની લીડરશિપ વિના એનો મોઝેક કમાન્ડ ચાલે છે. ૩૧ ઝોનમાં સેના વહેંચાયેલી છે. જેને જે ઠીક લાગે એમ કરે ઉપરના આદેશની જરૂર નથી. પણ અમુક નિયમોને અનુસરીને વાતચીતની ચાવી ચીન ને રશિયા પાસે છે આમ પણ.
અમેરિકાને આમ તો કશું ન્હાવાનિચોવવાનું હોર્મુઝમાં પણ નથી. એ ઓઈલ એક્સપોર્ટર છે, ઇમ્પોર્ટર નથી. હોર્મુઝ બંધ થવાના ફટકા આપણને કે એશિયા યુરોપને પડે. અમેરિકાને તો ઉલટો ચીનને ઓઈલ ઓછું મળે એનો રાજીપો થાય. એની ડોલર ઇકોનોમીના કાંગરા એમ નથી ખરવાના. પણ ત્યાં શાસન પર ધનકુબેર અને વગદાર યહૂદીઓની પક્કડ છે. સામે ટેરિફ એપસ્ટાઈન હેડલાઈનમાંથી નીકળી ગયા છે. ૧૭ લાખના શાહીદ ડ્રોન સામે ૩૩ કરોડનું પેટ્ટિચેટ ક્યાં સુધી અમેરિકા ઇઝરાયેલ ખાતર બરબાદ કરે ? સળગતું લીધા પછી 'ગાંઠો છટકાવવા'ની ફિરાકમાં એ છે. અમેરિકા એસીમાં રહે છે, ને ઈરાન તડકામાં. ઇરાક યુદ્ધ વખતે ઇરાને 'લોસ્ટ જનરેશન' અનુભવી છે. ૧૩થી ૨૩ વર્ષના ટીનએજર્સ લડતા લડતા મરી ગયા. ઇઝરાયેલને તો ડુ ઓર ડાઈ જવું છે. યુ ટર્ન આસાન નથી. યુદ્ધ ખેંચાશે તો એમાં મરો આપણા જેવા દેશોનો વગર લેવેદેવે થઈ શકે છે. લેટ્સ સી એન્ડ હોપ ફોર પીસ!
ઝિંગ થિંગ
મૂળ વતનથી દૂર દરેક વ્યક્તિ ઇરાની કે ઇઝરાયેલી, બ્રિટીશ કે ભારતીય પોતાની સંસ્કૃતિ પરદેશમાં સાચવવા મથે છે અને જાત સાથે યુદ્ધ લડે છે, જે ક્યારેક જગતમાં પહોંચે છે!

