Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / જય વસાવડા : When the Shah of Iran proved to be 'borrowed' for being generous!

GSTV શતરંગ : આધુનિકતા V/s અસ્મિતા : જ્યારે ઇરાનના શહેનશાહ ઉદાર હોવાના લીધે 'ઉધાર' સાબિત થયા!

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : આધુનિકતા V/s અસ્મિતા : જ્યારે ઇરાનના શહેનશાહ ઉદાર હોવાના લીધે 'ઉધાર' સાબિત થયા!
સોર્સ : gstv

''ઇસ્લામનો ઇતિહાસ વિચિત્ર છે. એવો રસ્તો જેના પર પયગંબરની વિદાય બાદ ગુંડાઓ અને રખડુ ટોળીઓનો કબજો થતો ગયો. અરબ, તાર્તાર, મોંગોલ, તુર્ક, પર્શિયન બધી સલ્તનતોએ મુસ્લિમો પર રાજ કર્યું. પણ પયગંબરના પરિવાર કે હકદાર ઇમામોને તારાજ કરીને ! એ ભવ્ય મહેલો અને આલીશન મસ્જીદો ઇસ્લામનો ઇતિહાસ ભલે કહેવાય, પણ આપણે તો ફાતિમાની ઝૂંપડી તરફ જોવાનું છે. આપણો વારસો જ 'ના' કહેવાથી, સત્તાના ઇન્કારમાંથી જન્મેલો છે. આપણે ક્રાંતિના સંતાન છીએ. આપણે કુરાનના નામે રાજ કરવા ચડી બેઠેલા ખલીફાઓ સ્વીકાર્યા નથી તો બીજી રાજકીય સત્તાઓને શું કામ સ્વીકારવી જોઈએ ? આપણો અવાજ કચડાયેલા પીડિતો, શોષિતો, વંચિતોનો અવાજ છે. આપણો અવાજ ન્યાયનો અવાજ છે. જો હકૂમત (ગવર્નમેન્ટ) નેકી પર ચાલે નહિ, તો એને ફગાવી દેવા માટે મોતને મીઠું કરવું એ પણ કરબલા છે ! હવે શોષિતોના દિલનો ધબકાર ગુપચુપ ક્રાંતિ માટે થનગને છે. બસ, એક તણખો જોઈએ.''

App Store

કોણે કરી આ વાતો ? એમનું નામ અલી શરિયાતી. એનો જન્મ ૧૯૩૩માં ઈરાનમાં થયેલો. પિતા એક શિયા મૌલવી. (આ ભાષણમાં જ્યાં આપણે આપણા વગેરે આવે છે ત્યાં શિયા પંથ સમજવો !) નાનપણથી ગરીબ, પછાત યુવકો સાથે એનો સંપર્ક. ગયા અનાવૃતમાં ૧૯૫૩માં ઈરાનમાં મોસ્સાદેહ (ઘણા મોસાદ્દેક પણ બોલે)ની સરકાર અમેરિકાએ કેવી ચાલાકી અને નાલાયકીથી ઓઇલ ખાતર ઉથલાવી, એ વાંચ્યું હશે. ન વાંચ્યું હોય તો બુધવારનું શતદલ વાંચજો. આ લેખ તો ત્રીજી કડી છે ઇરાનના ઇતિહાસ બાબતે. એ વખતે શરિયાતીની ઉંમર વીસ વર્ષ પણ ત્યારથી એને કોલોનિયલ અને સામ્રાજ્યવાદી સત્તા સામે અભાવ થઈ ગયેલો. એમાં એ માર્કસવાદનો અભ્યાસુ બન્યો. શિક્ષક બન્યો. સાથોસાથ યુવા પ્રવૃત્તિઓ કરે ને આવા ભાષણો આપે. તેજાબી બોલનારા તો આજે ટિકટોક ઇન્સ્ટાગ્રામમાં જોઈએ એટલા મળે, તેજાબી સાથે તેજસ્વી બોલનાર ઓછા હોય. શરિયાતીમાં આ રેર કોમ્બિનેશન.

એટલે એની 'ઉશ્કેરણીજનક' પ્રવૃત્તિ માટે ધરપકડો થવા લાગી. શરિયાતી પણ ભણવા માટે પેરિસ ગયો. મૂળ તો પેરિસના ભાષાના વિદ્વાન ગિલ્બર્ટ લાઝોર્ડેનો એ પ્રિય શિષ્ય. ત્યાં પણ એ ક્રાંતિકારી ફ્રાન્ઝ ફેનનના અલ્જીરીયાઈ વિદ્રોહમાં જોડાયો. શરિયાતી પ્રસિદ્ધ ફ્રેન્ચ ફિલોસોફર જ્યાં પૉલ સાર્ત્રના પણ પરિચયમાં આવ્યો એને રસ પડવા લાગ્યો ફારસીમાં 'ગર્બઝાદેગી' કહેવાય એમાં. યાને વેસ્ટર્નાઇઝેશન, પશ્ચિમીકરણ.

જ્યાંથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે ઇસ્લામિક રિવોલ્યુશનની એવી હોળી ઇરાનમાં સળગી કે એની જ્વાળાઓ આજે પણ દઝાડી રહી છે!

 ઇરાનમાં ઇસ્લામ તો સાતમી સદીથી આવી ગયેલો. મૂળ ઇરાની જરથોસ્તી ધર્મ ત્યારે નબળો પડેલો. પણ છતાં ઇરાન કલ્ચરલી ઇસ્લામિક નહિ, પણ ઇરાની જ રહેલું. રૂમી ને હાફિઝને અનુસરતું ઇરાન. જે એવું માનતું કે બુરાઈથી દૂર રહે એ જ અલ્લાહની નજીક રહે ! જે એમ માની હિજાબને ચોઇસ ગણે એની સાથે જ મિનિ સ્કર્ટને પણ ટીકા વગરની પસંદ ગણતું હતું. વ્યક્તિની કોઈ ખરાબી નહિ ! જ્યાં શેખ સાદીએ ગુલિસ્તાનમાં કેવી અદ્ભુત વાત કરેલી ઃ 'વતન એ છે, જ્યાં કોઈ તમને પરેશાન ન કરે !'

એટલે ૧૯૫૩માં જ્યારે મોસાદ્દેકને નજરકેદ પકડીને સીઆઇએના ઇશારે શાહ મોહમ્મદ રઝા પહેલવીએ ફરી પૂર્ણ સત્તાના સૂત્રો સંભાળ્યા, ત્યારે બ્રિટન અમેરિકાને એમની દલીલ મુજબ ટેક્નોલોજી પોતે શોધેલી હોઈ 'હક'ના અધિકારો આપી, એ તેલના પૈસામાંથી સમૃદ્ધ થયેલા શાહે ઇરાનમાં ફટાફટ 'વિકાસ'ના ઘોડા છુટ્ટા મૂકી દીધા !

એમાં એમણે એક મહત્ત્વકાંક્ષી સુધારાનો પ્લાન તૈયાર કર્યો. એનું નામ હતું ઃ 'વ્હાઇટ રિવોલ્યુશન' ઃ શ્વેતક્રાંતિ આપણા અમૂલની માફક દૂધની નહિ, પણ ઇરાનિયત ઇકોનોમી એન્ડ સોસાયટીની. મુખ્યત્વે એમાં જમીન સુધારા હતા. જમીનદારોને બદલે જમીન માત્ર ખેતીના બદલે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચચરલ ડેવલપમેન્ટ માટે લેવામાં આવતી હતી. આ લાગુ કરતા પહેલા ૧૯૬૩માં જનમત લેવાયેલો. શાહને એમાં પ્રચંડ બહુમતીનો ભરોસો મળેલો. આપણે ત્યાં 'ખેડે તેની જમીન'ના ગણોતધારા નાબૂદીના સુધારા બાદ મુખ્યત્વે પાટીદારો સમૃદ્ધ થયા એમ ઇરાનમાં પણ સામંતશાહી નાબૂદ થતા નવા સમૃદ્ધ વર્ગનો જન્મ થયો. સ્ત્રીઓને  મતાધિકાર મળ્યો, છૂટાછેડાનો અધિકાર મળ્યો. સેંકડો નવી શાળાઓ ખુલી એજ્યુકેશનને સેક્યુલર કરી દેવાયું એટલી હદે કે કોર્સમાં પર્શિયાના ઇતિહાસની વાર્તા આવતી જેમાં ઇરાનના મૂળ જરથોસ્તીઓ ઇસ્લામી આક્રમણખોરો સામે હારી ગયા એની વાત હતી. શાસનમાં જરથોસ્તી ધર્મગુરુઓની વધુ પડતી દખલઅંદાજી ને 'શાસ્ત્રો મુજબ આમ હોય ને તેમ હોય' એવી ચીકાશના અતિરેકમાં મૂળ પર્શિયન સામ્રાજ્ય નબળું પડયું ને મુસ્લિમો જીતી ગયા એ તથ્ય સાથે નીચે તારણ આવતું  સારા રાજ્ય વહીવટ માટે એટલે જ ધર્મથી શાસનને દૂર રાખવું જોઈએ !'

બોલો, ઉદારદિલ શાહ આવા અભ્યાસક્રમને પ્રમોટ કરે - તો ઇસ્લામિક સ્કોલર ગણાવતા મુલ્લાઓના પેટમાં તેલ રેડાય જ ને ! એ સુધારા જંગલથી લઈ નદીઓ સુધીના હતા. ભાર એમાં મૂળ તો મોર્ડનાઇઝેશન તરફનો હતો. ઇરાનની આર્થિક મજબૂતાઈ એને લીધે કૂદકે ને ભૂસકે વધી ગઈ. માથાદિઠ આવક ને જીડીપી ગ્રોથમાં 'બમ્બાટ' વધારો થયો ! શાહની ઇચ્છા હતી કે ઇરાન સાયન્સથી લઈ ફેશન સુધી પશ્ચિમી દેશોની હરોળમાં આવે.

એમાં જ રૂઢિવાદીઓને ખૌફ થયો કે ઇરાનનું તો વેસ્ટર્નાઇઝેશન શરૂ થઈ ગયું છે ! મૂળ સાંસ્કૃતિક પહેચાન તો આપણે ગુમાવી રહ્યા છીએ ! આ તો અમેરિકા- બ્રિટન- ફ્રાન્સ વગેરેનો એજન્ડા લાગુ થઈ ગયો છે. ગ્લોબલ માર્કેટ વિકસાવવાનો ! સ્ત્રીઓ ફૂલફટાક તૈયાર થઈ ફરે કે બિકિની પહેરી બીચ પર વિહરે એને પણ પાપ માનતા ધર્મગુરુઓ માટે શાહ ખલનાયક બની ગયા. શાહનો નામજોગ ખુલ્લો વિરોધ ઇસ્લામના વિદ્વાન તરીકે આદરપાત્ર ગણાતા રૂહોલ્લાહ ખૌમેની નામના ધર્મગુરુએ જૂન ૧૯૬૩માં ફૈઝિયા સ્કૂલની જાહેરસભામાં કર્યો. શાહના સુધારા મુજબ સરકારમાં ને અદાલતોમાં મુસ્લિમ ન હોય એવા ઈરાની નાગરિકો પણ ટોચના સ્થાને આવી શકતા હતા. - ખૌમેનીએ અહીં આંગળી મૂકીને કકળાટ કર્યો ''શું હવે મુસ્લિમ નાગરિકો જજ તરીકે ખ્રિસ્તી કે યહૂદી જેવા ઈસ્લામના દુશ્મનોના ચુકાદા સ્વીકારશે ? શું મુસ્લિમ બહુમતી પર બિનમુસ્લિમ અધિકારી રાજ કરશે?''

કંઈ સામ્ય વર્તાય છે કે જગત આખામાં જે કટ્ટરવાદી હોય એ કેવી રીતે બહુમતી જનતાને બીવડાવ્યા કરે ? વારંવાર ખૌમેની શાહ પર હુમલા કરતા રહેતા કારણ કે ફેમિલી લો સેક્યુલર કરવાને લીધે 'દીકરીઓ' હાથમાંથી છટકી જશે, એવો મુલ્લાઓને ડર હતો ત્યાં, ને એમની પાંખો પ્રગતિશીલ શાહે કાપી નાખેલી. અંતે એમની ધરપકડ થઈ. ધર્મગુરૂને મારી તો ન નખાય, એમની તત્કાળ દેશનિકાલ કરાયા. તૂર્કી ને પછી મોટે ભાગે ઈરાકના નજફમાં એમણે રહેવું પડયું. પણ શાહને વિલન ચીતરવાનું ઈસ્લામના ચુસ્ત સમર્થકોએ ત્યારથી શરૂ કરી દીધું.

આમાં મોટી ભૂલ એક શાહની પણ હતી. એણે સત્તા એકહથ્થુ રાખેલી. એની માન્યતા એવી કે વિરોધને હવા દેવામાં એના આધુનિકીકરણના સપના પર બ્રેક લાગશે. 'સાવક' નામે ઓળખાતી એમની ફોજ હતી, જે વિરોધીઓનો અવાજ સખ્તાઈથી ગુંગળાવી દેતી. એમાં એમના સુધી માત્ર વાહવાહીની વાતો જ પહોંચતી. પર્સનલ ટીકા પર પ્રતિબંધની અસરમાં રાજકાજની શિથિલતાની જેન્યુઇન ટીકાને પણ ગળાટૂંપો મળી જતો. પરિણામે ભ્રષ્ટાચાર ને શોષણખોરી નીચલા ને મધ્યમ સ્તર પર વધતી ગઈ. સાચી ફરિયાદ કરનારને તરત શાહનો વિરોધી ગણી એનો નિકાલ કરી દેવાતો. શાહને માત્ર સફળતાનો સ્કોર જ મળતો, અસંતોષની આગ નહિ !

બધી જગ્યાએ શાહનું નામ ને ફોટો એ અતિરેકમાં નવી પેઢીની આઝાદી શાહ થકી હોવા છતાં એમની ટીકાની આઝાદી ના અપાવે વિદ્યાર્થીઓમાં શાહ અળખામણા થતા જતા હતા. આમ પણ સામાન્ય રીતે લીડર લિબરલ હોય, ત્યાં બીજા લોકો પાસે ઓથોરિટી વધે, ને સરવાળે ભ્રષ્ટાચાર વધે. ૧૯૫૩માં પેટ્રોલિયમનું રાષ્ટ્રીયકરણ કરનાર સરકાર મજૂરો, વંચિતો, શોષિતો તરફી સમાજવાદી ગણાયેલી. એને અમેરિકાએ ગબડાવી શાહને સપોર્ટ કર્યો, એમાં શાહ 'પશ્ચિમી ઉદ્યોગપતિઓના મિત્ર' તરીકે ઈરાનના ખેડૂતને મજૂરવર્ગમાં ત્યારથી અળખામણા હતા. કોઈ ક્રાંતિ કંઈ ડોક્ટરો કે સીએ કે આર્કિટેક્ટ કે એન્જીનિઅર કે સાયન્ટીસ્ટસ જેવા પ્રોફેશનલ્સ કરતા નથી. 

એ બિચારા સામાન્ય માણસો ખુવાર થઈને કરતા હોય છે, જ્યાં સુધી શાહનું કનેકશન નહોતું. શાહને ઈરાનને ફુલ સ્પીડમાં યુરોપ-અમેરિકા જેવું બનાવી દેવું હતું, પણ મોટા ભાગના સામાન્ય માણસોને એમાં વધુ પડતું પશ્ચિમીકરણ લાગતું હતું કે આપણી આગવી ઓળખ જ ભૂંસાઈ જશે. ડર રાજકારણમાં ટોળા ભેગા કરતું હથિયાર હોય છે. અસ્મિતા પર્શિયન પહેલેથી એવી ચુસ્ત કે એમણે ઈસ્લામ સ્વીકાર્યા પછી અરેબિક કુરાન પણ પોતાની પર્શિયનમાં ટ્રાન્સફર કર્યું. અલ્લાહનું ખુદા કર્યું. એટલે શાહના માધ્યમે આખો દેશ યુરોપ-અમેરિકા જેવો થઈ મૂળિયાં ગુમાવશે એ ભય તો સુખી ઘરના બુદ્ધિજીવીઓમાં પણ વધ્યો. એમને વાંધો શાહની અમર્યાદ સત્તા સામે હતો. આટલા કેન્દ્રીકરણ બાદ કોઈ નિરંકુશ શાસક આવે તો, એટલે એમની ઈચ્છા ફરી લોકશાહી સ્થાપવાની હતી.

ટૂંકમાં, શાહના વિરોધમાં વિચિત્ર રીતે બુરખા અને બિકિની બેઉના ચાહકો ભેગા થવા લાગ્યા. આપણે ત્યાં અગાઉ જેપી, વીપી અને અન્ના આંદોલનમાં 'દેશને ખાતર' અલગ અલગ વિચારધારાના બધા જોડાઈ ગયા એવું કંઈક. સેક્યુલર જનતા પક્ષ, સંસ્થા કોંગ્રેસ, ડાબેરીઓ ને જનસંઘ બધા ઈન્દિરા સામે હતા, એમ જ. એમાં સિમેન્ટની ભૂમિકા ભજવી શરિયાતીના વિચારોએ.

શાહ પર ૧૭,૫૩૨ ગુલાબ વરસે, એ નાદિર શાહે તોડેલા મયુરાસન જેવા ૨૫,૦૦૦ રત્નોથી સુશોભિત - સિંહાસન પર બેસે, એ આઠ હંગેરિયન ઘોડા જોડેલી બગીમાં ફરે એનાથી પ્રભાવિત થનાર લોકો કરતા મનોમન એ જાહોજલાલી આપણી મહેનતની છે, એમ માની ધૂંધવાઈ જનાર લોકો વધુ હતા. એમાં વળી શાહે પર્શિયન સામ્રાજ્યના ૨૫૦૦ વર્ષ ઉજવ્યા. ખંડેર બનેલી પ્રાચીન રાજધાની પર્સી પોલિસમાં  ભવ્ય જલસો રાખ્યો. એમાં ઈસ્લામ પહેલાના મહાન સમ્રાટ સાયરસ ધ ગ્રેટના અકીમાનીદ એમ્પાયરની પ્રશસ્તિ કરી, એ ગ્લોરી ઓફ પર્શિયા ફરી લાવવાની હાકલ કરી ! પ્રાચીન પર્શિયાને સ્વતંત્રતા ને માનવતાની જ્યોત ગણાવી જગતનો અંધકાર મિટાવવાનું વચન આપ્યું !

અને ઈરાનના ચુસ્ત ઈસ્લામિક આસ્થાળુઓ અંદરથી ભડક્યા. ટૂંકા કપડા, ફોરેનની ફિલ્મો, જાહેર ચુંબનો, સ્ત્રીઓ ને અન્ય ધર્મીઓનું ચુંટાવું, ધાર્મિકને બદલે સેક્યુલર કાયદો, સાયન્ટિફિક ટેમ્પર બધું એમને સંસ્કૃતિની વિરૂદ્ધમાં લાગતું. સેન્સરશિપ ને મોરલ પોલિસિંગની માથાકૂટને હવા દેવા જતા કેવી રીતે પેટ ચોળીને શૂળ ઉભું થાય એનું ઉદાહરણ ઈરાન છે. દરેક વાતમાં ઝાયનિસ્ટનો હાથ શોધી કાઢતાં (આપણે  ત્યાં જે માફક ન આવે એને સોરોસ, ડીપ સ્ટેટ, ટૂલ કિટ ઠેરવી દેવાની લુચ્ચાઈ ચાલે છે એમ જ) કોન્સ્પિરિસી થિયરિસ્ટે પણ બળતામાં ઘી હોમ્યું.

પણ શરિયાતી અલગ માટીનો હતો. એક તો એ ઈસ્લામિક સ્કોલર છતાં સ્ત્રીમુક્તિનો તરફદાર હતો. એના પરિવારની સ્ત્રી સભ્યો વેસ્ટર્ન સ્કર્ટ જેવા મોડર્ન ડ્રેસ પહેરતા. ખુલ્લા માથાની ટૂંકા વાળની હેર સ્ટાઇલ રાખતા. ખુદ શરિયાતી સૂટ પહેરીને ફરતો, દાઢી ન રાખતો. એના લખાણોમાં તત્વદર્શન હતું. જે ઈરાનના બૌદ્ધિક વર્ગને આકર્ષતું. કંઈક અંશે બંદો ગાંધીજી જેવો હતો. એને મતે ઈસ્લામ મુલ્લાઓએ ગુંચવી નાખેલો ચૈતન્યપથ હતો, જે સમગ્ર મનુષ્યતાને એક ઈશ્વરીય તત્વથી પ્રેરાયેલ સમાનતામાં લાવી શકે. એના મતે માણસ માટીના પૂતળાથી ઈશ્વર દેવદૂત વચ્ચેની અવસ્થામાં છે, જેણે સારા કર્મોથી પોતાનો આત્મિક વિકાસ કરવાનો છે. વ્યક્તિ પોતાના 'દિવ્ય સ્વ' (ખિશ્તાન-એ-ખિશ) શોધે એ કુરાનનો બોધ છે. એ માટે સમાજ, પરિવાર ને રાજનીતિ બધામાં શુદ્ધિકરણ કરીને સારા કામ કરવા પડે. શરિયાતીના મતે રાજકારણ સત્તા, સ્વાર્થ કે હિંસા માટે નહિ પણ જનકલ્યાણ માટે હોવું જોઈએ. એ માટે શરિયાતીએ ઈસ્લામના પવિત્ર ઉચ્ચ આદર્શોને માર્ગદર્શક માનીને નવી સરકાર લોકશાહી રીતે લાવવાની પ્રેરણા આપી. બંધારણ તો વ્યવસ્થા પૂરતું. પણ વ્યક્તિની નીતિમત્તા સારી રહે એ માટે એણે ધર્મના ઉત્તમ સિધ્ધાંતોનું માર્ગદર્શન લેવું, એ એનો અભિગમ. ખ્રિસ્તી, યહૂદી, હિન્દુ બધા ધર્મો અને વિવિધ આધુનિક ચિંતકોનો એ અભ્યાસુ હતો. જેમ ગાંધી, નેહરૂ, સરદાર, ટાગોર બધા હિન્દુ હોવા છતાં એ ઓળખને જાળવીને, ગીતા-રામાયણના સારા સિદ્ધાંતો થકી દેશના વિકાસનું મોડલ બનાવવા મથતા હતા, એવું કંઇક.

શરિયાતીએ બલિદાનને સત્ય ને ન્યાયની સાક્ષી માનીને યુવાવર્ગને પ્રેરિત કર્યો. ધર્મ ચંદ મુલ્લાઓની જાગીર બને એ સામે હાકલો કરી. બીજી તરફ દૂર રહ્યે ખૌમેની તો એમના સમર્થકોમાં એવા મજબૂત પ્રભાવ હતો કે લોકો એમની તસવીરો દુકાન ને ઘરમાં છુપાવી રાખતા. ચાંદમાં ચહેરો ખૈમેનીનો દેખાશે એવી અફવા થકી ટોળા ભેગા થઇ આકાશમાં જોવા લાગતા ! સમાજવાદી ઝૂકાવ ધરાવતા શરિયાતીના 'ડાબેરી ઇસ્લામ'ના મોડલની ટીકા ખૌમેની કરે એવું એમને ઉલેમાઓ વિનવતા. પણ ખૌમેની ઉસ્તાદોં કે ઉસ્તાદ નીકળ્યા. શરિયાતી મુલ્લાવિરોધી ભાષણ કરે તો ય એમની ટીકા ન કરે. ખૌમેનીએ પણ મહિલાથી મજૂર સુધીના અધિકારોના સંરક્ષણની એમની લોકપ્રિય વાતો પોતાના એજન્ડામાં જોડી દીધી ! ખૌમેનીએ એવી છાપ બનાવી કે પોતે પરંપરાના રક્ષક ને પ્રગતિના વાહક છે. ધર્મગુરૂ હોઈને મોહમાયાથી પર છે.

શરિયાતીથી ભડકેલા યુવાનો જોઈ શાહે એમની સામે પગલા લીધા. શરિયાતી સાઉધમ્પટન લંડન ગયા ને ત્રણ અઠવાડિયામાં ૪૩ વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટમાં એકલા મૃત મળી આવ્યા. ઘણા માનતા કે શાહની છુપી પોલીસે એમનું કાસળ કાઢી નાખ્યું. હવે ઇરાનમાં શાહની રાજાશાહી સામેની ક્રાંતિમાં સૌથી વધુ પ્રભાવી ચહેરો ખૌમેનીનો હતો !

ઇરાનમાં શાહ થકી જ જે ખેડુતો જમીનના માલિક બન્યા, એ શાહના જ વિરોધી થઇ ગયા ! (ગાંધીજીએ આપેલી આઝાદીનો દુરૂપયોગ ગાંધીને ગાળો દેવામાં થાય એવું કંઇક !) સમૃદ્ધ થયેલા ઇરાનમાં ટોચ પરના અમુક પરિવારો વધુને વધુ સમૃદ્ધ થતા હતા, સામાન્ય માણસની હાલાકી યથાવત હતી. શાહે પર્શિયન આયરસ ધ ગ્રેટની સ્મૃતિમાં ઇસ્લામિક હિજરી કેલેન્ડર છોડી દીધું, એમાં મુસ્લિમો બહુ નારાજ હતા. એમાં ખૌમેનીના દીકરા મુસ્તફાનું પણ હાર્ટ એટેકથી શંકાસ્પદ મૃત્યુ થયું. શંકા શાહની ફોજ તરફ જ ગઈ.

અને ખૌમેનીએ 'સેક્યુલર' શાહ સામે ઇરાની અસ્મિતાનો જંગ છેડયો. 'વેસ્ટર્ન' શેતાનીયતના પ્રતીક જેવા સિનેમા થિયેટર, બાર, બેન્ક, પોલીસ સ્ટેશન, નાઇટ ક્લ્બસ બધાને સળગાવી દેવાયા. શાહે છતાં સંયમ રાખી વાટાઘાટોની તૈયારી બતાવી. નવી ચૂંટણીની ઘોષણા સાથે લિબરલાઇઝેશન ચાલુ રાખ્યું. પરિવારના ભ્રષ્ટાચાર સામે તપાસની ખાતરી સાથે પોતાની 'સાવાક' છુપી પોલિસના વડા બદલ્યા. પણ નવેસરથી રમખાણો ભડકી ઉઠયા, જેના માટે સ્થાનિક પોલીસ સજ્જ નહોતી. અમેરિકા ખાસ મદદ કરતું નહોતું. ૧૯ ઓગસ્ટ, ૧૯૭૮ના રોજ સિનેમા રેક્સ નામનું થિયેટર ૪૨૨ લોકો જીવતાં ભડથું થાય એમ સળગાવી દેવાયું. અને ખૌમેનીએ મોકો જોઈ ઇસ્લામિક ક્રાંતિના શહીદોને બદનામ કરવાનું શાહનું કાવતરૂં કહી લોકોને ભરમાવ્યા ! (પાછળથી પુરવાર થયું કે શાહનો કોઈ હાથ નહોતો છતાં શાહના એક વફાદારને ફાંસી અપાઈ !) શાહે સુધારા ચાલુ રાખ્યા. પણ હડતાલો, રમખાણો, ગોળીબારોમાં દેશ ધકેલાઈ ગયો. શાહે પોતાની પ્રજા સમજી શરૂઆતમાં કડક પગલાં ન ભર્યા ને હવે બાજી સરકતી જતીહતી. વેસ્ટર્ન સિમ્બોલ ગણાતા ડિપાર્ટમેન્ટ સ્ટોર પર તોડફોડ કરી ટોળાં લૂંટ મચાવતા હતા. બ્રિટીશ એમ્બેસીને આગ લગાવી દેવાઈ ! ઘણાખરા 'ક્રાંતિકારી'ઓ કાશ્મીરની જેમ મુસ્લાઓએ ભડકાવેલા ટીનએજર્સ હતા. પોતાને શહેનશાહ કહેવડાવતા શાહે તો પણ જાહેર ભાષણમાં સંયમથી કામ લેવાની ભલમનસાઈ પ્રગટ કરી. રિવોલ્યુશનરીઓને એમાં નબળાઈ દેખાઈ...

બધાને હતું કે શાહ જશે ને ફરી પહેલા જેવી ચૂંટણીમાં લોકશાહી આવશે ને ખૌમેની શરિયાતીએ કહ્યું એમ દૂર બેઠાં ધર્મનું માર્ગદર્શન કરશે, પણ થયું એવું કે લેને ગઇ પૂત, ઔર ખો આઈ ખસમ !

ભૂત તો હતું જ નહિ, પણ એ કાઢતા પલીત કેમ પેઠું એની કથા હવે પછી જેના સીધા તાર આજના યુદ્ધ સાથે છે !

ફાસ્ટ ફોરવર્ડ

'જો ધર્મ મૃત્યુની પહેલા ઉપયોગી નથી, તો મૃત્યુ પછી પણ ઉપયોગી નહિ થાય !' (અલી શરિયાતી)