Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / જય વસાવડા : A rainbow of unique newsmakers for 2025!

Gstv શતરંગ : 2025ના નોખા અનોખા ન્યુઝમેકર્સનું મેઘધનુષ!

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gstv શતરંગ : 2025ના નોખા અનોખા ન્યુઝમેકર્સનું મેઘધનુષ!
સોર્સ : GSTV

- શ્રીધર વેમ્બુથી જેફરી એપ્સ્ટાઇન સુધીના નામો જેમાં ચર્ચાતા રહ્યા એ વર્ષમાં ધ્યાન ખેંચતા સાત નામોની યાદગીરી!

App Store

- 'સ્લોપ'

ના, પેલું આળસુ પ્રાણી સ્લોથ નહિ પણ એસએલઓપી સ્લોપ. મરિયમ વેબસ્ટર ડિકશનેરીએ ૨૦૨૫માં એને 'વર્ડ ઓફ ધ ઇયર' ગણ્યો છે. ૧૭મી સદીમાં એનો અર્થ કાદવ થતો હતો, પણ હવે એઆઈ દ્વારા કચરા જેવો જે ફાલતુ કન્ટેન્ટ તૈયાર થાય, જેની ગુણવત્તા ના હોય પણ દેશી શબ્દપ્રયોગ મુજબ 'ઢગલે ધિંગાણા' હોય, એના માટે વપરાય છે.

તો આવા સ્લોપનો કીચડ ડિજીટલી વધી રહ્યો છે, ત્યારે વાંચવાવિચારવાની આદત પ્રીમિયમ ગણાય. ૨૧મી સદીનો ચોથો ભાગ પૂરો થયો, એનું રિમાઇન્ડર છે ૨૦૨૫નું વર્ષ. એમાં આખા વર્ષ દરમિયાન ભારે ચકચારી ઘટનાઓ બની. વિશ્વ કેટલીયે વાર યુદ્ધની ભાગોળે આવીને ઉભું રહ્યું. કોલ્ડપ્લેથી ઓપનએઆઈને ડ્રમવાળી મુસ્કાનથી હનીમૂનવાળી સોનમ છવાયેલી રહી ! અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સતત ચર્ચામાં રહ્યા. પછી ટેરિફનું ટેરિરિઝમ જેવું સ્ટેન્ડ હોય કે યુક્રેનના ઝેલેન્સ્કી, પાકિસ્તાનના ઝિયા ઉલ હક ૨.૦ જેવો આસીમ મુનિર કે ન્યુયોર્કના ગુજરાતી મૂળના મેયર ઝોહરાન મામદાણી. તો એ ન્યુઝમેકર્સમાં ઓબિયસ ચોઇસ ગણાય. એવું જ આપણા ઓપરેશન સિંદૂરનું. એ જ રીતે ગિરિજા ઓકથી ગૌતમ ગંભીર આખા લેખના વિષય બની ગયા અને ધર્મેન્દ્રથી સતીશ શાહ સુધીના બધા વિદાય લઈ ગયેલાઓને અંજલિ પણ અહીં અપાઈ ગઈ. ઇલોન મસ્કના ૭૦૦ અબજ ડોલરથી અરવલ્લી સુધીનું બધુ ગાજ્યા કર્યું ! ઓલરેડી અખબારોમાં આખા વર્ષના રિકેપ આવતા હોય, ત્યારે નવીન શું હોય વર્ષના ન્યુઝમેકર્સના સરવૈયામાં ?

તો, આવું બધું ગાળીચાળીને પણ જે વાત નથી થઇ એવી જરા પર્સનલ ફેવરિટ બાબતોનું રિકેપ કરીએ !

(૧) સિડની સ્વીની : આખો લેખ આ વર્ષે જ આ સુપરહોટ સ્વપ્ન (દોષ) સુંદરી પર લખી નાખ્યો ! હવે શું છે એનું ? તો કાયામાં જ બબ્બે સૂર્યો કે દ્વિ-શ્રીફળ ધરાવતી આ મોહિની આખું વર્ષ છવાયેલી રહી એનો હરખ. ફૂટપટ્ટી અને ફ્લેટ ટીવી જેવી કાયાઓને કામણગારી ગણતી જેનઝીમાં સિડનીએ એકલપંડે પીનપયોધરા સુપ્રુષ્ટ સૌંદર્યની નારીનજાકત તણો આહલાદક અહેસાસ કરાવ્યો. ભારત કરતા એની જરૂર વધુ પશ્ચિમના વાયડાવોકડાઓને છે. સિડનીમાં ગમે છે એ કે કેવળ સેક્સી હોવુ એની લાયકાત નથી. એના ઇન્ટરવ્યૂઝમાં એની નિખાલસતા, માસૂમિયત અને આત્મવિશ્વાસ ઝળકે છે. મેરેલીન મનરોથી મોનિકા બેલૂચી ઉમદા અભિનેત્રીઓ હતી. પણ એની બ્યુટીને લીધે બબૂચક વિવેચકો એના અભિનયની કદર જ ના કરતા. સિડની ઇડન કે નોકટર્ન કે વોયર કે ઇમાન્યુઅલ જેવી ફિલ્મિોમાં સારો અભિનય કરે છે. હાઉસમેઇડ તો એની અવતારની સામે ચાલી પણ નીકળી છે. પણ આખા વર્ષમાં સૌથી વધુ હોટ ટોપિક રહ્યો એની 'અમેરિકન ઇગલ' જીન્સની જાહેરાત !

'મારી પાસે ગ્રેટ જીન્સ છે.' એવી કેચ લાઈન સાથેની એક એડ થકી પ્રગટ થયું કે અમેરિકામાં કેટલી હદે ચીકણા બૌદ્ધિકો મગજની નસો ખેંચે છે. પોતે પહેરેલા ડેનિમ જીન્સ ઉપરાંત આ સ્લોગનમાં પન (શ્લેષ) હતો. એક શબ્દના બે અર્થનો ! એની માદક વળાંક ધરાવતી કાયા પણ નેચરલ છે, કૃત્રિમ નથી. સર્જરી નથી એ કહેતાં કે મારી પાસે ગ્રેટ જીન્સસ છે. યાને આ બકઝમ બોડી વારસામાં જીનેટિકલી મળ્યું છે. પણ રિપબ્લિકન વોટર હોવાનું કહી ચૂકેલી સિડનીના વાક્યનો અનર્થ 'રેસિસ્ટ' કાઢવાની મથામણ થઇ. સિડની વ્હાઈટ સુપ્રિમસી સાબિત કરી કાળા લોકોને ખીજવે છે ! પશ્ચિમમાં બ્લેકનું આપણા અમુક દલિત આગેવાનો જેવું છે. હર્ટ થઇ વિક્ટીમ તરીકે બીજા પર ધૂળ જેવા કારણોથી ઝેર ઓકવાના મોકા જ શોધતા હોય ! સિડની અમેરિકન પ્રમુખે એનો બચાવ કર્યો હોવા છતાં હસીને મૌન જ રહી. અને આકર્ષણમાં આક્રમણ ના હોય, એ ન્યાયે બ્લેક લોકોએ પણ એનો બોયકોટ ના કર્યો પણ અનુપમા ચોપરા જેવા ચિબાવલા સ્યુડોલેફ્ટીસ્ટો ચડી વાગેલા ! ઉલટું, જીન્સનું વેચાણ વધી ગયું !

(૨) જાવેદ અખ્તર : વર્ષાંતે થયેલી ચર્ચા એવી વાઇરલ થઇ કે ઘણા ઢક્કનલોકોએ લલ્લનટોપને કમાણી કરાવી દીધી ! અલબત્ત, સૌરવ દ્વિવેદીના સાહજીક કુશળ સંચાલન અને મુફ્તી શમાઇલના વિનયી વર્તન ઉપરાંત અંગ્રેજી ને વિજ્ઞાનના જ્ઞાન થકી એ ચર્ચા લાજવાબ રહી. અલબત્ત, મુફ્તીસાહેબનો અંગ્રેજી ને વિજ્ઞાનનો પ્રેમ ગોખણીયો નીકળ્યો, કારણ કે પછી તો એમના ક્રેડિટ કાર્ડથી લઇ મ્યુઝિકને પણ હરામ કહેતા જડસુજૂનવાણી વિડિયોઝ જાહેર થયા.

પણ આ ડિસ્કશનમાં ડેરિંગ જાવેદ અખ્તરનું હતું. પાર્કિન્સન્સ અઘરો રોગે છે, ને ઉંમર પણ ખરી. છતાં ધર્મના નામે ચાલતી દકિયાનૂસી બાબતો પર એ ટટ્ટાર ઉભા રહ્યા ફરી એકવાર. જાવેદસા'બ ઇસ્લામમાં રેશનાલિસ્ટ જેવું હોય જ નહિ એવું માનતા દરેક ધર્મના રૂઢિચુસ્તોના ગાલ પર ગાલિબ જેવો સોલ્લિડ તર્કશુદ્ધ તમાચો છે. અને પહેલેથી જ આવા છે. અગાઉ ગુજરાતમાં સેક્યુલર કહીને એમને અળખામણા અછૂત ગણતો એક આખો કેસરિયો વર્ગ હતો. પણ પાકિસ્તાનમાં જઇને કરારા જવાબ આપી જાવેદ અખ્તરે એમાંના ઘણાને ફેરવિચારણા કરવા મજબૂર કર્યા. એમનું સ્ટેન્ડ કાયમનું બળવાખોર ને રેશનલ છે. માત્ર દીવારમાં જ મંદિરમાં ઉભેલા બચ્ચન માટે 'આજ ખુશ તો બહુત હોંગે તુમ' ડાયલોગ લખવા પૂરતું જ નહિ. છતાં એ ભારતીય સંસ્કૃતિના પ્રેમી છે. રસિકજન છે. બહેતરીન ગીતકાર તો છે જ. પહેલેથી રેબેલ છે. ઇસ્લામને તો આખા વર્ષમાં પહેલગામથી ઓસ્ટ્રેલિયાના બોન્ડાઈન બીચ બધે જ જેહાદી ત્રાસવાદીઓ મગજ બંધ કરીને બેઠા છે, ત્યારે જાવેદ અખ્તરોની વધુ જરૂર છે. આખરે ડિબેટમાં તફાવત જ દેખીતો દાઢી ને રેઝરનો હતો !

(૩) લુસિઆનો મોરેરિયા : સાવ અજાણ્યુ નામ લાગે છે ને આ ? પણ સાયન્સ કાયમ ફિલ્મોમાં દેખાડે એમ ભવિષ્ય માટે ખતરો જ નથી, એનું પ્રતીક છે એ કારણ કે આપણે ત્યાં પણ જેનો ખૌફ છે એવા ડેન્ગ્યુ, ચિકનગુનિયા ને ઝિકા જેવા વાઇરસના માણસને અધમૂઆ કરી નાખતા રોગ સામે લડે છે એ ! અને લડવા માટે એની ફોજ પણ ઇન્ટરેસ્ટિંગ છે મચ્છરનું લશ્કર ઉતાર્યું છે એણે !

જી હા, બ્રાઝિલમાં એણે 'ફેક્ટરી' સ્થાપી છે, જે મહિનામાં કરોડો મચ્છરોના ઇંડાના 'પ્રોસેસ'કરે છે ! ના, લેબમાં તો હજુ કૃત્રિમ મચ્છર પણ બનાવવાનું તો ગજું નથી પણ અહીં જુદુ 'ઉત્પાદન' છે.  વાત જાણે એમ છે કે વર્ષોના રિસર્ચ બાદ મોરેરિયાએ શોધી કાઢ્યું છે કે, મચ્છર માણસનો જીવ બચાવી શકે, પણ જો કુદરતે બનાવેલા 'વોલબેચિયા' નામના બેક્ટેરિયા એનામાં હોય તો ! આ વોલબેચિયા એવા બેક્ટેરિયા છે જે ડેન્ગ્યુ જેવા વાઇરસનું વહન કરતા જ 'એડિસ એજીપ્તી' નામના એના કેરિયર બનતા મચ્છરોને રોકે ! મતલબ બોમ્બનું પાર્સલ ડિલિવર થાય, એ પહેલાં જ ડિફ્યુઝ થઈ જાય ! આ 'નેચરલ' ડિજિઝ કન્ટ્રોલ મેથડ છે. વિશ્વના ૪૦% જંતુઓમાં એ હોય જ છે.

તો બ્રાઝિલમાં 'મચ્છરસુધારા' કેન્દ્રો આ ફેક્ટરીમાં જીનેટિકલી મોડિફાઇડ મચ્છર નથી હોતા. નેચરલી મચ્છરોના ઇંડામાં જ વોલબેચિયા બેક્ટેરિયા ગોઠવી દેવાય છે. જે રેગ્યુલર મચ્છર સાથે સંપર્કમાં આવે તો પછી એમની પ્રજોત્પતિમાં એ નેચરલ બેક્ટેરિયા આપોઆપ હોય છે, જે મચ્છરના લેવલે જ - ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝિકા વગેરેનો ખાત્મો બોલાવી દે ! પછી મચ્છર તો રહે પણ એના ડંખથી ગંભીર રોગ ન ફેલાય ! ૯૦% જેટલા આવા કેસિઝ ઘટવાની સફળતા જોઈને બ્રાઝિલમાં આ રાષ્ટ્રીય આરોગ્યનો કાર્યક્રમ ૨૦૨૫માં બન્યો છે ને ૧૨૯ ડેન્ગ્યુ કેસિઝ ધરાવતા દેશો માટે આ દર્દ પહેલાની  અસરકારક દવા આ વર્ષે હાજર થઈ છે !

(૪) પ્રેમાનંદજી મહારાજ : રાધે રાધે બોલાવતા આ રસગુલ્લા જેવું સ્માઇલ કરીને લેમન યલો વસ્ત્રોમાં ગુલાબી ગાલ ફુલાવી હસતા વૃંદાવનના સાધુ જબ્બર વાઇરલ છે. વિરાટ- અનુષ્કાને લીધે મિડિયાના ફોકસમાં આવ્યા, એ પહેલાના પ્રસિદ્ધ થયા છે. વૃંદાવનની બહાર એ તો જતા નથી પણ એમના વિડિયોઝે ભારતમાં ધૂમ મચાવી છે. એમની જોડે રહેતા શ્યામશરણ બાબા એમના સગા ભત્રીજા છે. એમની જોડે પાંચેક સાધુઓની કોર ટીમ છે એક તો એમની વાતોથી પ્રભાવિત થઈ આવેલ ટેકનો છે. મહારાજજીના દરબારમાં કોઈ પણ આવે, મધરાતે આવે કે પ્રભાતે શૂટિંગનો મોહ ત્યાગતા નથી કોઈ !

કિડનીની તકલીફથી પીડાતા પ્રેમાનંદ મહારાજ મોજીલા છે, પણ મુસ્લિમ યુવક- યુવતીઓ એમને ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની આપવા તત્પર છે ! કારણ કે શુદ્ધ સનાતની કૃષ્ણભક્ત હોવા છતાં મહારાજજી બિલકુલ કોમવાદી નથી. પેલા હાડોહાડ કટ્ટર રામભદ્રાચાર્યજી જેવા બફાટ નથી કરતા ને વર્તમાન શંકારાચાર્યો કે અન્ય કેટલાક ધર્મગુરૂઓની જેમ અહંકારથી હિન્દુત્વનો અનુવાદ નફરતથી નથી કરતા. સૌહાર્દથી વાતો કરે છે, ક્રિસમસમાં ખ્રિસ્તીઓથી કે ઈદમાં મુસ્લિમોથી ભડકીને ભસાભસ કરવા જેવા સંકુચિત નથી. રાધાનું પ્રેમતત્ત્વ એમના અભિગમમાં છે. વૃંદાવનમાં એક સમયે કૃપાલુ મહારાજનો દબદબો હતો, જેના વારસદાર દીકરી ભેદી રીતે કાર અકસ્માતમાં ગુજરી ગયા. હવે ક્રેઝ પ્રેમાનંદ મહારાજનો છે. જેમાં દર્શન માટે કે સવાલ માટે પણ આખું એક કોર્પોરેટ સ્ટાઇલ સેટઅપ કામ કરે છે, જેમાં અરજી કરવી પડે છે પણ નફરતની જેમ ચમત્કારની વાતો નથી કરતા, કે અન્ય આશ્રમોનું ફ્રેન્ચાઇઝીની જેમ એક્સટેન્શન કરતા કે ગામેગામ શિબિરો કરી નવા ફંડફાળા ને નવા શિષ્યો ભેગા કરતા ને પોતાના પ્રમોશનની બ્રાન્ચીઝ ખોલી બેસતા બાબાલોગ જેવું એમનું કામકાજ નથી. હા, એમની ઘણી વાતો શાસ્ત્રોક્ત હશે, પણ સાયન્ટિફિક નથી. ને અમુક બાબતોમાં એમનો આ વારે આ કરાય ને પેલું ન ખવાય ને ફલાણું આમ ન પહેરાય ને એ બધો એમની ફિલોસોફિકલ હાઇટ ઓશો કે કૃષ્ણમૂર્તિ કે મોરારિબાપુ લેવલે પહોંચાડતી નથી. પણ આઇઆઇટી બાબાઓ કુંભમાં છવાઈ ગયેલા એવા મોનાલિસા યુગમાં આ વર્ષે સૌથી વધુ પોપ્યુલર પ્રેમાનંદ મહારાજ રહ્યા !

(૫) સ્મૃતિ મંધાના : મિતાલી રાજ પછી સૌથી ફોટોજેનિક એવી આ મહિલા ક્રિકેટર આપણી ફિમેલ ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની એના કેપ્ટન હરપ્રીતકોરથી પણ વધુ જાણીતો ચહેરો હતી. સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટમાં કોહલી, રોહિત, ધોની, સચિન જેવું એક બ્રાન્ડનેમ થઈ ગયું છે, જેના જોરે જાહેરાતો પણ આવે.

પણ ન્યુઝમાં આ વર્ષે એના ન થયેલા લગ્ન છવાયેલા રહ્યા ! વેડિંગ ઇવેન્ટની કંપની હાયર થઈ ગઈ હોય, 'ઇન્દોર કી બહૂ'ના રિપોર્ટસ છપાઈને છવાઈ ગયા હોય, બહેન પલક, મુચ્છલનો ભાઈ પલાશ મુચ્છલ પણ સેલિબ્રિટી હોય, આગલા દિવસ સુધી ઇન્સ્ટા પર ખુદ દુલ્હન હોંશમાં હલદી મહેંદી જેવી વિધિઓના વિડિયો મૂકતા હોય ને અચાનક રહસ્યકથાની જેમ સ્મૃતિના પપ્પા ને પછી ખુદ પલાશ હોસ્પિટલ ભેગા થઈ ગયા !

બાદમાં દગો, અફેર એવી વાતો આવી ને પછી બધું 'ભીનુ સંકેલાઈ ગયું' હોય એવું મૌન ને શાદી કેન્સલ! આ તાસીર આજની તકલાદી રિલેશનશિપની પણ છે. જેમાં બે વ્યક્તિ સિવાય આખી એક નવી પાર્ટી ઉમેરાઈ જાય છે. વર પક્ષ, કન્યા પક્ષ ને સમાજ નહિ - પણ સોશ્યલ મીડિયા. અને દિલ સેલિબ્રિટીઝનું સ્ટીલનું નથી હોતું કે તૂટે જ નહિ !

(૬) અંકિત સખીયા : કાઠિયાવાડનો એક કાળા વાળ ને કાળી દાઢીવાળો જુવાનિયો. ગોંડલમાં, ખંભાળિયામાં ને એમ આંટાફેરા કરે. વિનમ્ર ને ઓછું બોલે પણ આંખોમાં તેજસ્વીતા ને મક્કમતાની ચમક દેખાય. એને ફિલ્મ બનાવવાની ચાનક ચડી. આસ્થાળુ જીવ, પણ મગજ ગિરવે મૂકીને ભક્તિ કરવા કરતા કર્મ કરીને આપબળે રસ્તો કાઢવામાં માને. પટેલનો દીકરો એમ મહેનત હાડમાં અને કંઈક નવા મોજાં પર નાવ હંકારવાની હામ હાર્ટમાં નવી પેઢીનો જીવ એટલે એને પણ સરખી સમજે. ઘરમાં આર્થિક ખેંચતાણ અનુભવેલી 

ઘણા ને હોય એવી. પણ મા-બાપે દીકરાને આઝાદી આપી. ખિસ્સા ખાલી હતા ત્યારે લવમેરેજ કર્યા. છે નું ેહે, ચાલોનું હાલો એવી અસ્સલ તળપદી સોડમ આવે એમ બોલે.

અને એ બધા જીવતરના અનુભવો ઘોળીને એણે એક ગુજરાતી ફિલ્મ બનાવી. 'લાલો : કૃષ્ણ સદા સહાયતે.' અંકિત સખીયા. ના, અંકિત ભૂપતભાઈ સખીયા ના, એણે લખેલું એમ અંકિત રેખાબહેન સખીયા. અને એ ફિલ્મે ઈતિહાસ રચ્યો એમ નહિ, ૧૨૧ કરોડની અકલ્પનીય કમાણી સાથે ઈતિહાસ પલટાવી નાખ્યો ! ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માઈલસ્ટોન નહિ, પણ ગિરનાર બની ગઈ એ ફિલ્મ. વાર્તા ને એનું કથન સરળ છે, પણ એટલે કંઈ અઠ્ઠેગઠ્ઠે બનેલી ફિલ્મ નથી. કૃષ્ણની ગીતા આત્મસાત કરીને બનાવાયેલી છે. પ્રેમલગ્નની મુશ્કેલીઓ એમાં છે પણ તિરસ્કાર નથી. વ્યસનો ને કુસંગ ને આડાઅવળા જુગારી ઉધારીના રસ્તે ચાલવાની વાત નથી, એમાં લપસી પડાયું હોય તો નેકદિલી અને જહેમતથી બેઠા થવાની આકરી તાવણી છે. કૃષ્ણ સનાતન ન્યુઝમેકર છે આપણે ત્યાં ચમત્કારિક રીતે એના લોહીપસીના એક કરીને બનાવાયેલી ફિલ્મ કોઈ એકસ્ટ્રા - પબ્લિસિટી વિના માત્ર લોકોએ જાતે બીજાને ભલામણ કરી ઉંચકી. એની જાહેરાત દર્શકો પોતે બન્યા.

એટલે ધુરંધરના આદિત્ય ઘરનું નામ લખેલું છેકીને પણ અહીં ગુજરાતી અંકિત સખીયાનું નામ લખ્યું. મોટી સફળતા - મોટી જવાબદારીનું દબાણ ઉભું કરે. પણ પગ જમીન પર રહે એની નજર આસમાને આંબતી રહે છે !

ફાસ્ટ ફોરવર્ડ

''બહુ બધા સોનાની તલાશમાં લોકો ચાંદીની ચમક જોવાનું ભૂલી જાય છે !'' (મોરિસ સેટરનું આ ક્વોટ ચાંદીના ભાવે આ વર્ષે સાર્થક કર્યું, પણ રૂપાને લીધે નામ મેળવેલો રૂપિયો હુમા કુરેશીમાંથી અનન્યા પાંડે જેવો થઈ ગયો !)