GSTV શતરંગ/ એમને સમજવા હૈયાંનો ઉજાસ જોઈએ!

- અન્તર્યાત્રા
- ડો.સર્વેશ પ્ર. વોરા
પ્રભુ ઇશુની વાણી સમજવામાં જો ભાષાનું જ્ઞાન પૂરતું હોત તો એમને કોઈએ વધસ્થંભે ચઢાવ્યા ના હોત. એમના જીવંત દેહ પર ખીલા ઠોકાયા ના હોત. ગીતા-ઉપનિષદ્ કે પ્રાકૃતમાં ભગવાન મહાવીરની વાણી સમજવા માટે ભાષાનું જ્ઞાન જ જો માધ્યમ હોય તો બધા જ ગોખણિયાઓ, બધા જ પંડિતો-સત્વગુણના, સમતાના, સ્થિતપ્રજ્ઞાતાના ભંડાર હોત ! અમુક વિચારકનું પ્રવચન તદ્દન સરળ તળપદી ભાષામાં હોવા છતાં કેટલાય બુડથલો ફરિયાદ કરતા હોય છે : 'આમની ભાષા અઘરી છે સમજાતું નથી !' અહીં મજેદાર વાત એ છે કે પેલા વિચારકની ભાષા તો ભલે બાળપોથી જેટલી સરળ અને વેધક હોય, તકલીફ સાંભળનારની સમજની કક્ષાની હોય છે. અને 'પોતાની કક્ષા અતિશય ક્ષુલ્લક કે અધમ છે' એવું સમજવું કોને ગમે ? અને વિચારક જેટલો મહાન એટલાં એનાં વિધાનો પ્રતીતિ-આધારિત હોય. આ 'પ્રતીતિ' બાળપોથીની ભાષામાં હોય છતાં જો સાંભળનારે પ્રતીતિનો સ્તર મેળવ્યો ન હોય તો એ ભાષાને ગુનેગાર ગણવાનો !
માણસ જાત ભારે કરામતબાજ છે.
કોઈ વિચારકની વાત, એના પ્રહાર, એની વેધકતા બરાબર સમજાતી હોય, એ વિચારકે દર્શાવેલા અરીસામાં પોતાની કદરૂપતા ખુલ્લી પડી જતી હોય, છતાં 'વિચારકની વાત સમજાતી નથી' એવું કહેવા પાછળ એક બાલિશ ગણતરી કામ કરી જતી હોય. સીધું સાદું કારણ એ હોય કે 'આ વિચારકે મને જોરદાર ચીંટીયો ભર્યો, મારું બુડથલપણું મારી સમક્ષ ખુલ્લું કરીને મને અપમાનિત કર્યો' એમ સભાનતા ખટકતી હોય. દુખતી નસ કોઈ દબાવે એ કોને ગમે ? કમનસીબે કહો કે સદનસીબે, મુઠી ઊંચેરા વિચારકોને ભાગે કુદરતે માનવજાતની દૂખતી નસ દબાવવાનું લખ્યું હોય છે !
અધ્યાત્મની ભાષા સમજવા માટે શું જરૂરી છે ? ભાષણો ? શિબિરો ? 'પોપ્યુલર' (આ અંગ્રેજી શબ્દનો ખાસ છીછરો સંકેત છે એટલે જ આ મૂળ વિશેષણ) વિવેચકોની ધર્મગ્રન્થો પરની ટીકાઓ ? બૌદ્ધિક હોશિયારી ? આપણામાંના મોટાભાગનાં લોકો યોગ, કોમ્પ્યુટર, ગીતા, ઉપનિષદ્, કર્મગ્રન્થો, આગમો, તરણ વિદ્યા, એરોબિક્સ, આ બધા વિષયોને એક લાકડીએ હાંકીએ છીએ. આપણે મન ટાઈપિંગ અને શોર્ટહેન્ડ શીખવા જે તત્વોની જરૂર પડે એ જ તત્વોથી તમે ગીતા, ઉપનિષદ, આગમો પણ 'સમજી' શકો ! ગધેડાને તાવ આવે એવી વાત હોવા છતાં, સર્વેક્ષણ કરો તો સાડા નવાણું ટકા લોકો આમ જ માનતા હોય છે !
તડપ, ઝંખના એ અધ્યાત્મની ભાષા સમજવાની પ્રાથમિક લાયકાત છે. તમે કદી પાણીમાં ડૂબી રહ્યા હો ત્યારે બચવા માટેની તડપ અનુભવી છે ? એ તડપથી તમે દુનિયાની નાશવંતતા અને ક્ષણિકતાથી છૂટવા ઝંખતા હો ત્યારે જ કોઈપણ અધ્યાત્મ-ગ્રન્થની બારાખડી સમજાવાની શરૂઆત થાય છે. એ તડપ વિના ગીતા-ઉપનિષદ્ કે આગમો તમારા માટે ગ્રીક-લેટિન જ રહેવાનાં !

