Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / હસ્મુખ ગજ્જર : 10 years since leaving the European Union: Britain's position today amid dreams of superpower status

યુરોપિયન યુનિયનથી અલગ થયાના 10 વર્ષ: મહાસત્તા બનવાના સપના વચ્ચે બ્રિટનની આજની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
યુરોપિયન યુનિયનથી અલગ થયાના 10 વર્ષ: મહાસત્તા બનવાના સપના વચ્ચે બ્રિટનની આજની સ્થિતિ
સોર્સ : gstv

યુરોપિયન સંઘ (ઇયુ)થી છુટા પડવાના બ્રિટનમાં લેવાયેલા જનમતને ગત ૨૩ જૂનના રોજ ૧૦ વર્ષ પુરા થતા ફરી બ્રેકિઝટ ટોપિક પર ચર્ચા શરુ થઇ રહી છે. એ સમયે જનમતમાં ૫૧.૯ ટકા લોકોએ યુરોપિયન સંઘથી અલગ થવાના પક્ષમાં મત આપ્યો હતો જયારે ૪૮.૧ ટકાએ ઇયુની સાથે રહેવાનું પસંદ કર્યુ હતું. બ્રેકિઝટ માટેના જનમત સંગ્રહમાં કુલ ૩ કરોડ લોકોએ ભાગ લીધો હતો. પોતાની આગવી ઓળખ, આઝાદી અને સંસ્કૃતિ જાળવી રાખવાના જનમતમાં જીતનું અંતર ભલે નજીવું હતું પરંતુ બીજા વિશ્વયુધ્ધ પછી બ્રિટનની રાજનીતિ અને અર્થ વ્યવસ્થા પર મોટી અસર ઉભી કરનારુ પરિબળ સાબીત થયું છે. બ્રેકિઝટમાં બ્રિટન અને એકઝિટ એમ બે શબ્દોનો સમન્વય છે જેનું તાત્પર્ય બ્રિટનનું યુરોપિયન સંઘથી બહાર નિકળવાના નિર્ણય અને તેની પ્રક્રિયા સાથે છે. યૂરોપિય સંઘથી જુદા પડયા પછી યુકેના વેપાર, ઇમિગ્રેશન અને અન્ય દેશો સાથેના સંબંધોમાં ભારે ફેરફાર થયો છે. રાજકીય અને આર્થિક અસ્થિરતાના કારણે છેલ્લા ૧૦ વર્ષમાં ૬ વડાપ્રધાન બદલાયા છે. બ્રેકિઝટના નિર્ણય પછી બ્રિટન વધારે મજબૂત બનશે અને પોતાના ઘરેલું મુદ્વા પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે એવો સમર્થકોનો દાવો ખાસ સફળ જણાતો નથી.

App Store

બ્રેકિઝટના સમર્થકો અને વિરોધીઓમાં હજુ પણ ચડાસા ચડસી જોવા મળે છે.બ્રિટન જે આર્થિક સૂસ્તી,વ્યાપાર અડચણો અને ઇમિગ્રેશન જેવા મુદ્વે ઘેરાયેલું છે તેના માટે વિરોધીઓ બ્રેકિઝટને જવાબદાર ગણે છે. ગત સપ્તાહ બ્રિટનના વડાપ્રઘાન કીર સ્ટાર્મરે પણ પદ પરથી વિદાય લેતા વડાપ્રધાનપદ કાંટાળા તાજ જેવું બની ગયું છે. એક અહેવાલ અનુસાર જનમતના એક દાયકા પછી કેટલાક સર્વે થયા છે જેમાં નવી પેઢીના યુવાઓ યુરોપીય સંઘમાં જોડાવાની નવેસરથી માંગણી કરી રહયા છે.

બ્રિટનના યુરોપિયન સંઘ સાથેના સંબંધોના ઇતિહાસ પર દ્વષ્ટિપાત કરીએ તો ૧ જાન્યુઆરી ૧૯૭૩માં યુરોપ સંઘનું પૂર્વવર્તી સંગઠન યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી (ઇઇસી)માં સામેલ થયું હતું. એ સમયે બીજા વિશ્વયુધ્ધના અનુભવ પરથી યુરોપિયન દેશો આર્થિક નીતિઓમાં એક બીજાના ભાગીદાર બનવા પ્રયાસ કરી રહયા હતા.બ્રિટન જે ઇઇસીનો હિસ્સો બન્યું તે વર્તમાન યુરોપિયન સંઘના પૂર્વાવતાર સમાન હતું.બ્રિટન ૧૯૭૩માં યુરોપિય સમુદાય સાથે જોડાયું ત્યારથી બ્રિટનની સંપ્રભુતા અને સાંસ્કૃતિક ઓળખને લઇને કેટલાક સંશયવાદી સમૂહો સક્રિય હતા. લેબરપાર્ટીના તત્કાલિન વડાપ્રધાન હેરોલ્ડ વિલ્સને ઇઇસીનું સભ્યપદ જાળવી રાખવા માટે ૧૯૭૫માં જન મત સંગ્રહ કરાવેલો જેમાં ૬૭.૨ ટકા લોકોએ સંઘમાં રહેવાના સમર્થનમાં મતદાન કર્યુ હતું. ૧૯૮૦ થી ૨૦૦૦ના સમયગાળામાં બ્રિટનના કેટલાક રાજનેતાઓ ખાસ કરીને કન્જર્વેટિવ પાર્ટીના કેટલાક જૂથો દ્વારા વિરોધ છતાં આ મુદ્વા પર ફરી જનમત સંગ્રહ થયો ન હતો.૧૯૯૩માં યૂરોપીયન સંઘ (ઇયુ)ની સ્થાપના થઇ જયારે ૨૦૦૪માં યુરો કરન્સી લોંચ કરવામાં આવી હતી. યુરોપિયન સંઘ એકલ બજારના સિધ્ધાંત પર કામ કરે છે. અર્થાત કોઇ પણ દેશ કોઇ પ્રકારનો સામાન કોઇ પણ પ્રકારના ટેકસ કે અવરોધ વિના કયાંય પણ લાવી કે લઇ જઇ શકે છે. ઇયુ દેશોમાં વિના ઝંઝટ નોકરી, વ્યવસાય તથા સ્થાઇ નિવાસ કરી શકે છે. સમયાંતરે યુરોપ સાથેના બ્રિટનના એકીકરણને લઇને રાજકીય વિરોધ થતો રહયો હતો. ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી બ્રિટનમાં કન્જર્વેટિવ પાર્ટી સત્તામાં રહી હતી. તત્કાલિન વડાપ્રધાન ડેવિડ કેમરુન પર પોતાની જ પાર્ટીના કેટલાક જૂથોનું ઇયુથી અલગ થઇ જવાનું દબાણ રહેલું હતું.૨૦૧૦ના મધ્ય સુધી યુકે ઇન્ડિપેન્ડસ પાર્ટી (યુકેઆઇપી)ની લોકપ્રિયતા વધતી જતી હતી. યુરોપિયન યુનિયનની લિસ્બેન સંધીના અનુચ્છેદ ૫૦ની જોગવાઇ મુજબ સભ્ય દેશને છુટા થવાનો અધિકાર મળેલો હતો.કેમરુને વિરોધીઓના દબાણમાં આવી જઇને વાયદો કર્યો હતો કે જો આગામી ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં પોતાના પક્ષની સરકાર બનશે તો યુરોપિય સંઘ સાથેની સદસ્યતા અંગે જનમત સંગ્રહ કરવામાં આવશે.

૨૦૧૫ની ચૂંટણીમાં કેમરુનની સત્તાધારી કન્જર્વેટિવ પાર્ટીને નજીવી છતાં ધારી ન હતી એવી બહુમતી મળી હતી. વાયદા મુજબ ૨૩ જૂન ૨૦૧૬ના એ ઐતિહાસિક દિને જનમત સંગ્રહનું આયોજન થયું હતું. ડેવિડ કેમરુન યુરોપિય સંઘ સાથે જોડાઇ રહેવાનો મત ધરાવતા હતા પરંતુ પરિણામ વિપરીત આવતા તેમને તાત્કાલિક રાજીનામું આપવાની ફરજ પડી હતી.યુરોપિય સંઘમાં રહેવાના સમર્થનમાં કેમરુન ઉપરાંત ભાવી વડાપ્રધાન થેરેસા મે, લિઝ ટ્રેસ, સર કીર સ્ટાર્મર, પૂર્વ વડાપ્રધાન જોન મેજર,ટોની બ્લેયર અને ગોર્ડન બ્રાઉન સામેલ હતા જયારે યુરોપીય સંઘથી બહાર નિકળવાના (બ્રિકિઝટ) સમર્થકોમાં ભાવી પ્રધાનમંત્રીઓ બોરિસ જોનસન અને ઋષી સુનક જેવા નેતાઓનો સમાવેશ થતો હતો. બ્રેકિઝટના સમર્થકોનો તર્ક હતો કે યુરોપિય સંઘના સખ્ત નિયમ- કાનુન બ્રિટનની સંપ્રભુતાને નબળી પાડે છે. આમાંથી બહાર નિકળવાથી બ્રિટન પોતાની વ્યાપારિક નીતિઓ ખૂદ નકકી કરી શકશે અને પોતાની સરહદોનું કડક નિયંત્રણ રાખી શકશે.

ઇયુ દર વર્ષે બ્રિટન પાસેથી અનેક બિલિયન પાઉન્ડ સભ્ય ફી પેટે વસૂલતું હતું તેના બદલામાં બ્રિટનને ખૂબ ઓછી રકમ પાછી મળતી હતી. બ્રેકિઝટ થવાથી ફી નું ભારણ ઘટવાથી આ નાણાનો ઉપયોગ હેલ્થ સહિતના બીજા વિકાસના કામોમાં થઇ શકશે અને બ્રિટનને પોતાના અધિકારો અને કાનુન તૈયાર કરવામાં કોઇ જ અવરોધ પેદા થશે નહી. કેમરુનના રાજકીય ઉત્તરાધિકારી થેરેસા મે એ બ્રેકિઝટ મુદ્વે જનમત સંગ્રહના આધારે નિર્ણય લેવાની દિશામાં જે પ્રક્રિયા આરંભી તે બોરિસ જોનસનના નેતૃત્વમાં પણ ચાલતી રહી હતી. બ્રિટનમાં બ્રેકિઝટની ચર્ચાઓ, સંવાદ અને નિર્ણયો રાજકીય સ્તરે અત્યંત પડકારજનક અને વિભાજન પેદા કરનારી સાબીત થઇ હતી. આના જ પરિણામ સ્વરુપ ૨૦૧૭ અને ૨૦૧૯માં બે આક્સ્મિક સામાન્ય ચૂંટણીઓનો બોજ સહન કરવો પડયો હતો. ૨૦૧૭માં બ્રિટનની સર્વોચ્ચ અદાલતે ટકોર કરી હતી કે બ્રેકિઝટ મામલે સંસદનો મત નહી જાણવામાં આવે તો તે લોકતાંત્રિક
ગણાશે નહી. બ્રેકિઝટ પર વડાપ્રધાન થેરેસા દ્વારા હાઉસ ઓફ કોમંસમાં લવાયેલા પ્રસ્તાવ ઉપર ૨૯ માર્ચ ૨૦૧૯ના રોજ થયેલા મતદાનમાં વિરોધમાં ૩૪૪ જયારે સમર્થનમાં ૨૮૬ મત પડયા હતા. આ પહેલા પણ બે વાર આ પ્રસ્તાવને હાઉસ ઓફ કોમન્સમાં હારનો સામનો કરવો પડયો હતો. ભારે આંટી ઘૂંટી અને જટિલ વાટાઘાટોનો દોર ચાલ્યા પછી ૨૩ જાન્યુઆરી ૨૦૨૦માં બ્રિટિશ સંસદે અને ૨૯ જાન્યુઆરી ૨૦૨૦માં યુરોપિયન યુનિયનની સંસદે બ્રેકિઝટ સમજૂતીને મંજુરી આપી હતી. છેવટે ૩૧ જાન્યુઆરી ૨૦૨૦માં બ્રિટન કાયદેસર રીતે યુરોપિયન સંઘમાંથી બહાર નિકળી ગયું હતું.

બ્રેકિઝટ પછી બ્રિટનનું સમગ્ર રાજકીય પરિદ્વષ્ય બદલાઇ ગયું છે. ૧૪ વર્ષ સુધી સત્તામાં રહયા પછી કન્જર્વેટિવ પાર્ટીને ૨૦૨૪માં હારનો સામનો કરવો પડયો હતો. હાલમાં લેબરપાર્ટીની સરકાર પણ લોકોને ખાસ પ્રભાવિત કરી શકી નથી. કોરોના મહામારી, યુક્રેન યુધ્ધ અને અમેરિકા -ઇઝરાયેલ અને ઇરાન યુધ્ધ વચ્ચે બ્રેકિઝટના સપના અધૂરા રહયા છે. બ્રેકિઝટના માધ્યમથી બ્રિટન અને યુરોપિય સંઘ વચ્ચે ફ્રી મૂવમેન્ટ (વિઝા વગર )ખતમ થઇ છે પરંતુ સરહદોને સુરક્ષિત રાખવા માટેના મોરચા પર મળેલી સફળતા મિશ્ર પ્રકારની છે. યુરોપિય દેશોમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે પરંતુ ઇગ્લિશ ચેનલ પાર કરીને ગેર યુરોપિય દેશોમાંથી આવનારા લોકોની સંખ્યામાં રેકોર્ડતોડ વૃધ્ધિ થઇ છે.૨૦૨૨માં આ હોડીઓના માધ્યમથી અંદાજે ૪૬૦૦૦ લોકો અને ગત વર્ષ ૪૧૦૦૦ લોકો બ્રિટન આવ્યા હતા. સરકારી ખર્ચે તેઓને હોટલમાં રાખવાને લઇને બ્રિટિશ નાગરિકોમાં ગુસ્સો જોવા મળે છે. કેટલાક સ્થળોએ હિંસક પ્રદર્શન અને હોટલોમાં આગ લગાવવાની ઘટનાઓ પણ બને છે.નિષ્ણાતો માને છે બ્રેકિઝટે બ્રિટનની અર્થ વ્યવસ્થાને પહેલાની સરખામણીમાં સંકોચી નાખી છે.બ્રિટનના કારોબારીઓને યુરોપિય દેશો સાથે વેપાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બ્રેકિઝટ પહેલા યુરોપ સાથે મુકત વેપાર અને સરળ આવન જાવન હતું પરંતુ હવે કસ્ટમના કાગળ,બોર્ડર સર્ટિફિકેટ અને વીઝાને લગતી અડચણો વધી પડી છે. આ કોઇ અચાનક આવેલા સંકટની જેમ નહી પરંતુ વ્યાપાર,નિવેશ અને ઉત્પાદકતા પર ધીમે ધીમે અસર થવા લાગી છે. જો કે બ્રેકિઝટ સમર્થકોનું માનવું છે કે આવડા મોટા નિર્ણયને શોર્ટ ટર્મમાં મૂલવવો જોઇએ નહી. એક વાત નકકી છે કે લોગ ટર્મ સુધી અસર કરનારી બ્રેકિઝટની ચર્ચા પણ બ્રિટનના રાજકારણમાં લાંબા સમય સુધી ચાલતી રહેવાની છે. બ્રિટન આર્થિક,રાજકીય અને સામાજિક રીતે મજબૂત બનીને ઉભરી આવશે તો જ બ્રેકિઝટ પાછળનો મૂળ ઉદ્દેશ ફળીભૂત થશે.