Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / હર્ષ મેસવાણીયા : Mental health insurance purchases increase by 80% worldwide

GSTV શતરંગ: દુનિયામાં મેન્ટલ હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાનું 80% વધ્યું

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: દુનિયામાં મેન્ટલ હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાનું 80% વધ્યું
સોર્સ : GSTV

'લાઈફ ઈન્શ્યોરન્સ ન વેચો, લાઈફ ઈન્શ્યોરન્સથી શું થઈ શકે એ વેચો!'

App Store

દુનિયાના સૌથી સફળ ઈન્શ્યોરન્સ સેલ્સમેન બેન ફીલ્ડમેનનું આ વાક્ય દુનિયાભરમાં ઈન્શ્યોરન્સ એજન્ટ બનનારાઓને ખાસ સમજાવવામાં આવે છે. બેન ફીલ્ડમેન માટે એવું કહેવાય છે દુનિયામાં તેમના જેટલા ઈન્શ્યોરન્સ બીજા એકેય એજન્ટે વેચ્યા નથી. ન્યૂયોર્ક લાઈફ નામની કંપની માટે તેમણે ૫૦ વર્ષના ગાળામાં દોઢ અબજ ડોલરની ઈન્શ્યોરન્સ પૉલિસી વેચી હતી. એક જમાનામાં તેમના નામે એક દિવસમાં, એક સપ્તાહમાં, એક મહિનામાં અને એક વર્ષમાં સૌથી વધુ ઈન્શ્યોરન્સ પૉલિસી વેચવાનો વર્લ્ડ રેકોર્ડ હતો.

૧૯૭૦ અને ૮૦નો દાયકો તેમની કારકિર્દીનો સુવર્ણયુગ ગણાતો હતો. એ વખતે વીમા પૉલિસી ખરીદવાની આજના જેવી અવેરનેસ ન હતી તે છતાં તેમણે કરોડો પૉલિસી વેચીને સફળતા મેળવી હતી. તે સમયે પૉલિસી વેચવાનો તેમના જેવો દૃષ્ટિકોણ ભાગ્યે જ કોઈ પાસે હતો. એ કહેતા: 'હું લાઈફ ઈન્શ્યોરન્સ નથી વેચતો. હું પૈસા વેચું છું. હું ચિલ્લરના બદલામાં કડકડતી નોટો વેચું છું.' તેમનો કહેવાનો અર્થ એવો હતો કે ઈન્શ્યોરન્સ ખરીદવા માટે તો ખૂબ ઓછી રકમ આપવી પડે છે. પણ જો વળતર આપવાનું થાય તો કેટલી મોટી રકમ વીમાધારકને આપવાની થાય છે. પ્રીમિયમની સરખામણીએ વળતર મોટું હોય છે.

આ ઈન્શ્યોરન્સ સેલ્સમેને પૉલિસી વેચવાની ગુરુચાવી આપતા કહેલું: 'લાઈફ ઈન્શ્યોરન્સ ન વેચો, લાઈફ ઈન્શ્યોરન્સથી શું થઈ શકે છે એ વેચો!' તેમના કહેવાનો અર્થ એવો હતો કે લાઈફ ઈન્શ્યોરન્સ લેવાથી ફાયદો શું થાય છે એના પર જોર આપીને પૉલિસી વેચો. વીમાધારક તમને શું આપે છે એના કરતાં તમે એને એ વાત ગળે ઉતારો કે તમે એને શું આપશો.

ને હવે તેમના આ વાક્ય પર દુનિયાનો આઠ ટ્રિલિયન ડોલરનો ઈન્શ્યોરન્સ બિઝનેસ ટક્યો છે. આમ તો ઈન્શ્યોરન્સનું કામ વર્ષભર ચાલતું રહે છે, પરંતુ ભારત સહિત ઘણાં દેશોમાં માર્ચ મહિનો નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાથી ઈન્શ્યોરન્સનું વેચાણ વધી જાય છે. ઈન્શ્યોરન્સ કંપનીઓમાં કામ કરતા એજન્ટ્સને ટાર્ગેટ પૂરો કરવાનો હોય એ તો ખરું જ, પરંતુ ટેક્સમાં રાહત મેળવવા માટે પણ આ મહિને છેલ્લી ઘડીનું રોકાણ થતું હોય છે. માર્ચ પૂરો થાય તે પહેલાં આપણે પણ ઈન્શ્યોરન્સની દુનિયાનો થોડો પરિચય મેળવી લઈએ.

***

મોડર્ન ઈન્શ્યોરન્સનો ઈતિહાસ ૩૫૦ વર્ષ જૂનો છે. બ્રિટનમાં વેપારીઓ પ્રોપર્ટી ઈન્શ્યોરન્સ ખરીદતા હતા. જહાજોનું જોખમ રહેતું એટલે જહાજો માટે પણ પૉલિસી ખરીદવામાં આવતી. એનું સ્વરૂપ આજની પૉલિસી જેવું ન હતું. જહાજનો માલિક અમુક રકમ પેઢીને ભરે તો તેના બદલામાં જહાજ ડૂબી જાય ત્યારે ચોક્કસ રકમ માલિકને મળતી. એ વખતે દરિયો ખેડવામાં જ સૌથી મોટું જોખમ હતું એટલે ઈન્શ્યોરન્સ જહાજના જ વધારે લેવામાં આવતા.

એ જ અરસામાં જીવન વીમા પૉલિસીની શરૂઆત થઈ હતી. એ પણ મોટાભાગે જહાજોના માલિકો જ લેતા. જો કેપ્ટન કે એવા કોઈ મહત્ત્વના કર્મચારીને મધદરિયે કંઈ થાય તો તેનું વળતર મેળવવાના હેતુથી જીવન વીમા પૉલિસી શરૂ થઈ હતી. એમ તો એ પહેલાં છેક ૧૫૮૩માં લંડનના એક ધનપતિ વિલિયમ ગેબોન્સના નામે લાઈફ ઈન્શ્યોરન્સ ઈશ્યૂ થઈ હતી એવી નોંધ મળે છે, પરંતુ ખરી રીતે લાઈફ ઈન્શ્યોરન્સ પૉલિસી ૧૮મી સદીના ઉતરાર્ધમાં લંડનના ધનવાનોમાં પ્રચલિત થઈ હતી.

લાઈફ ઈન્શ્યોરન્સ પૉલિસી ભારત પહોંચી ત્યાં ૧૯મી સદી આવી ગઈ હતી. ૧૮૧૮માં દેશમાં પહેલી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની કોલકાત્તામાં ઓરિએન્ટલ લાઈફ નામથી શરૂ થઈ હતી. જોકે, એ ભારતીય કંપની ન હતી. એ કંપનીના માલિકો બ્રિટિશ હતા. ૧૮૭૦માં મુંબઈમાં બોમ્બે મ્યુચ્યુઅલ લાઈફ એસ્યોરન્સ સોસાયટી નામે જે કંપની શરૂ થઈ એ પ્રથમ દેશી વીમા કંપની હતી.

પણ વર્ષો સુધી વીમા પૉલિસીને લગતા કોઈ રેગ્યુલેશન ન હતા. કોઈ સરકાર એમાં દખલ કરતી ન હતી. કંપની અને ગ્રાહક વચ્ચે જ નિયમો નક્કી થતાં અને તેનું પાલન થતું. પછી તો એમાંથી ઘણાં વિવાદો કોર્ટ સુધી પહોંચતા થયા એટલે સરકારી રેગ્યુલેશનની જરૂર ઉભી થઈ. ૧૯૩૮માં દેશમાં બ્રિટિશ સરકાર ઈન્શ્યોરન્સ એક્ટ લાવી ત્યારબાદ નિયમો નક્કી થયા ને તેના કારણે ઈન્શ્યોરન્સનું નિયમન સારી રીતે થવા લાગ્યું. કાયદો બન્યો હોવાથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને શિક્ષિત વર્ગમાં ઈન્શ્યોરન્સ પૉલિસી લેવાનું વધ્યું. કેટલીય નવી કંપનીઓ સ્થપાઈ અને એમ દુનિયાભરમાં ઈન્શ્યોરન્સ સેક્ટરનો ઉદય થયો.

આજે ગ્લોબલ ઈન્શ્યોરન્સ માર્કેટ સાઈઝ આઠ ટ્રિલિયન ડોલર છે. ૨૧મી સદીમાં તો આ સેક્ટરનો વિકાસ તીવ્ર ગતિએ થયો છે. ૨૦૦૫માં ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વેલ્યૂ ૩ ટ્રિલિયન ડોલર હતી. ૨૦ વર્ષમાં આ પ્રીમિયમ વેલ્યૂ લગભગ ત્રણ ગણી થવાને આરે છે. એ તો ઠીક, લોકોમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ઈન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની અવેરનેસ આવી છે એ જોતાં ૨૦૩૨ સુધીમાં એટલે કે માત્ર છ જ વર્ષમાં આ ગ્લોબલ માર્કેટ ૨૦ ટ્રિલિયન ડોલર થઈ જાય એવો અંદાજ છે.

એમાંય મહામારી પછી હેલ્થ પૉલિસીના માર્કેટમાં જબરો ઉછાળો આવ્યો છે. અત્યારે હેલ્થ ઈન્શ્યોરન્સનું ગ્લોબલ માર્કેટ ત્રણ ટ્રિલિયન ડોલર છે અને ૨૦૩૨માં ૧૦થી ૧૨ ટ્રિલિયન ડોલર થઈ જાય એવી શક્યતા છે. વિશ્વની ટોટલ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વેલ્યૂમાં અત્યારે જ અડધો હિસ્સો તો સ્વાસ્થ્ય પૉલિસીનો છે.

***

હેલ્થ પૉલિસી હેઠળ છેલ્લાં થોડાં વર્ષોથી એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે. ૨૦૨૦ પહેલાં હેલ્થ પૉલિસી લેતાં લોકોમાંથી માંડ ૧૭ ટકા લોકો જ મેન્ટલ હેલ્થનું કવર લેતા હતા. મૂળ પૉલિસીમાં અમુક રકમ વધારીને હેલ્થ કવર લેનારા લોકો ગણ્યાં-ગાંઠયાં હતા, પરંતુ ૨૦૨૫-૨૬માં આ ટ્રેન્ડ વધીને ૫૦ ટકા થઈ ચૂક્યો છે. ૨૦૨૫માં દુનિયાના ૧૨૦ અબજ લોકોએ મેન્ટલ હેલ્થ કવર ખરીદ્યું હતું. જગતમાં ૪૫૦ કરોડ લોકો સરકારી કે ખાનગી હેલ્થ કવર ધરાવે છે. એમાં લગભગ ૨૫૦ કરોડ ખાનગી હેલ્થ કવર છે. એમાંથીય ૧૨૦ કરોડ લોકો મેન્ટલ હેલ્થનું કવર લેતા હોય તો એ બતાવે છે કે માનસિક સ્વાસ્થ્ય કેટલો મોટો મુદ્દો બનતો જાય છે. વળી, છેલ્લાં ત્રણ વર્ષમાં જેમણે હેલ્થ પૉલિસી ખરીદી એમાંથી ૮૦ ટકાએ મેન્ટલ હેલ્થ કવર એડ કરાવ્યું હતું.

હેલ્થ ઈન્શ્યોરન્સમાં એક મોટું પરિવર્તન ખાનગી કંપનીઓના કારણે આવ્યું છે. મોટાભાગના દેશોમાં એચઆર પૉલિસીના ભાગરૂપે કંપનીઓ જ કર્મચારીઓનું રિસ્ક કવર કરે છે અને આ પરિવર્તનની સીધી અસર ગ્લોબલ ઈન્શ્યોરન્સ માર્કેટ પર પણ ચોક્કસ થઈ છે. સરકારી હેલ્થ પૉલિસી ધરાવતા દુનિયાના ૨૦૦-૨૫૦ કરોડ લોકો સિવાય એટલા જ બીજા ખાનગી હેલ્થ પૉલિસી ખરીદે છે. એમાં કોર્પોરેટ કંપનીઓની ભૂમિકા ચાવીરૂપ છે. ખાનગી પૉલિસી ધરાવતા લોકોમાંથી ૬૯ ટકા પાસે તેમની કંપનીએ ઓફર કરેલી હેલ્થ પૉલિસી છે અને એના ભાગરૂપે જ મેન્ટલ હેલ્થનું કવર મળે છે.

વેલ, રસપ્રદ વાત એ છે કે મેન્ટલ હેલ્થ લેવાની અવેરનેસ જેટલી આવી છે એટલી ક્લેઈમ કરવાની અવેરનેસ આવી નથી. મેન્ટલ હેલ્થનું કવર માત્ર ૨૦ ટકા લોકો જ ક્લેઈમ કરે છે. એનો અર્થ એ કે હજુય મેન્ટલ હેલ્થ ક્લેઈમ લેવામાં ખચકાટ દેખાય છે. ઈન્શ્યોરન્સ ખરીદી લેવાથી નહીં, ઈન્શ્યોરન્સ ખરીદ્યા પછી શું થઈ શકે છે - એ વાક્ય બરાબર સમજાઈ જશે તો પછી મેન્ટલ હેલ્થના ક્લેઈમમાં પણ એ અસર દેખાશે. 

દેશમાં હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ 1.2 લાખ કરોડને પાર

દેશમાં કોવિડની મહામારી પછી લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સાવધાન થયા છે. અણધારી આફત આવી શકે એ સમજ્યા પછી હેલ્થ ઈન્શ્યોરન્સ ખરીદવાનું વધ્યું છે. પરિણામે દેશનું હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ ૧.૨ લાખ કરોડ થઈ ચૂક્યું છે. આ સેક્ટરમાં ચાર જ વર્ષમાં ૯ ટકાનો ગ્રોથ થયો છે. ક્લેમ સેટલમેન્ટનો દર ૮૭.૫ ટકા જેટલો થયો છે. વળી, ૯૦ ટકા જેટલી ફરિયાદોનો ઉકેલ એ જ વર્ષમાં આવતો હોવાથી લોકોનો વિશ્વાસ હેલ્થ ઈન્શ્યોરન્સમાં વધ્યો છે. અમુક ખાનગી કંપનીઓ કેશલેસની સુવિધા ૧થી ૩ કલાકમાં મંજૂર કરતી થઈ છે એટલે પણ લોકોને વિશ્વાસ બેઠો છે. ખાનગી હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓમાં સ્પર્ધા વધી છે એનો ફાયદો લોકોને થઈ રહ્યો છે. તેની સામે એ નોંધવું રહ્યું કે હેલ્થ ઈન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ ૨૫થી ૩૦ ટકા સુધી વધ્યું છે. કોરોના મહામારી પછીથી અત્યાર સુધીમાં હેલ્થ ઈન્શ્યોરન્સની રકમ ઓલમોસ્ટ બમણી થઈ ચૂકી છે. પોસ્ટ કોવિડ જે પૉલિસી સાતથી આઠ હજારમાં ઓફર થતી હતી એના માટે હવે ૧૪થી ૧૬ હજાર ફાળવવા પડે છે.