Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / હર્ષ મેસવાણીયા : 550 million people living in the horrors of war are suffering

GSTV શતરંગ : વૉર સ્ટ્રેસ : યુદ્ધના અજંપામાં જીવતા 55 કરોડ લોકોને સંતાપ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : વૉર સ્ટ્રેસ : યુદ્ધના અજંપામાં જીવતા 55 કરોડ લોકોને સંતાપ
સોર્સ : gstv

- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

App Store

૨૧ મી સદીમાં ટેકનોલોજીનો એવો અભૂતપૂર્વ વિકાસ થયો છે કે એક ક્લિકમાં બધી સુવિધા મળી રહે છે. ડેઈલી જરૂરિયાતની બધી જ સવલતો સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ ચૂકી છે. મિનિટોમાં તૈયાર ફૂડ, ઘરની સામગ્રી, કપડાં, શૂઝ - શું નથી મળતું? 

પણ 'શાંતિ' ઓનલાઈન ઓર્ડર કરી શકાતી નથી. સુવિધાઓ બેશક વધી છે, પરંતુ ૨૧મી સદીમાં માનસિક અશાંતિ વધી છે, પળેપળે અજંપો વધ્યો છે. ધીરજ ખૂટી રહી છે. નાની નાની વાતમાં ચીડાઈ જતો માણસ એક ક્ષણ પણ મોબાઈલ વગર એકલો રહી શકતો નથી. દુનિયાભરમાં અગાઉ ક્યારેય નહોતી એટલી માનસિક સમસ્યાઓ ઉદ્ભવી છે. કરિઅરની દોડમાં, સફળ થવાની હોડમાં બેચેની વધતી જાય છે. કદાચ માણસે શાંતિના બદલામાં સુવિધાનો સોદો કર્યો છે.

બદલાયેલી લાઈફસ્ટાઈલના કારણે આવેલી વ્યગ્રતા, અણધાર્યા ભાવિની એકધારી ચિંતા, નોકરી-ધંધામાં સતત સ્પર્ધાત્મક માહોલ, વધારે વળતર મેળવવા ક્ષમતા કરતાં વધુ કામ, વ્યક્તિગત સંબંધોમાં આવતા ઉતાર-ચઢાવ, પારિવારિક સંબંધોમાં ઘટી રહેલી સહનશીલતા, બદલાઈ રહેલું હવામાન, ઓછી થયેલી ઊંઘ, આર્થિક-સામાજિક કારણો, એકલતા, સોશિયલ મીડિયાના કારણે સતત બીજા લોકો સાથે થઈ રહેલી સરખામણી જેવા અનેકાનેક કારણોથી આજે દુનિયામાં ૨૦૦ કરોડ લોકો સ્ટ્રેસમાં જીવે છે.

અમુક સ્ટ્રેસ કામચલાઉ હોય છે. કોઈ માનસિક પીડા આપતી પરિસ્થિતિ જન્મે ત્યારે સ્ટ્રેસ આવે અને પછી એમાંથી આપમેળે જ વ્યક્તિ બહાર નીકળી જાય છે. ૧૦૦ કરોડથી વધુ લોકોને ગંભીર માનસિક વ્યાધિ છે અને એમાંથી વળી ૩૬ કરોડ તો અતિશય ગંભીર માનસિક બીમારીથી પીડાય છે, છતાં સારવાર માત્ર ૨૭ ટકા લોકો જ મેળવે છે. ક્રોનિક સ્ટ્રેસથી વર્ષે દોઢેક લાખ લોકોનાં મોત થાય છે. ગ્લોબલી સાતેક લાખ લોકો આપઘાત કરી લે છે અને એમાં ડિપ્રેશન, બેચેની વિલનની ભૂમિકામાં છે.

સ્ટ્રેસનું આવું સાયલન્ટ મહામારી જેવું બિહામણું ચિત્ર અને સ્ટ્રેસ વધારવાના અનેક કારણો વચ્ચે મહાસત્તાઓની સત્તાભૂખે વધુ એક કારણ ઉમેર્યું - યુદ્ધ. દુનિયામાં સેંકડો સૈનિકો અને કરોડો લોકોને યુદ્ધનો સ્ટ્રેસ આવે છે. આ વૉર સ્ટ્રેસથી માનસિક અજંપામાં વધારો થયો છે. યુદ્ધમોરચે સતત તૈનાત રહેતા હજારો સૈનિકો વર્ષે સ્ટ્રેસથી આપઘાત કરે છે. સામા-સામા હુમલાથી પરિવારજનો ગુમાવનારા કેટલાય લોકો આજીવન અજંપામાં વીતાવે છે.

***

આ વર્ષે અમેરિકા-ઈરાન, ઈઝરાયલ-હમાસ, ઈઝરાયલ-હિઝબુલ્લાહ, રશિયા-યુક્રેન, અફઘાનિસ્તાન-પાકિસ્તાનના યુદ્ધો દુનિયામાં વધારે ચર્ચામાં રહ્યાં પરંતુ તે સિવાયની એક-બે નહીં, ૧૨૦ સશસ્ત્ર લડાઈઓ દુનિયામાં ચાલી રહી છે. દુનિયાભરમાં બે દેશો વચ્ચે ૪૫ લડાઈઓ ચાલે છે. યુએન માન્ય દેશો વચ્ચે ઝઘડો થાય તેને આંતરરાષ્ટ્રીય લશ્કરી વિવાદ કહે છે. સીરિયા તો અમેરિકા-રશિયા, ઈરાન જેવા કેટલાય દેશોની રણભૂમિ છે. હૂથી બળવાખોરો સતત અમેરિકા, ઈઝરાયલને નિશાન બનાવે છે એટલે રાતા સમુદ્રનો માર્ગ લોહીયાળ બન્યો છે.

મિડલ ઈસ્ટના દેશોમાં સર્વાધિક બળવાખોર જૂથો સક્રિય છે. કૂર્દ બળવાખોરો તુર્કી સામે મોરચો માંડતા રહે છે. બલૂચો પાકિસ્તાન સામે દાયકાઓથી જંગે ચડયા છે. અલકાયદા, તોયબા, ઈસ્લામિક સ્ટેટ્સ જેવા આતંકી સંગઠનો હુમલા કરીને આખી દુનિયામાં લોહી વહાવે છે.

મિડલ ઈસ્ટ પછી બીજો કોઈ સૌથી સળગતો ભૂભાગ હોય તો એ આફ્રિકા છે. આફ્રિકાના જુદા જુદા દેશોમાં લગભગ ૩૫ જેટલા સશસ્ત્ર સંઘર્ષો ચાલી રહ્યા છે. એમાંથી ઘણાં આંતરરાષ્ટ્રીય સ્તરના નથી એટલે બહુ ચર્ચા થતી નથી. આમાંથી ઘણાં આંતરિક ઝઘડા છે, પણ તેમાં લાખો નિર્દોષ લોકોનું લોહી વહી રહ્યું છે.

જુદી જુદી લડાઈઓમાં અઢી લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને લાખો ઈજાગ્રસ્ત બન્યા છે. અમુક અહેવાલોમાં તો યુદ્ધનો ભોગ બનતા લોકોનો આંકડો ૧૦ લાખ સુધી બતાવવામાં આવે છે. યુદ્ધના કારણે કરોડો લોકો બેઘર બની જાય છે. કેટલાક કમભાગી લોકોને રાતોરાત ઉચાળા ભરવા પડે છે. તેમની સંપત્તિનો નાશ કરવામાં આવે છે એટલે તેમણે અન્ય દેશોમાં જીવ બચાવીને ભાગવું પડે છે. બે-એક વર્ષોમાં ૪.૨૪ કરોડ લોકો યુદ્ધોના કારણે બેઘર બન્યા છે અને હવે જીવ જોખમમાં મૂકીને કોઈ બીજા દેશમાં આશરો શોધી રહ્યા છે. ૨૧મી સદીમાં યુદ્ધોના કારણે દર-દર ભટકતા લોકોનો કુલ આંકડો તો ૧૨ કરોડે પહોંચી ચૂક્યો છે.

આવા યુદ્ધો-અશાંતિ-અરાજકતા-હિંસા વચ્ચે જે માનસિક પીડા આવે છે તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેવામાં આવે છે. વિશ્વમાં આ પ્રકારના ઉચાટ સાથે લઈને જીવતા લોકોનો આંકડો દિવસે દિવસે ખૂબ મોટો થતો જાય છે.

***

૧૯૩૦ પછી સ્ટ્રેસની વ્યાખ્યા બની હતી. તેના લક્ષણો ઓળખવામાં આવતા હતા. તેનાથી પ્રેરિત થઈને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પહેલી વખત સૈનિકોમાં વૉર સ્ટ્રેસની ચર્ચા થઈ હતી. વર્ષો સુધી યુદ્ધના મોરચે રહેતા સૈનિકોમાં ડિપ્રેશનનું પ્રમાણ જોવા મળ્યું હતું. ઘણાં સૈનિકો એકધારી યુદ્ધની સ્થિતિ, હિંસા અને મૃત્યુ જોઈને આપઘાત કરી લેતા હતા. લાંબું યુદ્ધ કરીને આવેલા બ્રિટનના દોઢ લાખ સૈનિકોને માનસિક સમસ્યાની સારવાર કરવી પડી હતી.

તે વખતે સૈનિકોને થતો માનસિક વિકાર એટલે વૉર સ્ટ્રેસ એમ કહેવાતું હતું. ઘણાં દેશોના સૈન્યમાં તો સૈનિકો આપઘાત કરી લે તેને નબળા મનની નિશાની ગણવામાં આવતી. ઉચ્ચ લશ્કરી અધિકારીઓ સૈનિકોની માનસિક સ્થિતિની સદંતર અવગણના કરતા. મનોવિજ્ઞાન એ ગાળામાં વિકસી રહ્યું હતું. ઘણાં મનોવૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચ્યા હતા કે માનસિક સ્ટ્રેસ ભોગવતા સેંકડો સૈનિકો દુશ્મનો સામે મોત વહાલું કરી લેતા હતા. વર્ષો સુધી યુદ્ધ મોરચે રહેવાથી તેમનામાં જીવન જીવવાનો ઉત્સાહ જ મરી પરવાર્યો હતો. 

સૈનિકોના સ્ટ્રેસની જ ખાસ ચર્ચા થતી ન હોય ત્યારે નાગરિકોને કેવી માનસિક યાતના ભોગવવી પડે છે એની તો ક્યાંથી ચર્ચા થાય? વિશ્વયુદ્ધ પછી કોરિયન વૉર અને વિએટનામ વૉરમાં નાગરિકોનો ઉચાટ જોઈને મનોવૈજ્ઞાનિકોએ સૈનિકો ઉપરાંત નાગરિકો પણ વૉર સ્ટ્રેસનો ભોગ બને છે એવું તારણ આપ્યું.

૨૧મી સદીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરનો ભોગ બનેલા ૧૦થી ૧૮ વર્ષના ૩૫ કરોડને બચાવી લેવાયા. ૨૦૦૧થી ૨૦૨૫ દરમિયાન આ જ વયજૂથના એક કરોડને વૉર સ્ટ્રેસની પીડા ભોગવવી પડી હતી અને એમાંથી એમાંથી ચાર લાખે આ સ્ટ્રેસમાં જીવ ગુમાવી દીધો હતો. ૧૦ લાખને યુદ્ધની આજીવન અસર રહી ગઈ. અચાનક ભાગવું પડયું કે પરિવારને ગુમાવ્યા એનું દુ:ખ એ ક્યારેય ભૂલી શક્યા નહીં. યુદ્ધગ્રસ્ત વિસ્તારોની કુલ વસતિમાંથી ૨૬ ટકા વૉર સ્ટ્રેસનો ભોગ બને છે. આ એવરેજથી જોઈએ તે ઈરાનની વસતિના અઢી કરોડ લોકો આજની તારીખે વૉર સ્ટ્રેસનો ભોગ બન્યા હશે.

૨૦મી સદીમાં ભલે વૉર સ્ટ્રેસની ખાસ ચર્ચા થતી ન હતી તેમ છતાં પ્રથમ અને બીજું વિશ્વયુદ્ધ, એ પછી કોલ્ડવૉરનું ઘર્ષણ, ઈઝરાયલ-આરબ દેશોનું યુદ્ધ, ભારત-ચીન, ભારત-પાકિસ્તાન, ઉત્તર અને દક્ષિણ કોરિયાની લડાઈ જેવા અનેક યુદ્ધોના કારણે એ વખતની ૮૦ ટકા વસતિને યુદ્ધનો ડર રહેતો હતો.

૨૧મી સદીમાં ભલે ૮૦ ટકા વસતિ યુદ્ધના ડરમાં જીવતી નથી છતાં અત્યારે દુનિયામાં ચાલતી લડાઈઓની અસર વિશ્વની કુલ વસતિના ૨૫ ટકાને થાય છે. ૨૦૦ કરોડથી વધુ લોકો હુમલાના જોખમ વચ્ચે જીવી રહ્યા છે અને એમાંથી ૫૨-૫૫ કરોડ લોકો વૉર સ્ટ્રેસનો ભોગ બન્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓ, સતત ચાલતી રહેતી શાંતિમંત્રણાઓ પણ કરોડો લોકોનો સ્ટ્રેસ ઓછો નથી કરી શકતી એ ૨૧મી સદીના માનવીની કમનસીબી કહેવાય.

૨૦મી સદી ૨૫ વર્ષની થઈ ત્યાં સુધીમાં એક વિશ્વયુદ્ધ થઈ ચૂક્યું હતું. અઢી કરોડ જેટલાં લોકો એ યુદ્ધમાં માર્યા ગયા હતા. ૨૧મી સદીના અઢી દશકામાં એક કરોડથી વધુનો ભોગ યુદ્ધે લઈ લીધો છે. ૨૦મી સદીમાં ૨૦ કરોડ લોકોએ યુદ્ધોમાં જીવ ખોયો હતો. ૨૧મી સદીમાં એનું પુનરાવર્તન ન થાય તો સારું. આ સદીમાં સુવિધાની સાથે માનસિક સંતાપ માણસનો પીછો નહીં છોડે એવું લાગે છે!  

21મી સદી શાંત-સલામત છે?

કેનેડામાં જન્મેલા ને અમેરિકા સ્થાઈ થયેલાં વિખ્યાત મનોવિજ્ઞાની-ભાષાશાસ્ત્રી સ્ટીવન પિંકર હાર્વર્ડ યુનિવર્સિટીમાં હ્મુમન સાઈકોલોજી ભણાવે છે. તેમણે ૨૦૧૧માં લાંબાં રિસર્ચને અંતે 'ધ બેટર એન્જલ્સ ઓફ અવર નેચર : વાય વાયોલન્સ હેઝ ડિકલાઈન્ડ' નામનું પુસ્તક લખ્યું હતું. એમાં મનોવિજ્ઞાની કહે છે કે વિશ્વમાં અગાઉના સૈકાઓ કરતાં અત્યારે શાંતિ-સલામતી-સુખાકારી છે. તેમણે ૧૯મી અને ૨૦મી સદીના યુદ્ધોના આંકડાં એકઠા કરીને કહેલું કે અગાઉ એક લાખ માણસોએ ૩૦૦ લોકો યુદ્ધમાં મૃત્યુ પામતા હતા. કોરિયન યુદ્ધ વખતે, વિએતનામ વોર વખતે કે ઈરાન-ઈરાકના કે ગલ્ફ દેશોની તંગદિલી વખતે આંકડો ઘટીને ડબલ ડિજિટે પહોંચ્યો હતો. એ આંકડો ૨૧મી સદીમાં સરેરાશ એક લાખ લોકોએ સિંગલ ડિજિટ સુધી સીમિત બન્યો છે. ૨૧મી સદીમાં એક લાખે એક વ્યક્તિ યુદ્ધમાં માર્યો જાય છે. છેલ્લાં એક દશકામાં અને એમાંય છેલ્લાં પાંચ વર્ષમાં જે રીતે દુનિયામાં તંગદિલી વધી છે અને યુદ્ધોમાં મૃત્યુઆંક વધતો જાય છે એ જોતાં આ એવરેજ જોખમમાં મૂકાઈ છે. કલ્પના કરો! જો આજે શાંતિ-સલામતી હોય તો અગાઉના સૈકા કેવા બિહામણા હશે?!