Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ડૉ. સર્વેશ વોરા : The roots of slavery lie within ourselves.

GSTV શતરંગ: ગુલામીનાં મૂળિયાં આપણી જાતમાં જ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ગુલામીનાં મૂળિયાં આપણી જાતમાં જ
સોર્સ : GSTV

જે વેપારી પોતાનાં ઘરના ખૂણાનાં એકાંતમાં પણ ધંધાના નફા-તોટા અને તેનાં કારણોનું સરવૈયું તપાસવાની હિંમત નથી ધરાવતો, તેણે પછી અમુક સમય બાદ દેવાળું ફૂંકવું પડે છે, ઘર બાર વેચવાનો સમય આવે છે. આઝાદીનાં વર્ષોની ઉજવણી જાતની છેતરપિંડી દ્વારા કે ચહેરો અરીસામાં જોઈ, વાસ્તવિકતાનો સ્વીકાર કરવામાં સાર્થક બને ?

App Store

આપણે આપણી જાત સામે, આંખોમાં આંખો મેળવીને એક જ પ્રશ્ન પૂછવો છે : જે રોબર્ટ કલાઇવને મુઠ્ઠીભર છોકરડાઓ થોડા પથરા મારીને ભગાડી શક્યા હોત, એ માણસે આ 'મહાન' મુલકમાં આટલી હદે પણ પહોળા કર્યા, તો શું આ દેશમાં બધા સાધુબાવા વૈરાગીની જમાત રહેતી હતી ? ચોરની માતા કોઠીમાં મોઢું ઘાલીને રડે એમ આપણે હવે બીજાં સો વર્ષ સુધી કલાઇવથી માંડીને તમામ વિદેશીઓને ગાળો જ ભાંડતા રહેશું?

રખે ભૂલાય કે ઘડિયાળના કાંટા કદી પાછા ફરી શકતા નથી. સ્વદેશી, ખાદી જેવી વાતો બહુ હૂંફાળી લાગે. આપણાં અર્થતંત્રનો વિદેશી સ્થાપિત હિતો દાટ વાળી રહ્યાં છે એવા આક્ષેપો કરીને આપણે કાયરો જેવો વાંઝિયો આક્રોશ પ્રગટ કરીને, વિરોધપક્ષના વક્તાની માફક લોકોનાં ટોળાંની આત્મવંચનાને પોષીને લોકોના સામટા તાબોટા મેળવી શકીએ. પણ પરિણામ શું ? માત્ર તાબોટા, સૂત્રોચ્ચાર, વાવાઝોડું, આપવખાણ, મિથ્યાભિમાન, પલાયનવાદ અને ધૂળ અને ડમરી અને ઢેફાં !

ના, સ્વદેશી પ્રત્યેનો, દેશ પ્રત્યેનો પ્રેમ એમ હરગીઝ પેદા કરી શકાતો નથી. પૃથ્વીના પટ પર આ એકમાત્ર મુલક એવો છે, જ્યાં લોકોની લાગણીઓ ઢંઢોળવા - રેડિયો-ટી.વી. પર રીતસર દેશપ્રેમનાં 'સેન્ટિમેન્ટલ' લાગણીવેડા ભર્યાં ગાણાંનો મારો ચલાવવો પડે છે. તમે ઈઝરાયેલ, જાપાનનાં સરેરાશ નવયુવકને મળ્યા છો ? પોતાની નિર્બળતાઓ અને બુઝદિલીનું પાપ વિદેશી પર ઢોળવાની કાયરતા કેમ ત્યાં જોવા નથી મળતી ?

ઉપરનાં મનોમંથનનો જવાબ શોધવા બહુ ચોપડા ઉથલાવવાની જરૂર નથી. જો આપણા આજની તારીખ સુધીનાં સરવૈયાનો હિસાબ જરા જાત પ્રત્યે કઠોર બનીને તપાસો, તો જવાબ ઈતિહાસનાં સરવૈયાંમાં જ મળશે. આજે પણ જ્યારે કહેવાતા સુશિક્ષિતોને શાસકો તેમજ રાજકારણીઓ ગાળો ભાંડતા જોઉં છું ત્યારે હસવું કે રડવું એ સૂઝતું નથી. બહુ સીધી સાદી દલીલ છે મારી : 'કૂવામાં હોય તો હવાડામાં આવે.' ચોરોની આખી જમાતને જન્મ આપનાર કોણ ? આજે સમાજનાં કોઈ જ ક્ષેત્રમાં, ખાસ કરીને આપણા દેશમાં, એક તેજસ્વી, મૌલિક વ્યક્તિને ત્રાસજનક ગૂંગળામણ અનુભવવી પડે છે, એ પરિસ્થિતિ પણ શું વિદેશીઓએ પેદા કરી છે ?

હવે હદ થાય છે. દલીલ એવી કરવામાં આવે છે કે એક તેજસ્વી ભારતીય અમેરિકા કે ઈંગ્લેન્ડમાં ખૂબ ઝળકી ઉઠે છે. આ ચવાઇને ચુથ્થો થઈ ગયેલી દલીલ કરનાર ગોથું એક વિડમ્બનામાં ખાય છે કે એ જ ભારતીય પોતાના મુલકમાં ઈર્ષ્યા, ખટપટનો સામનો કરવામાંથી ઊંચો નથી આવતો એટલી પૂરવાર થયેલી હકીકત આપણી અત્યન્ત રોગગ્રસ્ત મનોદશા પણ સાબિત કરી આપે છે. ના, તેજસ્વિતા અને મૌલિકતા પ્રત્યે બેકદર બનવાની આ આબોહવા વિદેશથી હરગીઝ આયાત નથી થઈ. એ મનોદશા આપણા પોતાના અંદરના સડાની દુર્ગંધ છે.