Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

GSTV શતરંગ: આ જ દુનિયાનો નિયમ છે

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: આ જ દુનિયાનો નિયમ છે
સોર્સ : GSTV

કેન્સર સર્જન ડૉ. મિહિર ઝવેરીનું નામ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયું હતું. ચારેબાજુથી નિરાશ દર્દીઓ ડૉ. ઝવેરી પાસે દૂરદૂરથી આવીને સારવાર કરાવતા. તેમના હાથમાં જશ લખાયો હોવાથી બીજા કે ત્રીજા સ્ટેજના કેન્સરના દર્દીઓ પણ ઓપરેશન બાદ તદન સાજા થઈને ઘરે જઈ રહ્યા હતા. 

App Store

મહારાષ્ટ્રના જલગાવ જીલ્લાના નાના ગામડામાં તુકારામ અને લક્ષ્મીબાઈ ખેતીવાડીનું કામકાજ કરતાં હતા. જમીન વધારે નહોતી, તેથી માંડમાંડ ઘરનું ગાડું ગબડે જતું હતું. અચાનક એક દિવસ કાપણી કરતાં તુકારામને ચક્કર આવી ગયા, અને તે પછડાયો. તેનું બેલેન્સ ડોલવા લાગ્યું હતું, દેખાવાનું ઓછું થયું હતું. અંતે બધી તપાસો માટે તેને બાજુના શહેરના દવાખાને રીફર કરવામાં આવ્યા. ત્યાં નિદાન સાંભળી બન્ને ધ્રુજી ગયા. તુકારામને બ્રેઈન ટયુમર હતું, જે સારા સર્જન દ્વારા ઓપરેશનથી જ કાઢી શકાય તેમ હતું. તેમણે આજુબાજુના દરેક ગામમાં સગાવ્હાલામાં, મિત્રમંડળમાં તપાસ કરી કે, ઓપરેશન કરાવવું કોની પાસે? મુંબઇમાં નામી કેન્સર સર્જનો બહું હતા, પરિણામ સારું આવશે કે કેમ તેની કોઈ ગેરેન્ટી નહીં. ત્યાં જ તેના ખાસ મિત્ર શંકરે કહ્યું, તારે ઓપરેશન સારા પરિણામ સાથે કરાવવું હોય તો પહોંચી જાઓ, અમદાવાદના કેન્સર સર્જન ડૉ. ઝવેરી પાસે ! બહુ વિચાર કરી દંપતી અંતે ડૉ. ઝવેરી પાસે જવા તૈયાર થયા. 

બધા રિપોર્ટ જોઈ ડૉ. ઝવેરી કહ્યું, 'તરત ઓપરેશન જ આનો એક માત્ર ઈલાજ છે, પરિણામ અંગે ગેરન્ટી તો નહીં, પણ મારા અનુભવ પ્રમાણે વાંધો નહીં આવે.' 

તુકારામે ખુશ થઈ પૂછયું 'સાહેબ, ખર્ચ કેટલો આવશે?' ડૉ. ઝવેરીએ બધી ગણતરી કરીને કહ્યું 'ઓપરેશન, દવા, અને રહેવા સાથે કુલ સાત લાખ થશે.'

આંકડો સાંભળીને બન્ને ડરી ગયા. બન્નેએ બેથી ત્રણ લાખ ધારીને એટલાની જોગવાઈ કરી હતી. પણ આ તો ડબલ કરતાં પણ વધારે થાય. બન્ને કરગરી પડયા, તુકારામે કહ્યું, 'સાહેબ, અમે ગરીબ ખેડૂત છીએ, કઈક રાહત કરી આપો તો આપની મહેરબાની રહેશે.'

'જુઓ, મે બહુ વિચારીને યોગ્ય રાહત જ કરી છે. દવાઓ અને ઓપરેશનનો ખર્ચ બને તેટલો ઓછો કહેલ છે.' ડૉક્ટરે જવાબ આપતા કહ્યું. 'સાહેબ, અમે છેક મહારાષ્ટ્રના સાવ નાના ગામડેથી આપનું નામ સાંભળીને આવ્યા છીએ. મુંબઈ છોડીને અહીં આપની પાસે આવ્યા છીએ.' તુકારામે રડમસ અવાજે કહ્યું. 

'જુઓ, આ પ્રાઇવેટ હોસ્પિટલ છે. અમે આમ રાહત જ કરતાં રહીએ તો હોસ્પીટલના ખર્ચ ન પહોંચી વળાય. જો તમને પોષાય એવું ના હોય તો સિવિલ હોસ્પિટલમાં જતાં રહો.' બન્ને સાંભળીને રડી પડયા. રડમસ ચહેરે બન્ને બહાર નીકળી ગયા.

ડૉકટર પણ ગમગીન બની ગયા. આવા દરેક દર્દીમાં હું રાહત કરું તો ક્યાંથી ચાલે? આ તો દુનિયાનો નિયમ છે, નબળા માણસે જીવવાનો મતલબ જ નથી. જે થવાનું છે, એ તો થઈને જ રહેશે. શું થાય ?

ડૉ. ઝવેરીનો એકનો એક દીકરો ભાવિક ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે તેને માટે કન્યાના માંગા આવવા લાગ્યા ભાવિકે પંદરથી વીસ કન્યાઓ જોઈ, પણ અંતે તેણે અત્યંત રૂપાળી, ગ્લેમરસ અને હોશિયાર રતિને પસંદ કરી. શ્રીફળ વિધિ બાદ છ મહિના પછી લગ્ન નક્કી થયા. 

લગ્નના એક માસ પહેલાથી બન્ને પક્ષે ખરીદીની દોડાદોડી ચાલુ થઈ ગઈ. ભાવિકને હમણાથી નબળાઈ બહુ લાગતી અને ચક્કર આવી જતાં. ડૉ. ઝવેરીને ચિંતા થવા લાગી. આ શું થઈ ગયું મારા દીકરાને !

 ટેસ્ટના રિપોર્ટ જોઈ તે ધ્રુજી ગયા. ભાવિકને ત્રીજા સ્ટેજનું બ્લડ કેન્સર હતું, શહેરના નામાંકિત હિમેટોલોજીસ્ટ ડૉ. કોટકને ખાનગીમાં બતાવવા ડૉ. ઝવેરી અને તેના પત્ની તેજલબેન ગયા. ભાવિકની સંપૂર્ણ તપાસ કરી ડૉ. કોટકે ડોકું ધૂણાવ્યું હવે તો તેને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કે કોઈપણ આધુનિક સારવાર પણ કારગત નીવડે તેમ નથી. નિરાશ દંપત્તિએ બહાર નીકળતા પૂછયું 'ડૉક્ટર, હવે શું સલાહ છે?' બહાર રિશેપ્સનિસ્ટ રૂપાલી આ સાંભળતી હતી. 

'બસ હવે છેલ્લા છ મહિના કે વધુમાં વરસ. ભાવિકને જેમ બને તેમ, આનંદમાં રાખો. તેનું કેન્સર છેલ્લા સ્ટેજનું છે.' કોટકે કહ્યું. રૂપાલી આ સાંભળી ચોંકી ગઈ. રતિ તેની ખાસ બહેનપણી હતી. ભાવિકના લગ્ન હવે અઠવાડિયામાં જ તેની મિત્ર રતિ સાથે થવાના હતા, જેને માટે બન્ને રોજ સાંજે શોપિંગ માટે જતાં હતા, તેણે તરત જ મોબાઈલથી રતિને બધી જાણ કરી.

ડૉ. ઝવેરી અને તેજલબેન ઉલઝનમાં પડયા. મિહિરને આનંદમાં રાખવા તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું. આમ પણ તેના નિદાનની કોઈને ખબર નહોતી. રવિવારે ડૉ. ઝવેરી અને તેજલબેન કંકોત્રી છપાવવા જતાં હતા ત્યારે વિચારતા હતા, સારા કામમાં સો વિઘ્ન. આ લગ્ન જલ્દી કોઈપણ તકલીફ વગર સંપન્ન થાય તો સારું. 

ત્યાં રતિ અને તેના માતાપિતા ગરમ ઉકળેલા ચહેરે ટપકી પડયા. 'લો તમારો સવા રૂપિયો અને એન્ગેજમેન્ટ રિંગ પરત લો, આ લગ્ન ફોક સમજો.' રતિના પપ્પા ગરજ્યા. 

'પણ થયું છે શું ?' ડૉ. ઝવેરીએ જાણતા હોવા છતાં અજાણ્યા થઈ પૂછયું. 'તમારા કેન્સરના છેલ્લા સ્ટેજના દીકરા સાથે લગ્ન કરી મારી રતિને વરસમાં વિધવા બનાવવા માંગો છો?' આમને ખબર કઈ રીતે પડી તે વિચારતા ડૉ. ઝવેરી લાચારીથી બોલ્યા, 'રતિ બેટા, ભાવિકને તારી સાથે લગ્ન કરવાનો બહુ જ ઉમળકો છે. માનવતા ખાતર તેનો સાથ ન છોડ.' તમે મને જીંદગીભર વિધવા બનાવી પતિ પ્રેમથી વંચિત રાખવા માંગો છો. એ શક્ય નથી. મરવા પડેલ માણસને છોડીને આગળ વધવું જ જોઈએ. આ જ જીવનનો નિયમ છે.

એ લોકો વીંટી અને સવા રૂપિયો ટેબલ પર મૂકી ગુસ્સાભેર નીકળી ગયા. 

આ સાંભળી ડૉ. ઝવેરી ચોંકી ગયા. નબળાને આ દુનિયામાં જીવવાનો અધિકાર નથી. જંગલમાં પણ ટોળામાં રહેલ પ્રાણીમાં એકાદ નબળું પડે તો તેને મૂકીને ટોળું આગળ વધી જ જાય છે. અંતે તેનું મોત નિશ્ચિત થઈ જાય છે, તો પછી જંગલી પ્રાણી અને માનવમાં ફેર શું રહ્યો? મેં પણ કેટલા ગરીબ દર્દીઓને પૈસાની લાલચમાં મૃત્યુના મુખમાં છોડી દીધા છે.'

તેમણે તુકારામનો મોબાઈલ જોડી કહ્યું, 'તમે બન્ને અહીં આવી જાવ. હું તમારું ઓપરેશન ફક્ત એક લાખ રૂપિયામાં કરી આપીશ.' આ સાંભળી તુકારામ અને લક્ષ્મીબાઈની આંખો ભીની થઈ ગઈ. ઓપરેશન સફળ થતાં તુકારામ સુંદર જીવન બસર કરી રહ્યો છે. ડૉ. ઝવેરીને પણ માનવતાભર્યું વર્તન કરવા બદલ સંતોષ ને આનંદ થયો.

લાસ્ટ સ્ટ્રોક : 

દુનિયાનો નિયમ જ એ છે કે નબળાને છોડીને સહુ જતાં રહે, પણ તેને મદદ કરી બેઠા કરી ચાલતા કરે એ જ માનવ ધર્મ  છે.