શતરંગ / ભારતમાં સક્સેસ એટલે પબ્લિકના ઇમોશન્સનું કેરિંગ!
_z9FtqdD31713539930.webp?v=1789059512645)
પાછલી આઇપીએલ સુધી લગભગ બધા જ ક્રિકેટપ્રેમીઓ અને ક્રિકેટના અઠંગ જાણકારો માનતા કે હાર્દિક ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માટે બેસ્ટ ચોઇસ છે. એગ્રેસિવ નેચર, દબાણમાં પણ ડિપ્રેશ થયા વગર એ એની મસ્તીમાં જ હોય. એટલે જ ગુજરાતની નવી સવી ટીમને એ ફાઇનલ સુધી પહોંચાડી ગયો. પણ...
પણ ફક્ત અને ફક્ત "પૈસા" માટે ગુજરાત છોડીને મુંબઈની ટીમ પકડી. એટલું જ નહીં. અમુક અંગત સંબંધોને કારણે મુંબઈ ઇન્ડિયન્સના ધુરંધર કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ પણ અકાળે ગઈ. અને, જેને હવે ગુજરાતીઓ "છપરી" કહે છે એ પાંડયા સતત ઓનલાઈન કે ઓફલાઇન હદ બહાર ટ્રોલ થયા કરે છે. (કોમેન્ટ્રીઓ સાંભળી સાંભળીને આપણે ય પાંડયા બોલતા થઈ ગયા!) હવે એ કદાચ ભારતીય ટીમનો કેપ્ટન બને તો જનતાની નજરમાં ધોની, રોહિત કે કોહલી જેવી લોકચાહના મેળવી શકે કે કેમ એ સવાલ છે.
મુકેશ અંબાણી કંઈ દુનિયાના ટોપ મોસ્ટ શ્રીમંત નથી. છતાં દીકરાના લગ્નમાં દેશવિદેશના સેલિબ્રિટીઓની ઝાકમઝોળ આપણે બધાએ સમાચારોમાં, ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામે ફરતી રીલોમાં જોઈ લીધીને? ઝુકર બર્ગ, એલન મસ્ક કે બીલ ગેટ્સ એમનાથી પણ આગળ છે. છતાં આપણે એમને બિઝનેસ વર્લ્ડના રાજા માનીએ છીએ. કોઈ કહેશે કે એ તો ગુજરાતીઓએ માથે ચડાવી મુકેલ છે એટલે...પણ જુઓ, અદાણી પણ તો ગુજરાતી છે. વર્લ્ડમાં પહેલા, બીજા કે ચોથા પાંચમા નંબરે નેટવર્થની રેસમાં ફરતા રહે છે. છતાં અંબાણી જેવો એમનો પ્રભાવ ગુજરાતીઓમાં ના થયો તે ના જ થયો. ઉલટું વિદેશોમાં તો એ નામ... કારણ જાણવાની જરૂર નથી, કારણ જગજાહેર છે. છોડો એ, પણ અંબાણીના દીકરા દીકરીના લગ્નમાં આપણે જાણે ઘરનો પ્રસંગ હોય એમ આનંદિત થઈ જઈએ છીએ. તો, યે હોતા હૈ, પબ્લિક કે ઇમોશન્સ કા ઘણી!
શાહરુખ દસ વરસ સુધી સતત ફ્લોપ ફિલ્મો આપતો રહ્યો. અમુક ફિલ્મો હિટ ગઈ તો પણ ઓડિયન્સે એને લિટરલી "બુઢ્ઢો" જાહેર કર્યો. પણ જ્યારે એ ખરેખર બુઢ્ઢામાંથી "જવાન" બન્યો ત્યારે એ જવાને બોલીવુડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. એની પહેલા "પઠાણ" જેવી એવરેજ એક્શન ફિલ્મ પણ જવાનની બરોબરી કરે એ હદે કમાણી કરી ગઈ. ચાહકોએ મલ્ટીપ્લેક્ષમાં એવો ધસારો કર્યો, જાણે કહેતા હોય કે- અમારા ફેવરિટ સુપરસ્ટારના દીકરાને પ્રિ પ્લાન્ડ ડ્રગ કેસમાં ફસાવ્યો જ કેમ? ઇસે કહેતે હૈ પબ્લિક કે સાથ એટેચમેન્ટ, દિલસે!
જેણે પાંચ વર્ષથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે એ મહેન્દ્રસિંહ ધોની, જેને ચેન્નાઇના એના ચાહકોએ "થાલા" ઉપનામ આપ્યું છે. (તમિલ શબ્દ "થાલા" એટલે એવું માથું કે જે વિપરીત સંજોગોમાં પણ બિલકુલ ડર્યા વગર ખુંખાર થઈને લડી શકે છે) હવે હકીકત જુઓ, ધોનીની બેટિંગ હવે પહેલા જેવી રહી નથી. હેલિકોપ્ટર શોટ તો ભૂલી જ જવાના. હા,ફિટનેસ ખરી.પણ ફિટનેસ તો ધોનીના હમઉમ્ર એવા ઍન્ડરસનની પણ છે જ ને! વધુ એક મજાની વાત, સાઉથની જનતા હિન્દી બેલ્ટને સ્વીકારતી જ નથી. ઉલટું અમુક અંશે તિરસ્કારની દ્રષ્ટિએ જુએ છે. આમ છતાં, ઝારખંડનો માહી, એ ચેન્નઈનો કેપ્ટન "થાલા" બની ગયો! અરે, મુંબઈ કે અમદાવાદમાં એની મેચ હોય ત્યારે પણ, ત્યાંનું ઓડિયન્સ, જે ખરેખર તો પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યું હોય છે. એ પણ ધોનીની એન્ટ્રી થતા જ ક્રેઝી થઈને કાનના પડદા ફાડી નાંખે એવી ચિચિયારીઓ પાડે છે. આ લોકોનો પ્રેમ નથી તો શું છે?
ખેર, આ હદની લોકચાહના મેળવવાના ત્રણ કોમન ફેક્ટર તો જરા ઊંડા ઉતરતા જ, આ ત્રણેય સેલિબ્રિટીઓમાં દેખાય આવે છે. એક તો સાલસ વર્તન, અને બીજું કે પોતાના સાથીકર્મીઓ સાથે કામ સિવાય પણ હૂંફાળો સબંધ અને ત્રીજું, અન્ય ફિલ્ડના સેલિબ્રિટીઓને પણ એકબીજાના કોઈ સ્વાર્થ વગર પણ માત્ર ગરમાહટ ભરેલી વાતો કે નરમ વર્તન થકી ઈમ્પ્રેસ કરી લેવા. (અહીં ઈમ્પ્રેસ શબ્દ વિશાળ અર્થમાં લેવો. બાકીના ફેક્ટર લખવા જેટલી આ લખનારની જીનિયસનેસ છે નહીં!)
આયલા, સચિન તેંડુલકર કોને યાદ આવ્યો???
- ડૉ.ભગીરથ જોગીયા

