Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : There is Google Maps, but where is the map of the mind?

GSTV શતરંગ: ગૂગલ મેપ તો છે, મનનો મેપ ક્યાં છે?

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ગૂગલ મેપ તો છે, મનનો મેપ ક્યાં છે?
સોર્સ : GSTV

ગૂગલ મેપ્સ તમને પૃથ્વીના કોઈ પણ ખૂણે પહોંચાડી શકે છે, પણ મન કયા ખૂણે ભટકતું હશે તેનો કોઈ 'રીઅલ-ટાઇમ ડેટા' ટેકનોલોજી પાસે નથી. માણસનું સાચું સરનામું તેનો દેહ નથી, તેનું મન છે. ગૂગલ મેપ્સમાં એક સુવિધા છે - 'રીરૂટિંગ'. જ્યારે તમે રસ્તો ભટકો છો, ત્યારે તે તમને પાછા લાવે છે. પરંતુ આજના યુગમાં મન જ્યારે ટેન્શન, સરખામણી કે ગ્લાનિના રસ્તે ચડી જાય છે, ત્યારે તેને વર્તમાનમાં પાછા લાવનારું કોઈ 'રીરૂટિંગ' બટન હજુ સુધી કોઈ એપ સ્ટોરમાં મળ્યું નથી.

App Store

મન સાથે આવે જ છે 

આજના સમયની સૌથી મોટી વિષમતા એ છે કે આપણી પાસે ફરવા માટે દુનિયાભરના લોકેશન્સ છે, પણ એ લોકેશન પર પહોંચ્યા પછી ત્યાં 'હાજર' રહેવા માટેનું મન નથી.  બરફ આચ્છાદિત પહાડો અને કુદરતી સૌંદર્ય વચ્ચે ઊભા રહીને પણ જો મન ઓફિસના ઈમેઈલ કે ભૂતકાળના કોઈ ન ગમતા પ્રસંગમાં કે ખોટી ચિંતાઓમાં અટવાયેલું હોય, તો તમે સુખની અનુભૂતિ સાથે નથી, પણ નકારાત્મકતાના નર્કમાં છો.

માણસ દુનિયાભરના પ્રવાસે જાય છે જેથી તે પોતાની જાતથી ભાગી શકે. પણ મુશ્કેલી એ છે કે તે જ્યાં જાય છે ત્યાં તેનું મન તેની  સાથે જ આવશે. જો મન અશાંત છે, તો તમને સ્વર્ગીય અનુભૂતિની પળ પણ  શાંતિ નહીં આપી શકે.

દાન્તેની 'ડિવાઈન કોમેડી' 

ચૌદમી સદીના મહાન ઈટાલિયન કવિ દાન્તે એલિઘિયેરીએ તેમની અમર કૃતિ 'ડિવાઈન કોમેડી'માં નર્ક (Inferno), શુદ્ધિધામ (Purgatory) અને સ્વર્ગ (Purgatory)ની યાત્રા વર્ણવી છે. દાન્તેના નર્કમાં એક એવો ભાગ છે જ્યાં આત્માઓ સતત વમળમાં ફસાયેલા રહે છે. આજે આ વમળ એટલે આપણા 'વિચારો'. દાન્તે કહે છે કે નર્ક એ કોઈ ભૌગોલિક ખાડો નથી, પણ ઈશ્વરથી (અથવા સ્વ-કેન્દ્રથી) વિમુખ થયેલી અવસ્થા છે. જ્યારે આજના યુવાનનું મન ગ્લાનિ, ટેન્શન અને 'સોશિયલ કમ્પેરિઝન'ના વમળમાં ફસાય છે, ત્યારે તે અજાણતા જ દાન્તેના 'ઇન્ફર્નો'નો પ્રવાસી બની જાય છે. જો મનમાં ઉચાટ હોય, તો સ્વર્ગ જેવી સુખ-સુવિધાઓ વચ્ચે પણ માણસ નર્કની યાતના અનુભવે છે.

જો તમે ગુલાબના ફૂલને જોઈ રહ્યા હો પણ મન તેની પાંખડીઓના સ્પર્શને બદલે આવતીકાલના બિલની ચિંતા કરતું હોય, તો તમે તે ક્ષણે 'મૃત' સમાન છો.

પેરેડાઈઝ લોસ્ટ 

જ્હોન મિલ્ટન 'પેરેડાઈઝ લોસ્ટ'માં એક અદભૂત સત્ય લખી ગયા છે :  "The mind is its own place, and in itself can make a heaven of hell, a hell of heaven."(મન પોતાનું આગવું સ્થાન છે; તે પોતે જ નર્કને સ્વર્ગ અને સ્વર્ગને નર્ક બનાવી શકે છે.)

આ પંક્તિ વર્તમાન પેઢી  માટે લાઈટહાઉસ સમાન છે. આજે આપણી  પાસે બધું જ છે-ટેકનોલોજી, કરિયર, સુખ-સાધનો-છતાં  મનથી રંક છીએ. કારણ કે  મન 'બીજાના' વિચારોમાં છે. બીજાની લાઈફસ્ટાઈલ જોઈને પેદા થતી ગ્લાનિ  આપણને આપણી મજાની  ક્ષણ માણવા દેતી નથી.

મન એ જ બંધન અને મોક્ષ

આપણા ઋષિ-મુનિઓએ હજારો વર્ષો પહેલાં આ સત્યને પકડી પાડયું હતું. ઉપનિષદનો શ્લોક આજના માનવીની સ્થિતિનો સચોટ ચિતાર આપે છે :

'મન એવ મનુષ્યાણાં કારણં બંધમોક્ષયો:

અર્થાત્, મન જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ છે. જો મન વિષયોમાં (ભૂતકાળ, ભવિષ્ય કે અન્યના વિચારોમાં) આસક્ત છે, તો તે બંધન છે. જો મન સ્થિર છે, તો તે મોક્ષ છે.  

અર્જુનનો વિષાદ

કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન પાસે શ્રેષ્ઠ ગાંડિવ ધનુષ હતું, રથના સારથિ સ્વયં શ્રીકૃષ્ણ હતા, છતાં અર્જુન ધૂ્રજતો હતો. શા માટે? કારણ કે તેનો દેહ રણમેદાનમાં હતો, પણ તેનું મન ભવિષ્યના 'પરિણામ' અને સબંધીઓના 'મોહ'માં ભટકતું હતું. યુદ્ધ ભૂમિ પર દેહથી તેઓ રથમાં બિરાજમાન હતાં પણ મન તો સંશયના રથમાં બેઠું હતું. 

શ્રીકૃષ્ણ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં (ધ્યાનયોગ) કહે છે :

'ચંચલં હિ મન: કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ (૬.૩૪)

અર્જુન કહે છે કે મન તો પવન જેવું ચંચળ છે, તેને રોકવું મુશ્કેલ છે. ત્યારે કૃષ્ણ જે ઉપાય આપે છે તે આજના યુવાનો માટે 'મેન્ટલ જીપીએસ' જેવો છે : 'અભ્યાસ' અને 'વૈરાગ્ય'. અભ્યાસ એટલે મન જ્યારે જ્યારે બહાર ભટકે, તેને પકડીને પાછું 'વર્તમાન'માં જ્યાં છો, જે કાર્ય કરો છો ત્યાં લાવવું. 

મનનું લેપટોપ હેંગ છે

આધુનિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આપણા મગજની હાલત અત્યારે લેપટોપના બ્રાઉઝર જેવી છે. આપણે વર્તમાનમાં છીએ પણ મગજમાં ૨૦ 'ટેબ્સ' એકસાથે ખુલ્લી છે. એક ટેબમાં- જૂના સંબંધોની યાદ અને નવા સંબંધોનો  અફસોસ.બીજી ટેબમાં- કારકિર્દીની સ્પર્ધા અને સલામતીની ચિંતા છે. ત્રીજી ટેબમાં- શારીરિક બીમારી કે કોઈ અજ્ઞાત આપત્તિનો કાલ્પનિક  ડર. ચોથી ટેબમાં- સોશિયલ મીડિયાની ભ્રામક પોસ્ટ અને સહમત ન હોઈએ તેવા વિચારો દર્શાવતી પોસ્ટ અંગેનો મનમાં ધરબાયેલો રોષ. 

જ્યારે આટલી બધી ટેબ્સ એકસાથે પ્રોસેસ થતી હોય, ત્યારે 'લાઈફ' નામનું સોફ્ટવેર હેંગ થઈ જાય છે.  બગીચામાં બેઠા હોઈએ  છતાં, મનનું 'લોકેશન' કોઈ ભૂતકાળના ડેટામાં અટકેલું હોય છે. પરિણામે, તે શાંતિ કે સુંદરતા 'લોડ' (Load) જ નથી થતી.

એક સાથે અન્ય કાર્યો

આજે 'Multitasking'  એટલે કે એક સાથે અન્ય કાર્યો કરવા તેને ભલે આધુનિક જમાનામાં કુનેહ તરીકે જોવાતું હોય પણ આમ કરવાને લીધે આપણી ચેતના વેરવિખેર થઈ જતી હોય છે. આપણે  ભોજન લેતી વખતે સ્ક્રીન પર ઓફિસના મેઇલ જોઈ લઈએ છીએ કે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર   શ્રેણી જોવાનો સમય નહીં મળતો હોઈ કાર્ય કરતા વચ્ચે વચ્ચે સ્ક્રીન પર પણ નજર માંડીએ છીએ. સવાર કે સાંજના નયનરમ્ય વાતાવરણમાં ચાલતી  વખતે સંગીત કે  ગીતો સાંભળીએ છીએ જેના લીધે પ્રકૃતિ દ્વારા સર્જાતા દ્રશ્યો , પક્ષીના મધુર અવાજ અને જનજીવન જોવાથી વંચિત રહીએ છીએ. આવી સ્થિતિને લીધે આપણે ક્યારેય 'પૂર્ણતા'નો અનુભવ નથી કરી શકતા.  સુખ આપે તેવી પળો નિરર્થક  વિતાવી દીધી હોઈ મનમાં ગ્લાનિ અને તનાવ તો જારી જ રહે છે.

પોષણ મળે છે પણ..

ડોક્ટરે એક મનોબીમાર દર્દીને પૂછયું, 'છેલ્લે તમે ક્યારે સ્વાદ લઈને જમ્યા હતા?' યુવાને કહ્યું, 'હું રોજ મોંઘી હોટલોમાં જમું છું.' પણ તે વ્યક્તિ બતાવી ન શકી કે ક્યારે તેણે છેલ્લે સુખની અનુભૂતિ મેળવી હતી.

ડોક્ટરે હસીને કહ્યું, 'તમે જમો છો ત્યારે તમારું મન તમારી આગામી મીટિંગના એજન્ડામાં હોય છે. એટલે જમવાનું કામ શરીર કરે છે, મન નહીં. પરિણામે, પોષણ મળે છે પણ તૃપ્તિ નથી મળતી.'

જ્ઞાન પોસ્ટ 

આપણે ધ્યાન અવસ્થા કે પૂજા વખતે પણ તેમાં નથી હોતા અને મન સંસારી વિચારોમાં ભટકતું હોય છે. ભક્તિ માર્ગ માટે મનનું સતત ઈશ્વર સમર્પિત રહેવું શ્રેષ્ઠ મનાય છે. આ માટે ભગવાન દત્તના અવતાર મનાતા  શ્રીરંગ અવધૂત મહારાજે કહયુ છે કે 'શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન ' એટલે કે પ્રત્યેક શ્વાસ સાથે દત્ત ભગવાનનું નામ જોડી દો.

તેમણે એમ પણ કહ્યું કે 'જે જે સ્થળે મારું મન જાય, જ્યાં જ્યાં હું મસ્તક નમાવું   ત્યાં તારા જ (ભગવાન દત્તના કે ગુરુના) પદ દ્વન્દ્વ (પગલાં કે પાદુકા)ના મને દર્શન થાય. અહીં પણ મનની સ્થિરતા પર ભાર મુકાયો છે.