Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : The calendar needs to be changed, but we don't want to change.

GSTV શતરંગ/ કેલેન્ડર બદલવું છે પણ આપણે બદલાવું નથી

Timeછેલ્લું અપડેટ : 26 Oct 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ કેલેન્ડર બદલવું છે પણ આપણે બદલાવું નથી
સોર્સ : GSTV

- હોરાઈઝન

App Store

- ભવેન કચ્છી

રોબિન શર્માના પ્રેરણાદાયી પુસ્તક ''Who will cry when you die? જીવનને સાર્થક છતાં મજ્જા સાથે જીવવા માટેના  ૧૦૧ પગલાં પર પ્રકાશ પાડે છે. પુસ્તકના ટાઇટલ પરથી એવું લાગે કે મૃત્યુ પર તત્ત્વ જ્ઞાન પીરસતું આ પુસ્તક હશે પણ ખરેખર તેમાં જે ૧૦૧ ડગલાં બતાવ્યા છે તે પ્રકારનું આપણું ઘડતર હોય તો જીવતા જ સુખ, શાંતિ અને હેતુપૂર્ણ જીવન જીવ્યાનો પરમ સંતોષ પ્રાપ્ત થઈ જાય તેમ છે.

પેલી પંક્તિ છે ને કે 'તમે જન્મ લો છો ત્યારે તમે રડતા હો છો અને તમારા પરિવારજનો અર્થાત્ દુનિયા ખુશી અનુભવતા હસતી હોય છે પણ તમારું જીવન એવું હોવું જોઈએ કે તમે મૃત્યુ પામો ત્યારે તમે હસતા હો અને દુનિયા રડતી હોય.' બસ, આવું સાફલ્ય પ્રાપ્ત કરવાનો સામાન આ પુસ્તકમાં ઉપલબ્ધ છે.

જો તમે આ રીતે જીવન વ્યતીત નહીં કર્યું હોય તો તમે મૃત્યુ પામશો ત્યારે કોણ તમારી ખોટ અનુભવતા રડશે?

લેખની શરૂઆતમાં આપેલું નોર્મન કઝીનનું સુવાક્ય પણ કેવું વિચારપ્રેરક છે. તેઓ કહે છે કે ખરી કરુણતા મૃત્યુ નથી પણ જ્યારે જીવતા હતા ત્યારે આપણામાં  અને આપણી પાસે જે પણ હતું તેને સહેજ પણ મહત્વ નહીં આપીને આપણી હયાતીમાં જ તેનું મૃત્યુ નિપજાવીને જીવ્યા તે કહી શકાય.

એક બોધપ્રેરક વાર્તા એવી છે જેમાં એક રાજા રોજ સવારે તેની ગઈકાલ મૃત્યુ હતી અને આજની સવાર જન્મ છે તેમ માની ઈશ્વરને પ્રાર્થના કરતો કે ગયા જન્મ કરતા આ જન્મ વધુ બહેતર બનાવજે. ગયો જન્મ એટલે ગઈકાલ અને આ જન્મ એટલે આજનો દિવસ.

માનવ જગત માટે સમસ્યા એ છે કે તે ગઈકાલે જે હતો તેની જ શૃંખલા રોજ આગળ ધપાવે છે પરિણામે બને છે એવું કે રોજ કેલેન્ડરના તારીખિયા ફાડતો જાય અને નવા વર્ષે નવું કેલેન્ડર પણ ભીંત પર લગાવે પણ માણસ તો એ જ હોય જે વર્ષો પહેલા હતો. ખરેખર તો રોજ વધુ તાજો અને પ્રબુધ્ધ થઈને નવો જન્મ લેવાનો છે પણ આપણે તો સોળ વર્ષે શાન અને વીસ વર્ષે વાન આવ્યું તે પછી એ જ મોડલ કે સોફ્ટવેર સાથે 'કેરી ફોરવર્ડ' થઈએ છીએ. 

શું આપણે પોતાનું ઓડિટ કરીએ છીએ ખરા? જેમ કે મારી સોચ, મારા અહંકાર, મારી કંજુસાઈ, મારી સંકુચિતતા, મારી ચાલાકીમાં અગાઉ કરતાં કંઈ ફેરફાર થયો છે ખરો?

નોર્મન કઝીન કહે છે કે આપણામાં ઈશ્વરે કેટલાયે ગુણો મૂક્યા છે જે આપણને ઓર્ગેનિક સુખ અને આનંદનો એહસાસ કરાવી શકે. ખૂબ ઓછા પૈસા કે શૂન્ય પૈસા ખર્ચીને પણ આપણે પ્રકૃતિને માણી શકીએ. કોંક્રિટ જંગલ વચ્ચે પણ ઘરની બહાર કોયલનો અવાજ સંભળાય છે તેનું ઘેર આવેલ મહેમાને ધ્યાન   દોર્યું ત્યારે ભાન થયું કે 'ઓહ, આ મધુર અવાજ તો રોજ આવતો જ હશે પણ તનાવ અને મારા સિવાયની બધાની ઉપેક્ષાને કારણે માત્ર આવા અવાજ જ નહીં દ્રશ્યો પ્રત્યે પણ અંધ હતો.'

બગીચામાં બેસવાની ટીકીટ નથી લેવી પડતી. સરોવર ફરતે લટાર લગાડવાનો પણ ચાર્જ નથી. આપણા ઘરની નજીક જ કોઈ મંદિર હોય કે જોવાલાયક સ્થળ જ્યાં દૂરથી મુલાકાતીઓ આવતા હોય પણ આપણે બે પાંચ વર્ષે એકાદ વખત ત્યાં ગયા હોઈએ તેવું બને જ છે. અન્ય આપણને  જે જે બાબતો માટે નસીબદાર માનતા હોય તેનો આપણને જ એહસાસ ન હોય તેવું પણ બનતું જ હોય છે.હવે તો ઘેરબેઠાં દુનિયાભરની ફિલ્મ, સત્સંગ, સંગીત બધું જ લગભગ મફતમાં સ્માર્ટ ફોન અને સ્માર્ટ ટીવીમાં હાજર છે. ઓનલાઇન ઘેરબેઠાં શોપિંગ અને ફૂડ હાજર થઈ જાય છે. ઘેર ઘેર પંખા અને  એ.સી. છે. વાહનો અને ગેજેટ્સ પણ ખરા. અગાઉના વર્ષોના નાગરિકો કરતા આપણું આજનું જીવન કેટલી સગવડતા અને આરામદેહ સાથેનું છે છતાં તનાવ અને અજંપો કેમ. આપણી અગાઉની પેઢી પાસે તો પંખા પણ માંડ હતા. તેઓ ઘેર દાળ બનાવે તો ઉજવણી લાગતી. આઈસ્ક્રીમ તો શુભ પ્રસંગે માંડ મળતો. ફળફળાદી તો બીમાર પડીએ તો જ મળતાં. પાણી અને અનાજ માટે લાઈનમાં ઊભા રહેવું પડતું. વહેલી સવારે જઠરાગ્નિ માટે સગડીમાં અગ્નિ પેદા કરવો પડતો હતો. આની સામે આજના માણસે અત્યારની સુખ સગવડો, આરામદેહ જીવન અને તબીબી સંશોધનો, આર્થિક સુરક્ષા વગેરેને વિશે વિચારીને પોતાની જાતને નસીબદાર માનીને જીવન માણવું જોઈએ. તેની જગ્યાએ ડિપ્રેશન, તનાવ અને સતત પોતાને દુ:ખી અનુભવે છે.

અગાઉના વર્ષોમાં માત્ર ધનિકો જ ખાસ પ્રકારની જીવનશૈલી ભોગવી શકતા હવે આજે શહેરી કે ધનિક જે ભૌતિક સુવિધા કે ભોજન માણે છે તે ગ્રામ્યજન કે મધ્યમ વર્ગને પ્રભાવિત નથી કરતું. કોઈ રોજ તો કોઈ તેનો ઓછી વખત પણ ઉપભોગ કરી ચૂક્યું હોય છે. અભ્યાસ અને નોકરી અર્થે યુવા પેઢી શહેર અને વિદેશ જતી આવતી થઈ ગઈ.

આ ઇન્દ્રિયગમ્ય કે ભૌતિક દુનિયા માટે રસ કે રુચિ ન હોય તો અથવા તો તેના માટે પૈસો જ છૂટતો ન હોય તો એવું માનવું કે આપણે જીવીએ છીએ પણ આપણને ઈશ્વરે ભોગવવાની વૃત્તિ  કુદરતે ભેટ આપી છે તેનું આપણે મૃત્યુ નીપજાવી દીધું છે. ભૌતિકની સ્થૂળતા  પછી આપણે સૂક્ષ્મ વાત પર આવીએ.

સૂક્ષ્મ ગુણો તે જ ખરા સુખની અનુભૂતિ આપે છે. ભૌતિક સુખ તો જ અનુભવાશે જો મૂળભૂત સંસ્કાર હશે. બીજાના સુખમાં આપણું સુખ જોવું, બીજાને ખુશ કરશો અને તેમાં તમે સામેલ થશો તો જે સુખ મળશે તે અનન્ય લાગશે. દયા, અનુકંપા, સ્મિત સભર ચહેરો, શીખવા જેવું હોય તે બીજા પાસેથી શીખવું, વિવેક જેવા ગુણો કેળવવા અને  અદેખાઈ અને ઈર્ષા કે મિથ્યાભિમાન, તુમાખી, ઘમંડ આવા બધા અનિષ્ટો  આપણે જીવતા હોઈએ ત્યારે જ દફન કરી દીધા હોય તો આપણું જીવન દિવ્ય બની જશે. ભૌતિકતામાં પણ આધ્યાત્મિકતા દેખાશે.

વિશ્વના બધા મોટિવેટર જીવન જીવવાની જડીબુટ્ટી હંમેશા સામી વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને આંજી દેવા કે  તેઓ પર પ્રભાવ પાડવા માટેની આપે છે જેનો આશય સારો પગાર મેળવવો,સારો ધંધો કે વેચાણ કરવાનો છે. પણ ખરેખર પોતાની સાથેનું અને પોતાના સાથેનું જીવન જીવવાનું કોઈ શીખવતું નથી.તે તો આધ્યાત્મિક સદગુરુ જ કે સ્વયંમ આત્મ નિરીક્ષણ જ જ્ઞાન આપી શકે.

કલ્પવૃક્ષ એટલે એવું વૃક્ષ કે જે આપણી તમામ ઈચ્છા પુરી કરે. આમ જોઈએ તો આપણે કલ્પવૃક્ષ નીચે જ બેઠા હોઈએ છીએ અને મોહ, લોભ અને શંકા સાથે  જ જે ઈચ્છા કરીએ છે તે પૂરી કરતા જ હોઈએ છીએ. પણ તે જ કારણે એવું જીવન જીવીએ છીએ અને મૃત્યુ પામીએ છીએ જે આપણે કલ્પવૃક્ષ પાસે જેવું માંગ્યું હતું તેના ફળ જેવું જ હોય છે. આપણે ક્યારેય કલ્પવૃક્ષ પાસે એવું માંગ્યું કે મને દિવ્ય આનંદ મળે તેવા વિચારો આપો. કે પછી મારું જીવન હેતુપૂર્ણ બની રહે. આપણે દુ:ખી એટલે જ છીએ કે આપણે જ આપણા શિલ્પી હોવા છતાં આપણું એવું શિલ્પ બનાવીએ છીએ જે આપણને પરમ આનંદ આપી શકે જ નહીં. ઈર્ષા, અદેખાઈ, પ્રમાદી અને વિકારના ચશ્મા પહેરીને ફરતા હોઈએ પછી જીવન પણ તેવું જ જાય ને. 

જે પણ પ્રાપ્ત થયું હોય તેને ઈશ્વરની કૃપા માની ઈશ્વરને ગમે તેવા ગુણો અને સંસ્કારો માંગ્યા હોત તો એક દિવ્યતા ઉમેરાઈ હોત. તેના કરતાં પણ આગળ જઈને નિષ્ઠાથી કર્મ કરીને ફળ ઈશ્વર પર છોડી દીધું હોત તો પણ જગ જીતી જવાય. 

જ્ઞાન પોસ્ટ 

આ વાક્ય અંગે વિચારજો.

We are not our thoughts. Instead we are the thinkers of our thoughts.