Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : Knowledge can be more dangerous than ignorance

GSTV શતરંગ/ વિદ્યા અવિદ્યા કરતાં પણ ખતરનાક હોઇ શકે

Timeછેલ્લું અપડેટ : 14 Dec 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ/ વિદ્યા અવિદ્યા કરતાં પણ ખતરનાક હોઇ શકે
સોર્સ : GSTV

પ્રોફેસર મહાશય હોડીમાં બેસીને નદી પાર કરી રહ્યા છે. નાવિક સાથે વાતચીત ચાલી રહી છે. પ્રોફેસર તેને પૂછે છે, 'ઇતિહાસ ભણ્યો છે ?' 'ના, જી.' 'તો તારું ૧૦ ટકા જીવન એળે ગયું, ઠીક ભૂગોળનું જ્ઞાન ધરાવે છે ?' 'ના, જી.' 'ગણિત શીખ્યો છે ?' 'ના, જી.'  ઇતિહાસ, ભૂગોળ, ગણિત અને પ્રોફેસરની યાદી લાંબી ચાલે છે અને નાવિકનું જીવન ૧૦- ૧૦ ટકા (પ્રતિશત) નકામું થતું જાય છે. એટલામાં જોરથી હવા ફૂંકાય છે, આકાશમાં વાદળો ધેરાવા લાગ્યા, તોફાનના એંધાણ વર્તાય છે. સઢ- હલેસા સંભાળીને નાવિક પ્રોફેસરને પૂછે છે, 'પ્રોફેસર મહાશય, તમને તરતા તો આવડે છે ને?' 'ના.' ગભરાઈને પ્રોફેસર જવાબ આપે છે. નાવિકે કહ્યું 'તો થયું તમારું ૧૦૦ પ્રતિશત જીવન ખતરામાં છે.' બસ આપણે બધાં આ પ્રોફેસર મહાશયની જેમ પુસ્તકી વિદ્યામાં મહાલ્યા કરીએ છીએ.

App Store

આજે સમાજ એવા ઉપદેશકો, કહેવાતા તત્ત્વચિંતકો, બુદ્ધિ અને ભદ્રજીવીઓ છલકાઈ રહ્યો છે જેઓના અંગત અને પારિવારિક જીવન નિમ્ન સ્તરનાં છે. શિક્ષણ, પોથીપંડિત અને કબાટો ભરીને પુસ્તકો છે પણ જીવનનો  દરિયો તરવામાં પોતે નિષ્ફળ રહ્યા છે. એ તો કબૂલવું જ પડે કે શિક્ષણ, સંવાદ, શ્રવણ અને ટેક્નોલોજી છતાં અગાઉના માનવી કરતા અત્યારના માનવીનું સ્તર કથળતું જાય છે. સાક્ષરતા અને કહેવાતી સભ્યતા આપણી અને ઇશ્વર વચ્ચે પડદા કે દિવાલનું કામ તો નથી કરતી ને ? જ્ઞાની વ્યક્તિ કેમ જનમાનસમાં પરિવર્તન નથી કરી શકતી તે પ્રશ્નનો જવાબ મેળવવા જેવો છે. કહેવાતા જ્ઞાનીઓ સ્વપ્રચાર, સ્વપ્રસાર અને બ્રાન્ડિંગની સ્વકેન્દ્રી ઇમેજથી સમાજને બદલવાના ચહેરા સાથે ફરે છે અને 'અહો રૂપમ્, અહો ધ્વનિ'ના નાદથી વિશ્વના આકાશમાં આંદોલનો છવાઈ જાય છે. વાતાવરણમાં આવા પ્રદૂષણ માટે ક્લાયમેટ મિટીંગ નથી યોજાતી.

વર્તમાન શિક્ષણ અને જ્ઞાનની દુનિયા એવી થતી જાય છે કે, જીવનમાં એટીકેટ, ગદ્ય, પદ્ય પરનું પ્રભુત્વ અને ઔપચારિકતા વધે છે પણ સંસ્કાર, સૌજન્યશીલતા, સંવેદના અને સહજતા તળિયે જતી જાય છે.

એક વિદેશી મહિલાનો વેધક સંવાદ છે તે કહે છે કે, 'મને માતા બનવું ગમે પણ હું નહીં બનું કેમ કે હું નથી ઇચ્છતી કે આજની અસલામત અને પ્રપંચી, પાખંડી અને જબરા લોકોની દુનિયામાં હું એક નાનકડા નિર્દોષ જીવનો પ્રવેશ કરાવું, જેનું ભાવિ અનિશ્ચિતતામાં ડોળાય, વિકૃત માનસની દુનિયામાં પીંખાય તે અણુ સ્ફોટક ધડાકામાં હોમાય વિદ્યા આટલી બિહામણી ક્યારેય નહોતી.

છાંદોગ્ય ઉપનિષદમાં નારદ અને સનતકુમાર વચ્ચે સંવાદ છે. નારદ વિદ્યા વિશારદ છે. ચાર વેદ, વ્યાકરણ, ઇતિહાસ, પુરાણ, રાજનીતિ, સમાજશાસ્ત્ર, જ્યોતિષ, ગણિત જેવા વિષયોની લાંબી યાદી બનાવી નારદ નમ્રતાપૂર્વક સનતકુમારને કહે છે કે, આ બધું જાણનારો હું 'મંત્રવિદ્' છું, 'આત્મવિદ્' નથી મારે તો આત્મવિદ બનવું છે. અંતે એટલે તમારા જેવા જ્ઞાની પાસે આવ્યો છું. તમે મને આત્માનું અને સચ્ચિદાનંદનું જ્ઞાન આપો.

યાદ રહે છાંદોગ્ય ઉપનિષદ વિદ્યા પ્રાપ્તિ માટે નથી પણ વિદ્યાના ભયસ્થાન બતાવતા તત્ત્વગ્રંથ છે. શિક્ષાનો પ્રાણ માત્ર વિષયો કે ભાષા અને સભ્યતા પરની પકડ નથી. પણ શીલા અને પ્રજ્ઞા છે. કેરિઅર તો બને છે પણ કેરેક્ટર નથી બનતું. કમનસીબે આપણે ચારિત્ર્યને અનૈતિક સંબંધો કે વ્યસન સાથે જોડીને સીમીત દાયરામાં જ રાખ્યું છે. હકીકતમાં ચારિત્ર્ય તે જીવન સાફલ્યનો રાજમાર્ગ છે. જો વિદ્યાના હાર્દને નહિ અપનાવીએ તો તે વિદ્યા અવિદ્યાથી પણ ખતરનાક સાબિત થશે.

આજે નવી પેઢીના માતાપિતા, પતિ- પત્ની, શિક્ષક કે વિદ્યાર્થી ખરેખર ગુણવત્તાસભર છે ખરા ? શિક્ષણ અને સંસ્કારમાં શ્રમનિષ્ઠા, સૃષ્ટિસંપર્ક અને નીતિમત્તા જેવા જીવનને ઘડતા તત્ત્વોનો સદંતર અભાવ છે. જેઓ સભ્ય, સંસ્કારી, શિક્ષિતનું લેબલ ધરાવે છે તે જ વાલીઓ તેમના સંતાનોને જબરા બનવાનું, શ્રમથી દૂર રહી, જવાબદારી- ફરજની પકડમાં નહી આવવાનું ઝેર રેડે છે. ઉત્કર્ષ માટેના સૂચનો કરવાની જગ્યાએ ઉકરડામાં પડી રહેવાના લાડ કરે છે.

છૂટાછેડાના કેસની કાર્યવાહી દરમિયાન પતિએ કહ્યું કે, મારી પત્નીને હું તેના સ્વભાવ, સોચ અને સંસ્કારમાં સુધારો થાય તેવા સત્સંગમાં લઈ જતો હતો. તેના મોબાઇલ પર તે તત્ત્વજ્ઞાન, મેડીટેશન અને સંતોના વિડિયો પણ સાંભળતી તેને પુસ્તક, સંગીતની દુનિયાનો સંપર્ક કરાવી તેનામાં હકારાત્મકતાનું સિંચન કરવા ભરપૂર પ્રયત્ન મેં કર્યા છે પણ માંડ તેના વર્તનમાં જાણે જીવન દ્રષ્ટિ સાંપડી હોય તેમ તેનો વ્યવહાર સાલસ અને સુમેળ સાથે જીવનને માણતો થાય ત્યાં જ તેની બહેનપણીઓ, પાડોશીઓ અને મમ્મી પપ્પાના રોજેરોજ આવતા  મોબાઈલ ફોન અને તેના પરની અસંસ્કારી, પ્રમાદી અને ઉધ્ધતા શિખવતી કલાકેક સુધી ચાલતી વાતો બાદ તેનાંથી પ્રભાવિત થઇને ફરી મારી પત્ની નકારાત્મકતાના વમળમાં ફસાઈ જાય છે. રોજેરોજ આવો સંવાદ કરનારા શિક્ષિત અને સભ્યતાનું લેબલ લગાવીને ફરે છે. સાહેબ, તમે જ કહો સંતાનોને આંખો ઉઘાડવાની હોય કે તેમના જીવનને અંધકારમાં લઇ જતા બંધ કરી દેવાની હોય.' 

આજે આવા જ વિદ્યાપતિઓ અને વિદ્યાલયો છે જે સમાજને ખતમ કરી રહ્યા છે. તેની તુલનામાં જેઓ ઓછુ ભણ્યા છે કે કલા, સાહિત્યથી દૂર છે તેઓ વધુ સુખી અને સંસ્કારી જણાય છે. વિનોબા ભાવે કહેતા કે આજના વિદ્યાલય વિદ્યાના આલય એટલે કે સ્થાન નથી રહ્યા. તે તો જાણે વિદ્યાનો લય કરવા માટેના હોય તેવા લાગે છે.

જો વિનોબાના વખતે પણ તેમને આવી પીડા પજવતી હતી તો અત્યારે તો તેઓનું દર્દ કેવું હોત.

વિદ્યા પ્રાપ્ત થઇ તો મનુષ્ય વિનમ્ર બન્યો કે ઉધ્ધત ? જીવન મૂલ્યો અધિક ઊંડા ગયા કે છિછરાં બન્યા ? આદર્શવાદી બન્યો કે ધ્યેયહીન ? વિચારવાન બન્યો કે વિચાર શૂન્ય ? આજે બધાની સ્થિતિ એવી છે કે બહારથી તેઓએ પહેરેલા જૂતાં ચમકતા દેખાય છે. લેટેસ્ટ ડિઝાઈનના પણ છે જે સામી વ્યક્તિને આંજી નાંખવા કે ઇર્ષ્યા જન્માવવા માટે જ પહેરાયેલા હોય છે. ખૂબ મોંઘા પણ ખરા. પહેરનારનો ધ્યેય તો પાર પડે છે પણ જૂતા પહેરનારને અંદરથી તે પારાવાર -ડંખતા પણ હોય છે. તે વેદના ન કહેવાય ન સહેવાય તેવી હોય છે. આ વેદનાગ્રસ્ત વ્યક્તિ  સમાજની નજરે સફળ, સુખી, સાક્ષર અને જ્ઞાની હોય છે.

એકવાર મુંબઇની બે બહેનો રવિશંકર મહારાજની પદયાત્રામાં જોડાઈ હતી. બંનેનો સુખી અને આરામદેહ ઉછેર થયો હતો. શ્રમની ખાસ આદત જ નહીં, પહેલે જ દિવસે માંડ પાંચેક કિલોમીટર ચાલ્યા હશે ત્યા સુંવાળાપગમાં છાલાં અને ફોલ્લા પડવા લાગ્યા.

મહારાજે કહ્યું કે 'કેમ ધીમી ગતિએ ચાલો છો ? બંને બહેનોએ ચહેરા પર અંકાયેલ દર્દ સાથે કહ્યું કે 'મહારાજ, ચાલવાથી પગમાં ફોલ્લા પડયા છે.'

મહારાજે સહજતાથી બંને બહેનોએ ક્યારેય કલ્પ્યુ ન હોય તેવું બ્રહ્મજ્ઞાન આપ્યું કે 'મારી વહાલી દિકરીઓ તમારા પગમાં પડેલા ફોલ્લા ચાલવાથી નહીં પણ નહીં ચાલવાથી પડયા છે.'

આપણા જીવનમાં આવું જ તો છે ને ? આપણે જેને આપણી પીડા, દુ:ખ અને તણાવ માનીએ છીએ તે હકીકતમાં કંઇક કર્યાના કારણે નહીં પણ કંઇક નહીં કર્યાને લીધે હોય છે. સાચુ જ્ઞાન સ્મરણમાં જ નથી. વિસ્મરણમાં પણ છે. શિખવામાં જ નથી ભૂલવામાં પણ છે. તમે ભલે બધા જ્ઞાન કે વિષયોને હસ્તગત ન કરી શકો પણ તમારૂ જીવન ઉન્નત કઇ રીતે બને તેનું ડહાપણ તો હોવું જ જોઇએ. તમે કુટુંબ, સંસાર અને સમાજના પ્રભાવ કે ઉશ્કેરણીમાં આવ્યા વગર તમારૂ હિત જૂઓ.

વિદ્યા અને જ્ઞાન અજવાળામાં જ લઇ જાય છે તેવું નથી. જો તેમ જ હોત તો સાક્ષરતાનો દર વધ્યો હોઈ વિશ્વ આ હદે કલુષિત ન બન્યું હોત. વિદ્યા અને જ્ઞાન અંધકારમાં પણ લઇ જાય છે તે તામ્રપત્ર પર લખી રાખીને ઘરના દિવાલ પર લટકાવી દો ! ડહાપણ, વિવેક અને ઉત્કર્ષની દ્રષ્ટિ જ જ્ઞાન અને શિક્ષણના માપદંડો છે. આત્મતત્વના જોડાણ વગરનું બધુ અર્થહીન છે.'

(વિચારબીજ : ઇશોપનિષદ, શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ)

જ્ઞાન પોસ્ટ

રિશ્તે કભી જિંદગી કે સાથ નહીં ચલતે... રિશ્તે તો એક બાર બનતે હૈ ફિર 'જિંદગી' રિશ્તો કે સાથ ચલતી હૈ