Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : GSTV Shatrang: When to stop, how to survive

GSTV શતરંગ: ક્યારે અટકવું, કેવી રીતે ટકવું 

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: ક્યારે અટકવું, કેવી રીતે ટકવું 
સોર્સ : GSTV

- હોરાઈઝન

App Store

- ભવેન કચ્છી

તાજેતરમાં સંગીત જગતમાં એક એવા સમાચાર આવ્યા જેણે સૌને ચોંકાવી દીધા. માત્ર ૩૯ વર્ષની ઉંમરે, જ્યારે કારકિર્દી શિખર પર હોય, ત્યારે ગાયક અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી. બીજી બાજુ, આપણી નજર સમક્ષ ૮૩ વર્ષના અમિતાભ બચ્ચન છે, જે આજે પણ રાત્રે મોડે સુધી શૂટિંગ કરે છે અને 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર યુવાનોને શરમાવે તેવી ઊર્જા સાથે દોડે છે.

આ બે છેડા આપણને એક ગંભીર વિચાર કરવા મજબૂર કરે છે : શું જીવનમાં વહેલી નિવૃત્તિ લઈ લેવી જોઈએ, કે પછી છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહેવું જોઈએ?

અરિજિત સિંહનું ૩૯ વર્ષની વયે નિવૃત્તિનું વિચારવું એ આજના 'રૅટ રેસ' (ઉંદરદોડ) ના જમાનામાં એક ક્રાંતિકારી પગલું લાગે છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં વધુ ને વધુ મેળવવાની લાલસા ક્યારેય અટકતી નથી. અરિજિત કદાચ એ સત્ય સમજી ગયા છે કે 'સફળતા' અને 'શાંતિ' વચ્ચે પાતળી રેખા છે.

અરિજિત સિંઘની પ્લે બેક ગાયક તરીકે વહેલી નિવૃત્તિ પાછળના મુખ્ય કારણો અંગે અવનવી અટકળો થાય છે. જેમાં સૌથી મહત્ત્વનું કારણ એ મનાય છે કે પ્લે બેક ગાયક તરીકે તો તેને ફિલ્મના દ્રશ્ય કે સંગીત નિર્દેશક કહે તે રીતે ગાવું પડે છે જ્યારે અરિજિતે ક્ષેત્ર સન્યાસ નથી લીધો પણ તે પોતે તેની કંપોઝ કરેલ ધૂન કે પછી અન્ય સંગીતકારના નિર્દેશન હેઠળ હોય તો પણ ગેર ફિલ્મી પ્રોજેક્ટ હોઈ મુક્ત રીતે અને સમજૂતી તેમજ સંકલન સાધી ગીતો અને આલબમ તૈયાર કરી શકે.

દરેક ક્ષેત્રના નોકરિયાત કે કરાર બદ્ધ સર્જકોમાં એવો ખટકો હોય છે કે તે પોતાની પાસે વિપુલ પ્રતિભા અને વૈવિધ્ય છે તેવું સર્જન કરવા માટે મુક્ત નથી. પૈસા રળવા તેના માલિક કહે તેમ સર્જન કરીને જીવન વીતાવીએ છીએ. પણ અરિજિત જેવી હિંમત અને આત્મવિશ્વાસ અને તેથી પણ વિશેષ સંતોષ તેમજ આદ્યાત્મિક કક્ષા બધામાં વિસ્તરેલી નથી હોતી.

ઘણાં આ રીતે નિવૃત્તિ લેનારા વહેલા પરિવાર અને પોતાની જાત સાથે સમય વિતાવવા પણ માંગતા હોય છે. કેટલાકને  સતત લાઈમલાઈટમાં રહેવું માનસિક રીતે થકવી નાખે છે. પોતાના ક્ષેત્રમાં પ્રયોગત્મક કઈંક કરવા માંગે છે. પ્રકૃતિ વચ્ચે દૂર  રહીને લકી અલી જેવા પણ છે જેઓ સર્જન, વ્યવસાય અને નિજાનંદનું સંયોજન કરે છે. અરિજિતનો નિર્ણય એ વાતનો પુરાવો છે કે જો તમારી પાસે પૂરતું આર્થિક પીઠબળ હોય અને આંતરિક સંતોષ હોય, તો 'બસ' કહેતા આવડવું જોઈએ.

 બીજી તરફ 'બિગ બી' છે. જે ઉંમરે લોકો લાકડીના ટેકે ચાલતા હોય અથવા બગીચામાં બેસીને જૂની વાતો યાદ કરતા હોય, તે ઉંમરે બચ્ચન સાહેબ નવા પડકારો ઝીલે છે. તેમના માટે કામ એ માત્ર પૈસા કમાવવાનું સાધન નથી, પણ જીવવાનું કારણ છે. સતત કાર્યરત રહેવાથી મગજ તેજ રહે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ દૂર રહે છે.  કામના બહાને તેઓ નવી પેઢી સાથે જોડાયેલા રહે છે. આ ઉપરાંત સવારે વહેલા ઉઠવું, તૈયાર થવું અને સમયસર પહોંચવું એ જીવનને એક માળખું આપે છે. તેનું સ્વાસ્થ્ય પણ આ કારણે સારું રહે છે.

જો કે અમિતાભ અરિજિતની જેમ તેની રીતનો ગમતો અભિનય કે નિર્માણ નથી કરી શકતા. આમ છતાં મેક અપ, યંત્રવત સેટ, ભૂમિકા, લાઈટ, એક્શન તેમને આ ઊંમરે થકવી કે કંટાળો નથી આપી શકતા.

પરંપરાગત રીતે નિવૃત્તિ એટલે 'કામ બંધ કરી દેવું'. પણ આધુનિક યુગમાં નિવૃત્તિનો અર્થ બદલાયો છે. હવે તે 'તમને ગમતું કામ કરવાની આઝાદી' છે.

આપણે અરિજિતની જેમ ૩૯ વર્ષે નિવૃત્ત થવું જોઈએ કે બચ્ચનની જેમ ૮૩ વર્ષે કામ કરવું જોઈએ? જવાબ આપણી માનસિકતામાં છે.

(૧.) જો તમારે વહેલા નિવૃત્ત થવું હોય, તો ‘FIRE' (Financial Independence, Retire Early)  ના સિદ્ધાંતને અપનાવવો પડે.

(૨) પેન્શન નહીં, પૅશન : જો તમારું કામ તમારું પેશન છે, તો તમને ક્યારેય કામનો થાક લાગશે નહીં. અમિતાભ બચ્ચન માટે અભિનય એ શ્વાસ લેવા જેવું છે.

(૩) સ્વાસ્થ્ય : જો શરીર સાથ ન આપે તો ૪૦ વર્ષે પણ તમે નિવૃત્ત છો, અને જો તમે ફિટ હોવ તો ૯૦ વર્ષે પણ તમે યુવાન છો.

જીવન એ કોઈ રેસ નથી કે જેમાં તમારે વહેલા ફિનિશ લાઇન પર પહોંચી જવું પડે, કે નથી એવો રસ્તો કે જેના પર તમારે થાક્યા વગર દોડયા જ કરવું પડે.

તમારે નક્કી કરવાનું છે કે તમારી 'ખુશી' શેમાં છે : પહાડોની શાંતિમાં ગીત ગણગણવામાં, કે કેમેરાની સામે લાઈટ્સ વચ્ચે ડાયલોગ બોલવામાં? ગમે તે રસ્તો પસંદ કરો, બસ એ ખાતરી કરજો કે જ્યારે તમે પાછું વળીને જુઓ, ત્યારે અફસોસ ન હોય.

આજના સમયમાં એક નવો ટ્રેન્ડ પણ  જોવા મળે છે જે અરિજિત અને બચ્ચન - બંનેની વચ્ચેનો માર્ગ છે. વ્યવસાયી લોકો કે સર્જક ૫૦  વર્ષની ઉંમરે કોર્પોરેટ જગત છોડી દે છે, પણ સાવ નવરા બેસવાને બદલે ખેતી, લેખન અથવા સામાજિક સેવા જેવા કાર્યોમાં જોડાય છે.

.. અને છેલ્લે 'અભી તો મૈ જવાં હું' અમિતાભ બચ્ચનનું  કર્મયોગ વિશે માનવું છે કે  'જ્યાં સુધી મારા શરીરમાં શ્વાસ છે અને મારું મન સાથ આપે છે, ત્યાં સુધી હું કામ કરતો રહીશ. મારા માટે કામ એ કોઈ બોજ નથી, પણ જીવવાનું કારણ છે. જે દિવસે હું કામ કરવાનું બંધ કરી દઈશ, તે દિવસે હું ખરેખર વૃદ્ધ થઈ જઈશ.'

૯૫ વર્ષીય અબજોપતિ વોરેન બફેટના વિચારો છે કે 'હું રોજ સવારે પથારીમાંથી કૂદીને કામ પર જાઉં છું, કારણ કે મને જે ગમે છે તે જ હું કરું છું. જો તમે તમારું મનપસંદ કામ કરી રહ્યા હોવ, તો નિવૃત્તિનો વિચાર ક્યારેય આવતો નથી. 

સ્વ. રતન ટાટા તેમના વક્તવ્યમાં કહેતા કે  'લોખંડને કોઈ નષ્ટ કરી શકતું નથી, પણ તેનો પોતાનો કાટ જ તેને ખાઈ જાય છે. તેવી જ રીતે માણસને કોઈ હરાવી શકતું નથી, પણ તેની પોતાની માનસિકતા તેને નિવૃત્ત કે નકામો બનાવી દે છે. હંમેશા કંઈક નવું શીખતા રહો.'

 આજે પણ ૯પ વર્ષીય વયોવૃદ્ધ ક્લીન ઇસ્ટવુડ હોલીવુડમાં ફિલ્મનું અભિનય, નિર્માણ અને  નિર્દેશન કરે છે. તેમનું નિવૃત્તિ અંગેનું જાણીતું વાક્ય 

'જ્યારે લોકો મને પૂછે છે કે તમે આટલી ઉંમરે પણ કેવી રીતે કામ કરી શકો છો, ત્યારે મારો એક જ જવાબ હોય છે: 'હું મારા દરવાજે પેલા ડોસાને (વૃદ્ધત્વને) ક્યારેય અંદર આવવા દેતો નથી!''

અરિજિત સિંહ આપણને શીખવે છે કે 'ક્યારે અટકવું' અને અમિતાભ બચ્ચન શીખવે છે કે 'કેવી રીતે ટકવું'. આદર્શ સ્થિતિ એ છે કે આપણે કામ એ રીતે કરીએ કે તે બોજ ન લાગે, અને નિવૃત્તિ એ રીતે લઈએ કે તે કંટાળો ન બને.

જ્ઞાન પોસ્ટ  

આપણે ક્યારેય  હેતુ વગરનું જીવન વિતાવતી એમ જ જીવન વેડફતી  નિવૃત્તિ નથી લેવાની. પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ અને નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ તેવો આનંદ આપે તેમ કાર્યની પસંદગી કરવાની છે. નિવૃત્તિ   કામનો અંત નથી, પણ કામના સ્વરૂપનું પરિવર્તન છે.