Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / ભવન કચ્છી : GSTV Shatrang: What will the next two and a half decades of the world be like?

GSTV શતરંગ: વિશ્વનો આગામી અઢી દાયકો કેવો હશે?

Timeછેલ્લું અપડેટ : 23 Nov 2025
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ: વિશ્વનો આગામી અઢી દાયકો કેવો હશે?
સોર્સ : GSTV

- હોરાઈઝન

App Store

- ભવેન કચ્છી

'લિંકડઈન' દર વર્ષના અંત અગાઉ ૨૧મી સદીના આગામી વર્ષો અને દુનિયા કેવી બદલાયેલી હશે તે જાણવા વિશ્વના ટોચના જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો, સી. ઇ.ઓ અને સંશોધકો પાસેથી મંતવ્યો મંગાવતું હોય છે. આ કોઈ જ્યોતિષીઓની આગાહી નથી હોતી પણ જે ગ્રાઉન્ડ લેવલ પર હાલ દિશા કે આકાર પામી રહેલું છે તેનો આધાર લઈને ભાવિ દુનિયા અને જનજીવન, જનમાનસ અંગેનું અનુમાન છે.

આવા દસ નિરીક્ષણો પર ઊડતી નજર ફેંકીએ.

(૧) ઓફિસમાં હાઈબ્રીડ કલ્ચર રહેશે (૨) કંપનીઓ તેમની પ્રોપર્ટીની ખાસ જરૂર નહીં રહે તેથી વેચવા કાઢશે (૩) જુદી જુદી સેવાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એ.આઇ.) હાજર રહેશે (૪) સ્ટાર બેઝડ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે (૫) પડકારો છતાં અર્થતંત્ર ઝીંક ઝીલશે, અંધાધૂંધી નહીં ફેલાય (૬) ઈ કોમર્સ ૨૫ ટકા રહેશે, શોપિંગ મોલ અને રિટેલ બીઝનેસ પણ ચાલશે (૭) ઘર, સોસાયટીમાં તેમજ અને કોમ્યુનિટી બનાવીને ખેતીનો ખ્યાલ વિક્સશે (૮) ક્રીપ્ટો કરન્સી પ્રચલિત બનશે (૯) હેલ્થ સ્ટાફની તીવ્ર અછત સર્જાશે. રોબોટ વિકલ્પ બનશે (૧૦) શાળા કોલેજના વર્ગ ખંડની બહાર વૈશ્વિક અને વર્ચ્યુઅલ કે ઓનલાઇન શિક્ષણ વધુ વ્યાપક બનશે. આ દસ અવલોકનો ઉપરાંત હવે તેમાં બીજા અવલોકનો  પણ કેટલાક નિષ્ણાતો અને દ્રષ્ટાઓએ ઉમેર્યા છે જે પણ જોઈએ. સળંગ જોઈએ તો ૧૧મો પણ ફરી એકથી દસ નંબર જ આપીશું.

૧. વાહનોની ઇલેક્ટ્રિક બેટરીનું મટીરીયલ જ ખૂટી પડશે:    

આગામી દાયકાઓમાં તમામ વાહનો ઇલેક્ટ્રિક બની જશે જે બેટરીથી ચાલતા હશે. પણ આવા અબજો વાહનો માટેની બેટરીઓ જેમાંથી બને છે તે કોબાલ્ટ, નિકલ અને મેન્ગેનેઝ જેવી ધાતુ જ ખૂટી પડશે આવે વખતે કટોકટી ન સર્જાય તે માટે અત્યારથી એવું સંશોધન થઈ ચુક્યું છે કે બેટરી પોલીમેટાલિક નોડયુલ નામની ધાતુમાંથી બની શકે. આ કુદરતી ધાતુ ક્યાંથી પ્રાપ્ત થઇ શકે તેના સગડ અત્યારથી જ પ્રાપ્ત થઇ ગયા છે.

હવાઈ અને મેક્સિકો વચ્ચેના પેસિફિક સમુદ્રમાં ૧૭ લાખ ચોરસ માઇલ વિસ્તાર કે જે ''કલેરીઓન - કલિપર્ટોન ઝોન'' તરીકે ઓળખાય છે તેના ત્રણ માઈલ ઊંડે જઈએ તો બટાટાના કદના ધાતુના ટુકડા લાખો વર્ષથી ધરબાયેલા છે. આવા વિશ્વના અન્ય સમુદ્ર વિસ્તારના પેટાળની પણ શોધ થઈ રહી છે. 

૨. લેબોરેટરીમાં માંસાહાર અને બિયોન્ડ મીટ જેવા ખાદ્ય પદાર્થ બનશે: 

વિશ્વમાં પશુ પંખીને મારી નાંખી જે માંસાહાર થાય છે તેને લીધે વાયરલ તેમજ અન્ય બીમારી વધતી જશે અને નાગરિકોમાં જાગ્રતતા કેળવાશે. વેજ અને વિગન વ્યાપ વધશે. ફેશન અને ટ્રેન્ડ પણ બની જશે. જીવ દયાની રીતે તેમજ ચિકન, મટન અને માંસાહાર વાનગી કેવી ક્રૂર અને આરોગ્યને માટે જોખમકારક રીતે  પ્રક્રિયામાંથી પસાર થઈને બને છે તે સોશિયલ મીડિયામાં રજૂ થતું રહેશે. આના વિકલ્પ તરીકે માંસાહારી નાગરિકો જ લેબોરેટરીમાં અદ્દલ સ્વાદ અને આરોગવાની રીતે  માંસાહારી જ લાગે તેવું લેબમાં બનેલું માંસ કે ચિકન પસંદ કરશે. એવા વનસ્પતિ, કંદ, મૂળ પણ  શોધાયા છે કે જે માંસાહારીને ભોજનનો સંતોષ આપે. લેબ મીટ, પ્લાન્ટ કે બીયોન્ડ મીટ અપનાવાશે.  

૩. સખાવત અને ચેરિટીનો અભિગમ વધશે: 

કોર્પોરેટ જગત તેની સામાજિક પ્રદાનની જવાબદારી વધુ સારી રીતે નિભાવશે. વ્યક્તિ, વ્યક્તિ સમૂહ, શ્રીમંતો,  સહકારી વિભાગ અને કોર્પોરેટ જગતની સમાજને, તેના દેશને, તેના વતનને પરત આપવાની(ગીવિંગ બેક ટુ સોસાયટી) ભાવના વધુ પ્રબળ બનશે. શ્રીમંત વ્યક્તિ કે કોર્પોરેટ જૂથ સમક્ષ કોઈ માનવીય અભિગમ સાથેનો પ્રોજેક્ટ મુકાશે અને તેઓને તે ગળે ઉતરશે તો મોટું અનુદાન કે જગ્યા ફાળવશે.

૪. વ્યક્તિ એક કરતા વધુ નોકરી કરતી હશે:  

વ્યક્તિ અને પરિવારની જરૂરિયાતો વધશે. તેઓ ગુણવત્તાસભર જીવન પસંદ કરતા હશે. મનોરંજન, પ્રવાસ, શિક્ષણ, ફેશન, ગેજેટ્સ, શોપિંગ અને ભોજન માટે બજેટ વધતું રહેશે. તો બીજી તરફ મોંઘવારી પણ રહેવાની જ. વ્યક્તિ આ કારણે એક કરતા વધુ જોબ કરશે. અમુક કલાક નોકરી કરે અને અમુક કલાક કમાણી માટે બીજી કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ કે ધંધો કરશે. નોકરી માટે આઠ કલાક ઓફિસ જવું પડે, ઓફિસના સ્થળે જવા આવવા એક બે કલાક આપવા પડે તેને પસંદ નહીં કરે. તેના કરતાં ઓનલાઈન, વર્ક ફ્રોમ હોમ અને અમુક કલાક ધંધા, તેના હુંનર કે દુકાન માટે બહાર જવાનું પસંદ કરશે. જે કંપનીમાં જોબ કરતા હશે તેઓ પણ હવે અમારા હરીફ સિવાય અન્ય જે આર્થિક કમાણી માટે નોકરી કે ધંધો કરવો હોય તેની છૂટ આપશે.ઘરના બધા સભ્યો કમાણી કરતા હશે. પોતાની રીતે પગભર રહેશે.

૫. સેકન્ડ હેન્ડ બીઝનેસ ધુમ મચાવશે:

વિશ્વમાં આર્થિક રીતે અસમાનતા વધતી જશે. ગરીબ દેશો, અને મધ્યમ વર્ગની વસ્તી વિશ્વની સિત્તેર ટકાથી વધુ હશે. કપડાં, ગેજેટ્સ, ફર્નિચર, વાહનો અને અન્ય જરૂરિયાતો નવી ખરીદવી તેઓને પરવડે નહીં. ઇ કોમર્સ અને ઓનલાઇન સેકન્ડ હેન્ડ ચીજવસ્તુ માટે બે પાર્ટીને ભેગી કરી આપતી એપ પણ મોટી સંખ્યામાં હશે. ઇટાલીની વ્યક્તિ તેની ચીજ ભારતમાં ઇટાનગર જેવા ગામની વ્યક્તિને વેચી શકશે. 

૬. પ્રત્યેક શહેર કે ગામ પ્રવાસન કેન્દ્ર બનવાની યોજના ધરાવશે:

જે તે શહેર કે દેશ માત્ર પરંપરાગત વ્યાપાર, ધંધા કે ઉદ્યોગથી ટકી નહીં પણ શકે કેમ કે ઘણું બધું ઓનલાઇન, એ.આઈ., આધારિત કે ડિજિટલ થઈ ગયું હશે. બીજી તરફ  સ્થાનિક કે બહારના નાગરિકો એકના એક હરવા ફરવાના સ્થળોથી કંટાળીને નવા પ્રવાસન સ્થળો, સભ્યતા, સંસ્કૃતિ અને ફૂડ, ફેશનની શોધ માટે રસ બતાવશે. પ્રત્યેક ગામ, શહેર, રાજ્ય કે દેશના પ્રવાસન સ્થળો જ તેની કમાણીનું સ્ત્રોત્ર બનશે. આપણા તહેવારો, કળા, હુનર, વેશ પરિધાન, સંસ્કૃતિથી પ્રવાસીઓને આકર્ષવા પડશે. જે પ્રવાસન સ્થળો છે તેનો સુવિધા વધારીને પ્રચાર કરવો પડશે.

૭. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં નાગરિકો સ્માર્ટ બનશે:  

સોશિયલ મીડિયાના એક બે હાલના મોટા પ્લેટફોર્મની જગ્યાએ નાના નાના કે અમુક કોમ્યુનીટી પૂરતા પ્લેટફોર્મ આવશે. નાગરિકો સામેથી જ એવા પ્લેટફોર્મમાં  જોડાશે જે દિવસમાં અમુક વખતથી વધુ ખૂલે નહીં કે પોસ્ટ ન કરવા દે. અમુકથી વધુ ફોટા ખેંચવા કે અપલોડ ન કરવા દે.કોઈ વ્યક્તિ, ગ્રુપ કે કંપની તેનું માર્કેટિંગ જ કરતી રહેતી હોય તો તેને નાગરિકો  સમજતા જશે.

૮. માત્ર સુપર રીચની આગવી દુનિયા અને બજાર બનશે: 

સુપર રીચની જેમ મહત્તમ નાગરિકો મોંઘા ગેજેટ્સ, વાહનો, એપાર્ટમેન્ટ, બંગલા, પ્રવાસન સ્થળો, વિમાની પ્રવાસ, રેસ્ટોરાં,હોટેલ, લગ્ન જેવા પ્રસંગો અને શિક્ષણ  માણતા હશે. બેંક લોન, ક્રેડિટ કાર્ડ અને જીવન જીવી  લેવાની વૃત્તિ આ માટે કારણભૂત હશે. આવી પરિસ્થિતિમાં સુપર રીચ વર્ગને તેમનો આગવો અહંકાર ઘવાતો લાગશે. તેઓ એવું ઈચ્છશે કે અમારા જૂજ સિવાય કોઈ અમારા જેવું ખરીદી ન શકે, ભોગવી ન શકે. શ્રીમંતોની પણ પહોંચ બહાર તે હોવું જોઈએ. આ કારણે તમામ ગેજેટ્સ, મોજ શોખ, જીવન શૈલી, વાહનોના મોડેલ અને પ્રસંગો, વિમાન સેવા, કપડાં, રહેવાની અલાયદી કોલોની સુપર રીચની અને પ્રીમિયમ રેંજની પ્રચલિત બનશે.

૯. કેન્સર, ઓટીસમ, સ્કીઝોફ્રેનીયા, અલ્ઝેઇમર જેવી બીમારી પર કાબૂ માટે ભગીરથ સંશોધન: 

ભવિષ્યમાં કોરોના જેવા વાયરસ કેવા હોઇ શકે તેના સંશોધનો અને વેક્સિન પર તો કામ થાય જ છે પણ કેન્સર અને મગજના જ્ઞાનતંતુ આધારિત જે પણ જટિલ બીમારી છે તેને જેનોમ થેરાપી અને ડીકોડિંગથી કાબૂમાં લેવા પર વિજ્ઞાન એડીચોટીનું જોર લગાવી સંશોધન કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૨ના મેડીસીનના નોબેલ પ્રાઇઝ વિજેતા સ્વાન્તે પાબોએ ક્રાંતિકારી સંશોધન કરતા ૪૦,૦૦૦ વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયેલા અને તે વખતે માનવીઓમાં હતા તે નેન્ડરથલ્સ જીન ફોસિલ્સમાંથી શોધી કાઢયા છે. તે ફરી માનવીના જીન માળખામાં દાખલ કરવાથી તેને અસાધ્ય બિમારીથી બચાવી શકાશે. આ ઉપરાંત હાલ લગભગ અસાધ્ય મનાતી બીમારીના વેક્સિન હશે તે પણ હવે બહુ દૂર નથી. અને હા.. 

૧૦. રેન્સમ વોરનો નવો મોરચો:

ઘણા દેશો અન્ય દેશની સંરક્ષણ વ્યૂહ રચના, ફાઈલ, ગુપ્ત ડેટાથી માંડી દેશની જાહેર સંસ્થાઓ, બેન્કો અને સંવેદનશીલ ઓફિસની વેબસાઈટમાં ઘૂસી જાય માહિતી, ડેટા ચોરી લીધે. વાયરસ ઘુસાડશે. હુમલાનો ભોગ બનેલ દેશ તેનો સાયબર મોરચો ઓનલાઇન વોરમાં ઉતારશે. આમ રેન્સમ વોરનો નવો મોરચો ખુલશે. સાયબર ક્રાઇમ માથાનો દુખાવો બનશે.

તો આ હતા આગામી દુનિયાના ટ્રેન્ડ્સ.. એક વાત નક્કી કે વિજ્ઞાન અને જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો અને કોર્પોરેટ જગત માનવજગત બહેતર બનાવવા અને ગુણવત્તા સાથે સુખ આપવા ભણી જ પરિશ્રમ કરે છે અને તેવી ભાવના ધરાવે છે.