Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / અનુરાધા દેરાસરી : Savita Pradhan becomes IAS after overcoming domestic violence

GSTV શતરંગ : ઘરેલુ હિંસાને અતિક્રમીને IAS બની સવિતા પ્રધાન

Timeછેલ્લું અપડેટ : 29 Apr 2026
લાઇવ ટીવીGoogle News
GSTV શતરંગ : ઘરેલુ હિંસાને અતિક્રમીને IAS બની સવિતા પ્રધાન
સોર્સ : GSTV

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

App Store

'હું ભણવામાં ખૂબ હોશિયાર હતી. મારે ડોક્ટર કે આઈએએસ ઓફિસર બનવું હતું, પરંતુ એક અત્યંત ધનિક કુટુંબમાંથી માગુ આવતા, મને ૧૬ વર્ષે પરણાવી દેવામાં આવી. આદિવાસી કોમમાં હું બારમા સુધી ભણેલી એટલે આટલા ધનિક કુટુંબમાંથી લગ્નનો પ્રસ્તાવ આવે તે ખૂબ મોટી વાત હતી. મારા કુટુંબ માટે. આથી ૧૬ વર્ષે લગ્ન થયા અને હું સાસરે ગઈ, કુટુંબીજનોને આશા હતી કે આગળ ભણવા દેશે, ને હું ડોક્ટર બની શકીશ. આ તો સવિતાનું સૌભાગ્ય કહેવાય.

પરંતુ વાત સાવ ઊલ્ટી બની. એ મારા સૌભાગ્યની નહિ પરંતુ મારા દુર્ભાગ્યની શરૂઆત હતી. જેટલુ મોટું સાસરીયાવાળાનું ધનિક કુટુંબ હતું, તેટલું જ. ગરીબ ને સંકુચિત તેમનું દિલ હતું. બીજા જ દિવસથી પતિએ મને બીજા લોકો સમક્ષ ઊતારી પાડવા માંડી. પછી ધીરે ધીરે ગાળાગાળી કરવા માંડી. છતાં હું ચૂપ રહેતી. મારું ભણવાનું સ્વપ્ન તો ક્યાંય રોળાઈ ગયું. એને બદલે સતત ગૃહકાર્ય અને રાત્રે પતિની સેવા દરેક રીતની કરવી પડતી. ત્રણ વર્ષના લગ્ન જીવનના ફળ સ્વરૂપે બે દીકરા થયા. એક ત્રણ વર્ષનો ને બીજો અઢી મહિનાનો.

હવે ઘરેલુ હિંસાનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. મારા પતિ મને મારપીટ પણ કરતા. આખો દિવસ કામ કરતી. પરંતુ મને પૂરતું ખાવાનું પણ અપાતું નહિ. મારા નાના દીકરાને હું દૂધ પિવડાવતી, આથી મારે ખોરાકની જરૂર રહેતી.

આથી હું રોટલીઓ અંડર ગારમેન્ટમાં છુપાવીને બાથરૂમમાં લઇ જઈ ખાઈ લેતી. અને પેટ ભરતી. આમ શોષણ અને ઘરેલુ હિંસા વધી જવાથી, મેં મારા પિતાજીને બોલાવ્યા. તેમણે બધી વાતો સાંભળી, ઘરનો ને સાસરાનો માહોલ જોયો અને સાંજે લેવા આવીશ. એમ કહી ચાલ્યા ગયા.

પિતાજીની સાંજ પડી જ નહિ. એ લેવા આવ્યા જ નહિ. પીયરના બારણા બંધ થયા. એમ હું સમજી ગઈ.

મારપીટ, ગાળાગાળી, નોકરો જેવી વર્તણુંક વધતી ચાલી. અને ઘરેલુ હિંસા સહન કરવી માટે માટે અસહ્ય થઈ પડી આથી મેં આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. મને કોઈ બીજો રસ્તો દેખાતો જ નહતો.

એ દિવસે બપોરે કામ પતાવી, મારા બે દીકરાઓને સૂવાડયા, માથા પર ચૂમી ભરી વ્હાલ કર્યું અને પંખા નીચે સ્ટૂલ મૂકી સાડી બાંધી હું ફાંસો ખાવાનો પ્રયત્ન કરતી હતી ને મારા સાસુ બારી પાસેથી પસાર થયા, એમણે જોયું કે હું આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છું, પણ મને રોકવાને બદલે આંખ આડા કાન કરી જતા રહ્યા.

અને મને ખ્યાલ આવ્યો અને સમજ પડી કે હું આવી વ્યક્તિઓ માટે મારો જાન આપી રહી છું કે જેને મારી કદર જ નથી. એના કરતા ગમે તે રીતે આગળ ભણું અને અહીંથી ભાગી જવું અને મારા દીકરાઓને પણ સાચવું અને ભણાવું. આમ કાયર ના બનાય અને નિરાશ ન થવાય.

બસ એમ વિચારીને મેં મારા એક સગાને ત્યાં હંગામી રહેવાની વ્યવસ્થા કરી અને આગળ ગમે તેટલી મુશ્કેલીઓ આવે તે પડકાર ઝીલી અને આગળ ભણીશ એ નિર્ણય કરી, બે દીકરાઓને લઇને મારા સગાને ત્યાં હું ભાગી ગઈ. મારું સાસરું છોડી ભાગી ગઈ અને મારા સગાને ત્યાં રહેવા લાગી.' આ અત્યંત દુ:ખભરી અને સંઘર્ષભર્યા શબ્દો છે, આઈએએસ ઓફિસર સવિતા પ્રધાનના.

સંઘર્ષોની માળાઓ પહેરી, સવિતા પ્રધાન મધ્ય પ્રદેશના સાંગરોલી શહેરની આઈએએસ ઓફિસર એટલે કમિશ્નર બની. આ આઈએએસ ઓફિસરની શરૂઆતની કહાની તેની જ જુબાની. થોડી વધુ વિગતવાર સવિતા પ્રધાનની વાતો પર ફોકસ કરીએ.

સવિતાનો જન્મ મધ્ય પ્રદેશના એક નાના ગામમાં આદિવાસી જેવી પછાત કોમમાં થયો. સ્થિતિ અત્યંત ગરીબ પણ માતા-પિતાએ દસમી સુધી ગામની શાળામાં ભણાવી. અને પાસેના ગામની સરકારી શાળામાં દાખલ કરી અહીં સવિતા ચાલીને જતી કારણ કે, તેની પાસે બસના બે રૂપિયા પણ ન હતા. ૭ કિ.મી. જવાનું ને ૭ કિ.મી. આવવાનું રોજ ૧૪ કિ.મી. ચાલતી. પરંતુ ભણવાનીને, ડોક્ટર બનવાના સ્વપ્નએ તે આ મુશ્કેલીને ગણકારતી નહિ. માતાએ તેના સપોર્ટ માટે એ ગામમાં જ નોકરી લીધી. રસ્તો સરળ બન્યો, પરંતુ ૧૬ વર્ષે લગ્ન થઈ ગયું.

પછીની કહાની તો સવિતા પ્રધાનના શબ્દોમાં જોઈ, હવે તે ભાગીને, સગાને ઘેર આવી, પછી આગળ.....

સવિતા પ્રધાન મક્કમ મન, દ્રઢ આત્મવિશ્વાસ અને મનોબળ સાથે જ આવી હતી કે, મારા જીવનમાં અનેક સંઘર્ષો આવશે જ. પરંતુ મારે ભણીને સારી પદવી મેળવવાની છે, અને મારા બાળકોને એકલે હાથે ઉછેરવાના જ છે. કોઇ મદદ કરવા આવવાનું નથી.

બસ શરૂ થઈ સવિતા પ્રધાનની એકલ વીરાંગના તરીકેની સંઘર્ષ યાત્રા.

સવિતાએ કોલેજનું ભણવાનું શરૂ કર્યું સાથે નાની મોટી નોકરી જેવી કે ટયુશનો, બ્યુટી પાર્લરમાં, હંગામી ઓફિસ વર્ક દરેક જાતના કામ શરમ વગર કરતી ગઇ અને બાળકોને ઉછેરતી ગઈ. કોલેજનું ભણવાનું પણ ચાલુ રાખ્યું.

પરંતુ પતિ તરફથી હજુ પણ ઘરેલુ હિંસા અટકી નહીં. પતિ સવિતા જ્યાં રહેતી હતી ત્યાં આવીને પીને મારપીટ કરતો. બે દીકરાઓ અને આસપાસના લોકો આ તમાશો જોતા.

એક વખતની ઘટના યાદ કરતા સવિતા પ્રધાન કહે છે કે, 'મારે વાર્ષિક પરીક્ષા હતી. હું એ દિવસના પેપરનું વાંચી રહી હતી અને પતિએ આવીને ગાળાગાળી શરૂ કરી. મેં ધ્યાન ના આપતા, ચોકડીમાં પડેલી બાલ્દી (ડોલ) લઇ તેમાં પેશાબ કરી મારા પર ઢોળ્યો. મારે તરત બે કલાકમાં પરીક્ષાનું પેપર હતું. કોઇ દલીલબાજી કરવાનો સમય ન હતો. જલ્દી કપડા બદલી, કઠણ મન કરી, બધું ભૂલી જઈ, એકાગ્રતા લાવી હું પરીક્ષા આપવા ગઈ.'

આનાથી વધારે સંઘર્ષભરી પરિસ્થિતિ કોઇ સ્ત્રીના જીવનમાં કઇ હોઇ શકે ? સવિતા પ્રધાનને સલામ !

આમ સંઘર્ષની સીડી ચડતા, ચડતા સવિતા પ્રધાન સ્નાતક થઇ પછી રાજ્ય કક્ષાની સરકારી પરીક્ષા આપી સરકારી ઓફિસર બની. આ ઉપલબ્ધિ માટે મધ્ય પ્રદેશ સરકારે સવિતા પ્રધાનને રૂ. ૭૫,૦૦૦ની છાત્રવૃત્તિ આપી.

જેમાંથી સવિતા પ્રધાને યુપીએસસીની પરીક્ષા (સિવીલ સરવીસ) આપી અને પહેલી જ ટ્રાયલે તે પાસ થઈ ગઈ અને મધ્ય પ્રદેશના સાંગરોલીમાં આઇએસ ઓફિસર તરીકે નિમણુંક થઈ.

હાલમાં આ જ શહેરમાં કમિશ્નર તરીકે સવિતા પ્રધાન સેવાઓ આપી રહી છે.

સવિતા પ્રધાન મહિલાઓને સંદેશ આપે છે કે : 'ઘરેલુ હિંસાના ભોગ બનો તો ડટકર તેનો સામનો કરો અને જીવનમાં આગળ વધો. પુરૂષો કે કોઈપણ સાસરીયા કે સમાજની વ્યક્તિઓને સ્ત્રીઓ પર ઘરેલુ હિંસા કરવાનો હક્ક નથી હોતો.'