Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV શતરંગ / અનુરાધા દેરાસરી : Gauri Nayak, known by the nickname 'Lady Bhagirath'

Gstv શતરંગ : 'લેડી ભગીરથ'ના હુલામણા નામે જાણીતી ગૌરી નાયક

Timeછેલ્લું અપડેટ : 07 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Gstv શતરંગ : 'લેડી ભગીરથ'ના હુલામણા નામે જાણીતી ગૌરી નાયક
સોર્સ : GSTV

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

App Store

- મુશ્કેલીઓને પણ અવસરમાં ફેરવી શકે, તેવી નારાયણી શક્તિ ધરાવનાર મહિલાઓને કુદરત પણ મદદ કરે છે

'તા રી હાક સુણી કોઈના આવે તો તું એકલો જાને રે...' કવિવર રવિન્દ્રનાથજીનો આ બંગાળી કવિતાનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ કર્યો. જીવનમાં મુશ્કેલીઓને પચાવી ચાલનારા એકલવીર અથવા વીરાંગના જૂજ હોય છે.

આજે વાત કરવી છે એવી એક એકલવીર વીરાંગનાની જેણે જાણે આ કવિવરની કવિતાને આત્મસત કરી, જીવન જીવી બતાવ્યું અને કર્ણાટક એન હવે આખા ભારતમાં આધુનીક યુગની 'લેડી ભાગીરથ'નું બીરુદ મેળવ્યું.

અત્રે યાદ આપવું જરૂરી છે કે, આપણા જૂના ગ્રંથો પ્રમાણે રાજા ભાગીરથે ગંગાને સ્વર્ગમાંથી જમીન પર ઉતારી.

કર્ણાટકની આ ગ્રામ્યનારીએ પાતાળમાંથી પાણી કાઢ્યું અને પોતાના ખેતરો અને આસપાસના ખેતરો, તેમજ આંગણવાડીના બાળકોને પાણી પૂરું પાડયું.


આ 'લેડી ભાગીરથ'નું નામ ગૌરી નાયક. ગૌરી નાયક કેમ આધુનીક 'લેડી ભાગીરથ' કહેવાઈ, તેની વાત કંઇક આમ છે.

કર્ણાટકના સીરસી ગામમાં ગૌરી નાયક, તેના પતિ અને બે બાળકોનું કુટુંબ રહે આર્થિક સ્થિતિ અતિ સામાન્ય. થોડા વીઘા ખેતર, તેમાં, પતિ ખેતી કરે અને ગૌરી છૂટક મજૂરી કરે. સંસારનું ગાડુ ગબડે રાખતું હતું. તેમાં તેના પતિનું મૃત્યુ થયું. ગૌરી પર આભ તૂટી પડયું. બે બાળકોનો ઉછેર ઘર સંભાળવાનું.

ગામમાં ગૌરીને બધા બિચારી બાપડી નબળી મહિલા માનવા લાગ્યા. પરંતુ ખરેખરી કહાની હવે જ શરૂ થાય છે.

ગૌરીએ શોકને બાજુએ મૂક્યો. બે સંતાનોના ભવિષ્ય માટે તેણે સવારના ને સાંજના ભાગમાં મજૂરી શરૂ કરી દીધી ને દિવસ દરમ્યાન થોડા વીઘાની ખેતી સંભાળી લીધી. ખેતીમાં પામ, કેળા અને સોપારીની ખેતી કરવાનું નક્કી કર્યું.

પરંતુ સમસ્યા એ આવી કે જાન્યુઆરી, ફેબુ્રઆરીમાં પાણીનો પૂરવઠો ખૂટી પડયો. ગૌરીનો પામ, કેળ અને સોપારીના પાકને પાણી કેવી રીતે મળે ? એ મહાપ્રશ્ન સર્જાયો અને જો પાણી ના મળે તો બધા જ પાકો સૂકાઈ જાય તો આર્થિક સંકટ આવી પડે. બાળકોને ભણાવવાથી માંડી, છેક સુધીનો પ્રશ્ન ઊભો થાય. આથી ગૌરી નાયકે નક્કી કર્યું કે ગમે તે રીતે પાણીની વ્યવસ્થા કરવી.


અહીં થોડો ભૂતકાળના ફ્લેશ બેકમાં જઇએ

ગૌરી ધોરણ બે સુધી જ ભણેલી. ભણેલી ઓછું પરંતુ તેનો એક બહાદુરીનો ગુણ આગવો. છોકરાઓ જે કામ ના કરે તે, ગૌરી છોકરી થઇને કરે. ગામને છેવાડે આવેલા ફળોના ઊંચા ઊંચા વૃક્ષો પર પટ દઇને ચડી જાય, જ્યાં છોકરાઓ પણ ચડતા ડરે. એવા ઊંચા ઊંચા વૃક્ષો પર જરાય ડર્યા વગર ચડી જાય અને ફળો લઇ આવી બધાને આપે.

ફરી વર્તમાન તરફ ફ્લેશ બેક...

જ્યારે તેના ખેતરો માટે પાણીનો પ્રશ્ન સર્જાયો ત્યારે તેના નીડર અને બહાદુરીના સ્વભાવે વિચાર્યું કે જો કૂવો ખોદીને પાતાળમાંથી પાણી કાઢવામાં આવે તો તેના ખેતરોના પાકને પાણી મળી જાય.

બીજે દિવસે સવારે મજૂરી કરીને આવીને ગૌરીએ નક્કી કર્યું કે તેના ઘર અને ખેતર વચ્ચે જાતે પાતાળ કૂવો ખોદવો. અને તે સાદા ઘરમાં પડેલા ઓજારો ત્રીકમ, પાવડો અને તગારું લઈને ઉપડી. જમીનની જગ્યા જોઈ તેણે કૂવો ખોદવાનું કર્યું. ના કોઈ ભૂસ્તર શાસ્ત્રીની મદદ લઇ જમીનનું બંધારણ જાણવાનો પ્રયત્ન કર્યો કે ના કોઈ બ્રાહ્મણને પૂછી મૂર્હત જોવડાવ્યું.

બસ જગ્યા નક્કી કરી પોતાના ઘરેલુ ઓજારોથી ખોદકામ શરૂ કર્યું. ગૌરી દિવસના ૬ કલાક સતત કામ કરતી. સવારે આંગણવાડીમાં જતી દિવસ દરમ્યાન કૂવાનું ખોદકામ અને સાંજે છૂટક મજૂરી.

ઘરેલુ ઓજારો વડે ગૌરી ખોદકામ કરતી માટી નીકળે તે યોગ્ય જગ્યાએ ઢગલો કરતી. ગૌરી નાયકે ના કોઈ માણસ ના કોઈ અદ્યતન સાધન કે ના કોઈ સરકારી લાભનો સપોર્ટ લીધા વગર એકલે હાથે કૂવો ખોદવા માંડયો.

ગૌરી નાયકને ઘણી સામાજીક અને સરકારી મુશ્કેલીઓ નડી. શરૂઆતમાં અચરજથી ગામ લોકો જોતા. પછી ગૌરીને પાગલ છે તેમ કહી મશ્કરી કરતા, કોઈ કાંકરી ચાળો પણ કરતા પરંતુ ગૌરીએ તે તરફ ધ્યાન ન આપ્યું. 

વચ્ચે સરકારી ઓફિસરો કામથી નીકળ્યા ત્યારે પરમીશન લીધા વગર ખોદકામ કેમ કરે છે તેવા પ્રશ્નો ઉભા કર્યા અને કૂવાનું ખોદકામ અટકાવી દીધું. પરંતુ સમજાવટથી ગૌરીએ પાછું ખોદકામ શરૂ કર્યું.

શારિરીક રીતે પણ જેમ જેમ ખોદકામ ઊડું થતું જાય તેમ તેમ માટી ઉપર લાવવી તે ખૂબ મહેનતનું કામ હતું પરંતુ તે પણ જરાય ધીરજ ગુમાવ્યા વગર કે થાક્યા વગર ગૌરીએ કર્યું.

અને...અને... ૬ મહિનાની કાળી મહેનતે ગૌરીએ ૬૦ ફૂટ ઊંડો કૂવો ખોદ્યો અને પાતાળમાંથી પાણીનો સ્વચ્છ ઝરો ફૂટયો અને કૂવો પાણીથી ભરાઈ ગયો.

આમ આધુનીક કળયુગની લેડી ભાગીરથે પાતાળમાંથી પાણી કાઢ્યું અને પાઈપ વાટે તેના ખેતરના પાકો એરીકા પામ, કેળના વૃક્ષો ને સોપારીના વૃક્ષોને આપ્યું અને ગૌરી નાયકના ખેતરો હરિયાળા બની ગયા અને તેમનો તેમજ આસપાસના લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો.

આ પછી ગૌરી જે આંગણવાડીમાં કામ કરતી હતી ત્યાં પાણી બાળકો માટે દૂર લેવા જવું પડતું આથી ઘણીવાર બાળકોને વધારે વરસાદ તાપ ને ઠંડીમાં પાણી વગર તરસ્યા બેસી રહેવું પડતું.

ઓછું ભણેલી ગૌરી નાયક પાણીનું મહત્વ જાણતી હતી, આથી તેણીએ ૭૫ ફૂટ ઊંડો કૂવો બાળકો માટે ખોદ્યો અને બાળકોને પાણી મળવા લાગ્યું.

બે બે પાણીના કૂવા જાતે ખોદવાની હિંમત કરનાર ગૌરી નાયકની વાત એટલું જ કહી જાય છે કે 'મુશ્કેલીને પણ અવસરમાં ફેરવી શકે તે મહિલાની નારાયણી શક્તિ' સેલયુટ ટુ ગૌરી નાયકા સો સો બહાદુરીને સલામ !