VIDEO: વ્હીલચેર અને સ્ટ્રેચર પાણીમાં ખેંચવા મજબૂર: વારાણસીની BHU સર સુંદર લાલ હોસ્પિટલ પાણી-પાણી!
ઉત્તર પ્રદેશના વારાણસીમાં પડેલા ભારે વરસાદ બાદ હોસ્પિટલ તંત્ર અને મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી છતી થઈ છે. પૂર્વાંચલની સૌથી મોટી ગણાતી બનારસ હિન્દુ યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સર સુંદર લાલ હોસ્પિટલમાં ચોતરફ વરસાદી પાણી ભરાઈ જતાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર, ગેટ પરિસર અને ઓપીડી વિભાગ તરફ જતા માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તથા હોસ્પિટલ સ્ટાફને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. હોસ્પિટલ પરિસરમાંથી સામે આવેલા ચોંકાવનારા દ્રશ્યોમાં જળબંબાકારની વરવી વાસ્તવિકતા જોઈ શકાય છે. દૂર-દૂરથી ઈલાજ માટે આવતા ગંભીર દર્દીઓ અને દિવ્યાંગોને પાણીના ભરાવા વચ્ચેથી નીકળવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. અનેક દર્દીઓને તેમના પરિજનો વ્હીલચેર કે સ્ટ્રેચર પાણીમાંથી ખેંચીને લઈ જતા નજરે પડ્યા હતા, જ્યારે કેઝ્યુઅલ્ટી અને ઓપીડી વિભાગ સુધી પહોંચવું પણ પડકારરૂપ બની ગયું હતું.
આ ગંભીર દહેશત અને જળભરાવ વચ્ચે દર્દીઓના સ્વજનો અને સ્થાનિક લોકોએ ભારે આક્રોશ સાથે પોતાની આપવીતી રજૂ કરી છે. જનતાનું કહેવું છે કે વારાણસી જેવા પ્રખ્યાત શહેરમાં આવેલી BHU ની આટલી મોટી હોસ્પિટલમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જ નથી. સ્થાનિકો અને દર્દીઓએ તંત્ર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે હોસ્પિટલ જેવી અતિ સંવેદનશીલ જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવાને કારણે ચેપી રોગચાળો ફેલાવાનો અને દર્દીઓનું સ્વાસ્થ્ય વધુ બગડવાનો મોટો ખતરો ઊભો થયો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

