VIDEO: ANDARNI VAAT / કાંવડ યાત્રા પહેલા ૫૦૦ સીસીટીવી અને ૮ ડ્રોન કેમેરાથી સજ્જ થઈ હરિદ્વારનગરી!
ઉત્તરાખંડના ધાર્મિક નગરી હરિદ્વારમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે કાંવડ યાત્રા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શિવભક્તો અને કાંવડિયાઓની સુવિધા તથા સુરક્ષા માટે જિલ્લા પ્રશાસન દ્વારા વ્યાપક અને અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર હરિદ્વાર અને યાત્રાધામ વિસ્તાર પર નજર રાખવા માટે ૫૦૦થી વધુ સીસીટીવી કેમેરા અને ૮ એડવાન્સ ડ્રોન કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. હરિદ્વારના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, શ્રદ્ધાળુઓ માટે વીજળી, પીવાના શુદ્ધ પાણી, શૌચાલય અને પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. કાંવડિયાઓ માટે ખાસ અલગથી કાંવડ ટ્રેક અને રૂટ તૈયાર કરવામાં આવ્યા છે જેથી વાહનવ્યવહારને પણ કોઈ અસર ન પહોંચે. વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી આખરી તબક્કામાં પહોંચાડી દેવામાં આવી છે. .
સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે માહિતી આપતાં હરિદ્વારના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે જણાવ્યું કે, સમગ્ર યાત્રા ક્ષેત્રને વિવિધ ઝોન અને સેક્ટરમાં વિભાજિત કરીને ભારે પોલીસ બળ તૈનાત કરાશે. ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વિશેષ માર્ગો નિર્ધારિત કરાયા છે અને ડ્રોન સર્વેલન્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવશે. ગંગા ઘાટ પર અકસ્માતો અટકાવવા માટે જલ પોલીસ અને ગોતાખોરોની ટીમો પણ ચોવીસે કલાક સ્ટેન્ડબાય મોડ પર રહેશે. લાખો શિવભક્તો ગંગાજળ લઈને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે પ્રશાસન અને પોલીસ વચ્ચે સંકલન સાધવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન હરિદ્વારમાં હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે યાત્રાધામ ગૂંજી ઉઠશે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

