VIDEO: ANDARNI VAAT / ઉત્તરાખંડ- યુપીમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું!
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉત્તરાખંડથી લઇને ઉત્તર પ્રદેશ સુધી ગંગા નદીના જળસ્તરમાં ભારે વધારો જોવા મળ્યો હતો. ઉત્તરાખંડમાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં ભારે પૂર જેવી સ્થિતિ સર્જાય હતી. જળસ્તર વધતા નદી કિનારે રહેતા લોકોની ચિંતામાં વધારો થયો હતો. છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. હરિદ્રારમાં હાલમાં ગંગાનું જળસ્તર 293.50 મીટર સુધી પહોંચી ગયું હતું. અહિયા ગંગાની ભયજનક સપાટીનું સ્તર 294 મીટર છે. એટલે કે પાણી ભયજનક સપાટીથી માત્ર 50 સેન્ટિમીટર દૂર રહ્યું હતું. હરિદ્રાર બેરેજમાં 1 લાખ 60 હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ હતો.. ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસાદની સ્થિતિને કારણે ઉત્તર પ્રદેશના નીચાણવાળા ભાગ બિજનૌર, બદાયું, કાસગંજ અને ફરુખાબાદ સહિતના જિલ્લાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા હતો. ઉત્તર પ્રદેશ સિંચાઈ વિભાગના એસડીઓ ભારત ભૂષણ શર્માના જણાવ્યા અનુસાર, ઉપરવાસ અને હરિદ્વારમાં થયેલા વરસાદને કારણે ગંગાના જળસ્તરમાં હજુ વધારો થવાની શક્યતા છે. લોકોને નદીના કિનારાથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવે છે.
ગંગા નદીના આ વધતા પ્રવાહની અસર વારાણસીમાં પણ પડી હતી. વારાણસીમાં ગંગાનું પાણી સતત વધી રહ્યું છે અને નદીમાં પાણીનું પ્રમાણ વધતાં 80થી વધુ ઘાટ પાણીમાં ડૂબી ગયા હતા. કેટલાક જગ્યાએ ઘાટોની ઉપર સુધી પાણી પહોંચી ગયું હતું. સામાન્ય દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતા ગંગા કિનારા પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગંગાના વધતા જળસ્તરને કારણે બોટિંગની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી. આ કારણે નાવિકો અને ગંગા સાથે સંકળાયેલા સ્થાનિક લોકોના રોજગાર પર પણ અસર પડી હતી. સ્થાનિક વ્યક્તિ સંગમ ચૌબેના જણાવ્યા અનુસાર, વારાણસીની તમામ 84 ઘાટો ગંગાના પાણીમાં ડૂબી ગઇ છે. વધતા પાણીને કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઊંચાણવાળા સ્થળોએ ખસેડવાની ફરજ પડી રહી છે.
હરિદ્વારથી વારાણસી સુધી ગંગાના વધતા જળસ્તરને કારણે પ્રશાસનની ચિંતા વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં નીચાણવાળા જિલ્લાઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યો છે..
----- બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

