VIDEO: ANDARNI VAAT / દહેરાદૂનમાં આકાશી આફતનો કોપ: ટપકેશ્વર મંદિર પાસે તમસા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ!
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં અવિરત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે નદી-નાળાઓ ઉફાણે આવ્યા છે. પ્રસિદ્ધ પ્રવાસન અને ધાર્મિક સ્થળ ટપકેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી તમસા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પહાડી વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે તમસા નદીના જળસ્તરમાં અચાનક તીવ્ર વધારો થયો છે, જેના કારણે મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર ભયના ઓથાર હેઠળ આવી ગયો છે. નદીના ધસમસતા અને પ્રચંડ પ્રવાહને કારણે ટપકેશ્વર મહાદેવ મંદિરના નીચાણવાળા વિસ્તારો અને ઘાટ સુધી પાણી પહોંચી ગયા છે. પાણીની ગતિ એટલી ઝડપી છે કે કિનારાના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ ન સર્જાય તે માટે પ્રશાસને તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ અને દહેરાદૂન પ્રશાસન દ્વારા ટપકેશ્વર મંદિર પરિસરમાં સુરક્ષા દળો અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓને નદી કિનારે જવાથી સખત રીતે રોકવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. લાઉડસ્પીકર મારફતે સતત સેફ્ટી એડવાઈઝરી જારી કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા હજુ પણ વિસ્તારમાં અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાથી નદીનું જળસ્તર વધુ વધવાની શક્યતા છે. આપત્તિ વ્યવસ્થાપન અને SDRFની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. મંદિર તંત્ર અને સ્થાનીય પોલીસ ચોવીસે કલાક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જેથી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળી શકાય..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

