VIDEO: ANDARNI VAAT / રુદ્રપ્રયાગમાં આકાશી આફતનો કોપ: અલકનંદા અને મંદાકિની નદી ચેતવણીની સપાટી વટાવી ઉફાણે!
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં પહાડી વિસ્તારોમાં પડી રહેલા સતત મુસળધાર વરસાદને કારણે નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. પવિત્ર અલકનંદા અને મંદાકિની નદીના જળસ્તરમાં સતત વધઘટ થઈ રહી છે અને નદીઓ ચેતવણીની સપાટીથી ઉપર વહી રહી છે. નદીઓના ધસમસતા પ્રવાહને કારણે કિનારાના વિસ્તારો અને ઘાટ પર પૂરનું જોખમ વધી ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસન દ્વારા હાઈ એલર્ટ જાહેર કરીને સ્થાનિકો તેમજ યાત્રાળુઓ માટે ખાસ સેફ્ટી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. રુદ્રપ્રયાગના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે બંને નદીઓ ચેતવણીના નિશાન નજીક અને ઉપર વહી રહી હોવાથી તંત્ર સંપૂર્ણપણે સતર્ક મોડમાં છે. સંગમ સ્થળ અને ઘાટ કિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રુદ્રપ્રયાગ નગર પાલિકાના અધ્યક્ષ સંતોષ રાવતે જણાવ્યું કે જળસ્તર વધવાની સાથે જ નગરપાલિકા અને પોલીસ દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવાની સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.
પહાડોમાં હજુ પણ વરસાદી માહોલ હોવાથી નદીઓની સપાટી વધુ વધવાની શક્યતા સેવાઈ રહી છે.. SDRF, પોલીસ અને આપત્તિ વ્યવસ્થાપન દળોની ટીમોને તમામ સંવેદનશીલ ઘાટ પર ચોવીસે કલાક તૈનાત રાખવામાં આવી છે.. પ્રશાસને શ્રદ્ધાળુઓ અને નાગરિકોને નદી કિનારે જવાથી બચવા અને સરકારી દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

