VIDEO: ANDARNI VAAT / મયૂરભંજમાં આકાશી આફતનો કોપ: પૂરના પાણીમાં ૫૦ મીટર રેલ્વે ટ્રેક ધોવાયો, ટ્રેન સેવાઓ ઠપ્પ!
ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં સતત પડી રહેલા મુસળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. આકાશી આફતને કારણે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સુલિયાપાડા બ્લોકમાં બ્રિજ તૂટી પડતાં આશરે ૧૫ જેટલી પંચાયતોનો સંપર્ક મુખ્ય મથકથી તૂટી ગયો છે, જેના કારણે હજારો ગ્રામજનો પોતાના જ વિસ્તારોમાં ફસાઈ ગયા છે. રોડ-રસ્તાઓ પૂરના પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.વરસાદનું રૌદ્ર સ્વરૂપ માત્ર રસ્તાઓ સુધી સીમિત નથી રહ્યું, પરંતુ રેલ્વે વ્યવહાર પર પણ તેની ગંભીર અસર પડી છે. બારિપદા નજીક પૂરના પ્રચંડ પ્રવાહમાં આશરે ૫૦ મીટર લાંબો રેલ્વે ટ્રેક ધોવાઈને તૂટી પડ્યો છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે ટ્રેન સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. બારિપદાના ઇમરજન્સી સબ-કલેક્ટર તપસ કુમાર મોહંતાના જણાવ્યા અનુસાર, રેલ્વે ટ્રેકના સમારકામ અને બચાવ કામગીરી માટે ટીમોને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
બીજી તરફ, પહાડી વિસ્તારોમાંથી સતત આવી રહેલા પાણીના કારણે કાલો ડેમમાં જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધુ વધી ગયું છે. પ્રશાસન દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

