VIDEO: ANDARNI VAAT / ભદ્રકમાં આકાશી આફતનો કોપ: પૂરના પાણીમાં પાંચ બ્લોક ગરકાવ, સ્થિતિ અત્યંત ગંભીર!
ઓડિશાના ભદ્રક જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. જિલ્લાના પાંચ મુખ્ય બ્લોકમાં પૂરના પાણી ઘૂસી જતાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારો અને ગ્રામીણ ભાગોમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે હજારો લોકો પોતાના જ ઘરોમાં ફસાઈ જવા મજબૂર બન્યા છે.વરસાદી પાણીના સતત વધારાને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને પગલે અનેક ગામડાઓનો સંપર્ક જિલ્લા મથકથી સંપૂર્ણપણે તૂટી ગયો છે. ખેતરો પૂરના પાણીમાં ડૂબી જતાં વ્યાપક પ્રમાણમાં પાકને નુકસાન પહોંચ્યું છે. પીવાના પાણી અને ખોરાકની અછત સર્જાતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને રાહતની રાહ જોઈ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા વ્યાપક સ્તરે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને ઓડીઆરએફની ટીમો બોટ મારફતે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. અસરગ્રસ્ત લોકો સુધી સુકો નાસ્તો, પીવાનું પાણી અને જરૂરી તબીબી મદદ પહોંચાડવા માટે પ્રશાસનિક ટીમો સતત કાર્યરત છે.
ભદ્રક જિલ્લામાં પૂરની કટોકટીપૂર્ણ સ્થિતિને જોતાં તમામ સંબંધિત અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીઓના જળસ્તર પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને પૂરના પાણી વાળા વિસ્તારોમાં ન જવાની સાથે સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

