VIDEO: ANDARNI VAAT / બંગાળના નારાયણગઢમાં ભારે પુરથી સ્થિતિ ગંભીર!
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના નારાયણગઢમાં ભારે વરસાદને કારણે પૂરનું સંકટઉભું થયું છે. સતત વરસાદના પગલે કેળેઘાઈ નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થતાં નદીમાં ભારે પુર આવ્યું હતું. નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી જતા સ્થિતિ ગંભીર બની હતી. પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોમાં ઘરો, રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા હતા. સતત પુરના કારણે નારાયણગઢ જિલ્લાના સેંકડો એકર જમીન પર પાણી ફરી વળ્યા હતા. આ કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકશાન થયું હતું. ગામડામાં પાણી ફરી વળતા લોકોના ઘર પણ પાણીમાં ડૂંબી ગયા હતા. ભારે વરસાદ અને નદીના વધતા પાણીના કારણે અનેક પરિવારો માટે સામાન્ય જીવન મુશ્કેલ બન્યું હતું. નદીમાં પાણીનો પ્રવાહ એટલો વિશાળ હતો કે નદી, ખેતર અને જમીન ઓળખવી મુશ્કેલ બની ગઇ હતી. જ્યાં જૂઓ ત્યાં પાણી પાણી જ દેખાતું હતું. નારાયણગઢમાં કેળેઘાઇ નદીં, નદી મટીને દરિયો બની ગઇ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી ઝડપથી ગામડાઓમાં ઘૂસી રહ્યું છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતાં અવરજવર મુશ્કેલ બની છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર નજર રાખવા માટે પોલીસ અને પ્રશાસનની ટીમો તૈનાત કરવામાં આવી હતી. લોકોને સલામત સ્થળે ખસેડવામાં પણ આવ્યા હતા. સ્થાનિક પોલીસ અધિકારી સિદ્ધાર્થ સિંહ ડાંગીએ જણાવ્યું કે, પોલીસ અને પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોને જરૂરી મદદ પહોંચાડવા માટે ટીમોને સક્રિય રાખવામાં આવી છે.
નારાયણગઢના ધારાસભ્ય રામપ્રસાદ ગિરીએ પૂરગ્રસ્ત લોકોની મુલાકાત લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ધારાસભ્યએ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત તથા જરૂરી વ્યવસ્થા કરવાની માગ કરી હતી. કેળેઘાઈ નદી બામિનીગ્રામ વિસ્તારમાંથી નીકળીને પશ્ચિમ મેદિનીપુર અને પૂર્વ મેદિનીપુરના વિસ્તારોમાંથી પસાર થાય છે. આગળ જઈને કાંસાબતી નદી સાથે જોડાય છે. નદીનો ભૂગોળ અને વરસાદી પાણીના વધતા પ્રવાહને કારણે આ વિસ્તારમાં સમયાંતરે પૂરની સ્થિતિ સર્જાય છે. વરસાદ હજુ ચાલુ રહે તો નદીનું જળસ્તર વધુ વધી શકે તેવી ચિંતા વધી શકે છે.
------------------------------
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

