VIDEO: ANDARNI VAAT / તિરુચેન્દુર મંદિરમાં ગજરાજનો રોયલ અંદાજ: ૭૫ વર્ષની 'દૈવાનાઈ'ની જળક્રીડા મનમોહક!
તમિલનાડુના થૂથુકુડી સ્થિત પ્રસિદ્ધ તિરુચેન્દુર મુરુગન મંદિર પરિસરમાંથી એક અત્યંત સુંદર અને મનમોહક દ્રશ્ય સામે આવ્યું છે. મંદિરની ૭૫ વર્ષની વય ધરાવતી હાથી દૈવાનાઈ પોતાની દિનચર્યાના ભાગરૂપે શરવણા પોઈગાઈ તળાવમાં જળક્રીડા કરતી અને સ્નાન કરતી જોવા મળી છે. આ ગજરાજનો આનંદી સ્વભાવ અને તળાવના પાણીમાં મસ્તી કરતા દ્રશ્યો શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મંદિરમાં સેવા આપતા મહાવત પ્રવીણ કૃષ્ણાના જણાવ્યા મુજબ, દૈવાનાઈની દિનચર્યા રોજ સવારે ૬ વાગ્યાથી શરૂ થાય છે. જાગ્યા બાદ તેને પવિત્ર તળાવ સુધી લઈ જવા માટે લગભગ ૫ થી ૬ કિલોમીટરની પેદલ યાત્રા કરાવવામાં આવે છે. આ કસરત બાદ દૈવાનાઈ શરવણા પોઈગાઈ તળાવમાં પહોંચીને લગભગ ૨ કલાક સુધી નિરાંતે સ્નાન કરે છે અને પાણીમાં જળક્રીડાનો આનંદ માણે છે. સ્નાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દૈવાનાઈને સુંદર રીતે શણગારવામાં અને અલંકૃત કરવામાં આવે છે. આ ખાસ શૃંગાર બાદ તેને ભવ્યતાથી મંદિર પરિસરમાં લાવવામાં આવે છે, જ્યાં તેને પૌષ્ટિક અને ભાવતું ભોજન પીરસવામાં આવે છે. મહાવત પ્રવીણ કૃષ્ણા સહિત કુલ ત્રણ વ્યક્તિઓની ખાસ ટીમ ચોવીસે કલાક દૈવાનાઈની ખાવા-પીવાની અને આરોગ્યની સઘન સારસંભાળ રાખે છે.
સાંજના સમયે દૈવાનાઈ મંદિરના પરિસરમાં પ્રદક્ષિણા કરે છે, જેને જોવા અને દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થાય છે. ૭૫ વર્ષની વયે પણ દૈવાનાઈની આ દિનચર્યા અને તળાવમાં સ્નાન કરતી વેળાની મસ્તી મંદિરના વાતાવરણને વધુ મનોહર અને ભક્તિમય બનાવી દે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

