VIDEO: ANDARNI VAAT / ઓડિશાના કલાકારની અનોખી શિવ-જગન્નાથ ભક્તિ, સુપારીના પાંદડાંમાંથી બનાવ્યા ૫ ઇંચના રથ!
ઓડિશાના જટની વિસ્તારમાં રહેતા જાણીતા મિનિએચર આર્ટિસ્ટ ઈશ્વર રાવે વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન પોતાની અદ્ભુત કલાત્મકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પર્યાવરણને અનુકૂળ એટલે કે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને મહાપ્રભુ જગન્નાથજીના ત્રણ સૂક્ષ્મ એટલે મિનિએચર રથ તૈયાર કર્યા છે. આ રથોના નિર્માણ માટે તેમણે સુપારીના વૃક્ષના પાંદડાંનો ઉપયોગ કર્યો છે. આકર્ષક રોશની અને કારીગરી સાથે તૈયાર કરાયેલા આ ત્રણેય રથોની ઊંચાઈ માત્ર ૫ ઇંચ છે. રથની શોભા વધારવા માટે તેમણે કાગળમાંથી અત્યંત નાના ઘોડા, કળશ અને સુવા પણ તૈયાર કરીને સ્થાપિત કર્યા છે. તેમની આ અનોખી કારીગરી અને શ્રદ્ધા જોઈને કલાપ્રેમીઓ તેમજ શ્રદ્ધાળુઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રથયાત્રાના પવિત્ર અવસર પર તેમણે પોતાની કળાના માધ્યમથી ભગવાન જગન્નાથ પ્રત્યે અનન્ય ભક્તિ વ્યક્ત કરી છે..
આ ઇકો-ફ્રેન્ડલી રથો પર બિરાજમાન ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને માતા સુભદ્રાજીની મૂર્તિઓ માત્ર ૧ ઇંચ ઊંચી છે, જે પૂર્ણપણે પવિત્ર લીમડાના લાકડામાંથી કોતરવામાં આવી છે. કલાકાર ઈશ્વર રાવને આ ત્રણેય રથ અને મૂર્તિઓનું સૂક્ષ્મ કામ પૂર્ણ કરવામાં આશરે ૭ દિવસનો સમય લાગ્યો હતો. તેમણે પોતાની આ વિશિષ્ટ કલાકૃતિ દ્વારા તમામ દેશવાસીઓ અને શ્રદ્ધાળુઓને પવિત્ર રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. આ સાથે જ તેમણે પ્રભુ જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે ભગવાન સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને શાંતિના આશીર્વાદ આપે. ઓડિશાની સંસ્કૃતિ અને પવિત્ર પરંપરાને પોતાની મિનિએચર આર્ટ દ્વારા વિશ્વ સમક્ષ રજૂ કરવાનો તેમનો આ પ્રયાસ ખૂબ બિરદાવવામાં આવી રહ્યો છે. તેમની આ અનોખી કૃતિ સોશિયલ મીડિયા પર પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

