VIDEO: ANDARNI VAAT / જમ્મુ-કાશ્મીરમાં NH-44 પર ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા NHAI મેદાને!
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં નેશનલ હાઈવે-૪૪ પર દેવલ પાસી પાસે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રોડ પહોળો કરવાનો અને સમારકામનો મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ માર્ગ પર વારંવાર સર્જાતી બોટલનેક એટલે કે ટ્રાફિક જામની સમસ્યાને દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા યુદ્ધધોરણે કામગીરી ચાલી રહી છે. અગાઉ આ વિસ્તારમાં વાહનવ્યવહાર બે લેનમાં રી-ડાયરેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ રસ્તાની સપાટી બગડી જવાથી વાહનોની અવરજવરમાં ભારે અડચણ ઊભી થઈ રહી હતી. ટ્રાફિકની અવરજવરને સુચારૂ અને ઝડપી બનાવવા માટે NHAI દ્વારા ખાસ ટ્રાફિક ડ્રાય ડે જાહેર કરીને રસ્તાની પહોળાઈ વધારવાનું કામ હાથ ધરાયું છે, જેથી ભવિષ્યમાં અહીંથી વધુ વાહનો સરળતાથી પસાર થઈ શકે..
NHAI રામબનના પ્રોજેક્ટ ડિરેક્ટર શુભમ યાદવના જણાવ્યા મુજબ, આ રોડની ક્ષમતા સુધારવા અને સમારકામ ઝડપથી પૂરું કરવા માટે સ્થળ પર ભારે મશીનરી તૈનાત કરવામાં આવી છે.. હાલમાં ૪ એક્સકેવેટર, ૩ જેસીબી અને ૫ ડમ્પર સહિત વિશાળ મશીનરી અને ટેકનિકલ ટીમો સતત કાર્યરત છે. આ વ્યાપક કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય અમરનાથ યાત્રા પર જતા યાત્રાળુઓ તેમજ રોજિંદા વાહનચાલકોની સુરક્ષિત અને અવરોધમુક્ત મુસાફરી સુનિશ્ચિત કરવાનો છે.. વહીવટી તંત્ર દ્વારા આજ રાત સુધીમાં રસ્તો પહોળો કરવાનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કામ પૂરું થતાં જ હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરી દેવાશે, જેનાથી યાત્રિકો અને સ્થાનિક લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળશે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

