VIDEO: ANDARNI VAAT / રાજૌરીમાં કુદરતનો પ્રકોપ, ફ્લેશ ફ્લડના પ્રચંડ પ્રવાહમાં તણાયા વાહનો!
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પહાડી વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદના પગલે સ્થાનિક નદી-નાળાઓમાં અચાનક પ્રચંડ પૂર આવ્યું છે.. આ અચાનક ધસી આવેલા ધસમસતા જળપ્રવાહના કારણે માર્ગો અને નદી કિનારે પાર્ક કરેલા અનેક વાહનો તણાઈ ગયા છે. પાણીની તીવ્ર ગતિ અને કાદવના પ્રવાહ સામે વાહનો તણાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો છે. આકાશી આફતના આ રૌદ્ર સ્વરૂપના લીધે અનેક માર્ગો ધોવાઈ ગયા છે, જેના કારણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે..
પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો તાત્કાલિક ધોરણે હરકતમાં આવી ગઈ છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ ઉપરાંત નદી કિનારે વસતા લોકોને જળસ્તર વધવાની શક્યતાને પગલે કિનારાથી દૂર રહેવા કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓને ચોવીસે કલાક એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

