VIDEO: ANDARNI VAAT / રાયપુરમાં નમ્રતા યાદવનો અનોખો પ્રયોગ: મશરૂમ ફાર્મિંગથી રચ્યો સફળતાનો નવો ઈતિહાસ!
છત્તીસગઢની રાજધાની રાયપુરમાંથી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાની એક પ્રેરણાદાયી મિશાલ સામે આવી છે. સફળ મહિલા ખેડૂત નમ્રતા યાદવે શરૂ કરેલી મશરૂમ ફાર્મિંગની પહેલે રાયપુર ક્ષેત્રમાં કૃષિ અને રોજગારીનું નવું ચિત્ર ઊભું કર્યું છે. પોતાની મહેનત અને આગવા વિઝનથી નમ્રતા યાદવે મશરૂમની ખેતીને એક નવો વળાંક આપ્યો છે. આજે તેમનું આ ફાર્મ માત્ર એક સફળ વ્યવસાય નથી રહ્યું, પરંતુ સ્થાનિક મહિલાઓ માટે આત્મસન્માન અને આર્થિક સ્વતંત્રતાનું એક મોટું માધ્યમ બની ગયું છે.મશરૂમ ફાર્મર નમ્રતા યાદવનું માનવું છે કે યોગ્ય તાલીમ, લગન અને ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો મશરૂમ ફાર્મિંગમાંથી ખૂબ જ ઓછી જગ્યામાં સારું ઉત્પાદન અને ઉત્તરોત્તર નફો મેળવી શકાય છે. ફાર્મમાં કામ કરતી વર્કર દુર્ગેશ્વરી જણાવે છે કે આ પહેલથી તેમની જેવી અનેક ગ્રામીણ મહિલાઓને ઘરની નજીક જ ગૌરવપૂર્ણ રોજગારી મળી રહી છે. આ કામથી તેમને આર્થિક ટેકો તો મળ્યો જ છે, પણ સાથે સાથે પરિવારને સંભાળવાની સાથે પોતે પગભર બનવાનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
આ ફાર્મમાં ઉત્તમોત્તમ ગુણવત્તાવાળા મશરૂમનું ઉત્પાદન કરીને સ્થાનિક બજારોમાં તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. નમ્રતા યાદવ અન્ય મહિલાઓને પણ મશરૂમ ફાર્મિંગની તાલીમ આપીને આ ક્ષેત્રે આગળ આવવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. રાયપુરની આ સફળતાગાથા સાબિત કરે છે કે જ્યારે એક મહિલા સંકલ્પ કરી લે છે, ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પણ આખા સમાજનું ચિત્ર બદલી શકે છે. નમ્રતા યાદવની આ પહેલ આજે સમગ્ર છત્તીસગઢમાં નારી શક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ચૂકી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

