VIDEO: ANDARNI VAAT / ચિત્રકૂટમાં મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ: રામઘાટ ડૂબ્યો, ચારેય તરફ પાણી જ પાણી!
ઉત્તર પ્રદેશના પવિત્ર ધામ ચિત્રકૂટમાં સતત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે મંદાકિની નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના જળસ્તરમાં થયેલા તીવ્ર વધારાને પગલે પ્રખ્યાત રામઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂરના પાણી ઘાટ પર આવેલી દુકાનો અને પૂજા સ્થળો સુધી પહોંચી જતાં સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રામઘાટ પર દુકાનો પાણીમાં ડૂબી જતાં વેપારીઓને પોતાનો કિંમતી સામાન બચાવવા માટે ભારે મશક્કત કરવી પડી રહી છે. સ્થાનિક વેપારી સુરેશ કેસરવાની જણાવે છે કે પાણીનું સ્તર એટલી ઝડપથી વધ્યું કે દુકાનોમાંથી સામાન ખસેડવાનો સમય પણ મળ્યો નથી, જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિવિલ ડિફેન્સના આસિસ્ટન્ટ ડેપ્યુટી કંટ્રોલર દીપક ત્રિપાઠી અને ચીફ મ્યુનિસિપલ ઓફિસર લાલજી યાદવની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા ઘાટ કિનારેથી લોકોને દૂર ખસેડવામાં આવી રહ્યા છે અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતાં ડીએસપી સત્યેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે મંદાકિની નદીના વધતા જળસ્તરને જોતાં રામઘાટ પર પોલીસ બંદોબસ્ત મજબૂત કરી દેવાયો છે. પ્રશાસન અને સિવિલ ડિફેન્સની ટીમો ચોવીસે કલાક સ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળી શકાય.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

