VIDEO: ANDARNI VAAT / જોરહાટમાં પૂર ઓસર્યા પણ આંસુ ના સુકાયા: આશિયાના છીનવાતા બેઘર બન્યા ગ્રામજનો!
આસામના જોરહાટ જિલ્લામાં કુદરતનો ભારે કોપ જોવા મળી રહ્યો છે. પૂરના પ્રલયંકરી પાણી ઓસર્યા બાદ હવે ગ્રામજનો માટે જિંદગીને ફરી પાટા પર લાવવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. અલંગમોરા અને પોહામોરા જેવા ગામોમાં પૂરના રૌદ્ર સ્વરૂપે સેંકડો પરિવારોને બેઘર કરી દીધા છે. લોકોના આશિયાના તણાઈ ગયા છે, ઘરવખરી નષ્ટ થઈ ગઈ છે અને રોજીરોટીના તમામ સાધનો છીનવાઈ ગયા છે. પૂરના પાણી ભલે ઓસરી ગયા હોય, પરંતુ તે પોતાના પાછળ તબાહીના એવા નિશાન છોડી ગયા છે જેમાંથી બહાર આવતા ગ્રામજનોને મહિનાઓ કે વર્ષો લાગી જશે. અલંગમોરા ગામના રહેવાસીઓ જણાવે છે કે પૂરના પાણી એટલી ઝડપે આવ્યા કે તેમને સામાન બચાવવાનો મોકો પણ ન મળ્યો. ખાવા-પીવાની સામગ્રીથી લઈને રહેવાના છાપરા સુધી બધું જ પૂરના વહેણમાં વહી ગયું. આવી જ કરુણ સ્થિતિ પોહામોરા ગામની પૂર્ણિમા બોરાની પણ છે. સ્થાનિક ગ્રામજનો પોતાના તૂટેલા ઘરોને ફરીથી બાંધવા માટે ઈંટ-માટી ભેગી કરી રહ્યા છે, પરંતુ આર્થિક તંગી અને આજીવિકાના અભાવે તેમની હિંમત તૂટી રહી છે. ખેતરોમાં પાક ધોવાઈ જતાં ખેડૂતો અને મજૂરો માટે આગામી દિવસોમાં રોજીરોટી મેળવવી સૌથી મોટો પડકાર બની ગઈ છે.
આ કપરા સમયમાં પૂરપીડિતો સરકાર અને પ્રશાસન તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. ગ્રામજનોની માગ છે કે તેમને તાત્કાલિક ધોરણે યોગ્ય રાહત સામગ્રી, તાડપત્રી, ખાધાખોરાકી અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. પૂરના પાણી ઉતર્યા બાદ હવે રોગચાળો ફેલાવાનો ડર પણ સતાવી રહ્યો છે, ત્યારે આરોગ્ય સુવિધાઓ અને ઘરોનું પુનઃનિર્માણ અત્યંત જરૂરી બન્યું છે. કુદરતના કોપ સામે ઝઝૂમી રહેલા જોરહાટના આ સીધા-સાદા લોકો આજે પણ પોતાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે જિંદગીની નવી શરૂઆત કરવા માટે આકરી મહેનત કરી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

