VIDEO: ANDARNI VAAT / શિવસાગરના બિહુબોરમાં જળપ્રલયનો પ્રકોપ, ૬ના મોત, ૫૦થી વધુ લોકો ગુમ થતાં અરેરાટી!
આસામના શિવસાગર જિલ્લામાં આવેલા નાઝીરાના બિહુબોર વિસ્તારમાં મુશળધાર વરસાદ બાદ જળપ્રલય જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. અચાનક નદીના જળસ્તરમાં પ્રચંડ ઉછાળો આવતાં લોકોને સલામત સ્થળે ખસવાનો તક સુદ્ધાં મળી ન હતી, જેના કારણે સમગ્ર ક્ષેત્ર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ આકાશી હોનારતમાં ૫૦ થી ૬૦ જેટલા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે, જ્યારે છ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પૂરના પાણી સાથે અતિભારે વરસાદના કારણે વીજળીના થાંભલા અને ટેલિકોમ ટાવરો ધારાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો અને મોબાઈલ નેટવર્ક સંપર્ક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે અનેક નાગરિકો આખી રાત ઘરોની છતો અને ઉંચાણવાળા સ્થળો પર અટવાયેલા રહ્યા હતા.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આપત્તિ બચાવ ટુકડીઓ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં સઘન બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બોટ મારફતે પાણીમાં ફસાયેલા અનેક લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરના ધસમસતા પ્રવાહના કારણે માર્ગો પર વ્યાપક ધોવાણ થતાં રાહત કામગીરીમાં ભારે વિઘ્નો આવી રહ્યા છે. પ્રશાસન દ્વારા વિસ્થાપિત થયેલા પરિવારો માટે આશ્રયસ્થાનો અને તાત્કાલિક ખાદ્યસામગ્રી તથા તબીબી સુવિધાઓ પૂરી પાડવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. સમગ્ર બિહુબોર ક્ષેત્રમાં જનજીવન અસ્તવ્યસ્ત બની જતાં તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનને સઘન બનાવવામાં આવ્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

