VIDEO: ANDARNI VAAT / અમદાવાદમાં 'સ્માર્ટ સિટી'ના દાવા પોકળ: ૩૧૧ માંથી ૧૮૯ ગાર્ડનમાં સીસીટીવી કેમેરા બંધ!
ગુજરાતના અમદાવાદ શહેરને એક તરફ સ્માર્ટ સિટી તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ટેકનોલોજીના ઉપયોગ અને તેના યોગ્ય નિભાવમાં સાવ નબળું પુરવાર થયું છે. અમદાવાદ શહેરના ખૂણે-ખૂણે આવેલા મ્યુનિસિપલ ગાર્ડન્સમાં નાગરિકોની સુરક્ષા માટે મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદના કુલ ૩૧૧ પૈકી ૧૮૯ જેટલા ગાર્ડનમાં સુરક્ષા કેમેરા બંધ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ રિક્રીએશન કમિટીના ચેરમેન જય ત્રિવેદી દ્વારા આ અંગે તંત્રને પત્ર લખવામાં આવ્યો હતો, પરંતુ આ બાબતને છ મહિના જેટલો લાંબો સમય વિતી જવા છતાં હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. હવે ફરીથી રિક્રીએશન કમિટીના વર્તમાન ચેરમેન જીતેન્દ્ર ખચરીયા દ્વારા ઈ-ગવર્નન્સ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા પત્ર લખવામાં આવ્યો છે. માત્ર સામાન્ય ગાર્ડન જ નહીં, પરંતુ પીપીપી ધોરણે અપાતા ગાર્ડન, ઓક્સિજન પાર્ક તેમજ તળાવ-કમ-ગાર્ડનમાં પણ સુરક્ષા કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ગંભીર બેદરકારી પાછળ ગાર્ડન વિભાગ, ઈ-ગવર્નન્સ વિભાગ અને સ્માર્ટ સિટી મિશન વચ્ચેના સ્પષ્ટ સંકલનનો અભાવ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ગાર્ડન વિભાગ દ્વારા બંધ કેમેરા ચાલુ કરવા અને મેન્ટેનન્સ હાથ ધરવા માટે ઈ-ગવર્નન્સ વિભાગને અવારનવાર લેખિત પત્રો મોકલવામાં આવ્યા હોવા છતાં, છેલ્લા ૬ મહિનાથી આ બાબતે કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. તંત્રની આ ઘોર ઉપેક્ષાને કારણે અમદાવાદના ગાર્ડન્સમાં આવતા મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. વારંવારની રજૂઆતો છતાં ઈ-ગવર્નન્સ વિભાગ નિષ્ક્રિય રહેતાં જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પણ હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

