VIDEO: ANDARNI VAAT / અરુણાચલના અંજાવમાં આકાશી આફત: પૂરના રૌદ્ર સ્વરૂપ વચ્ચે આર્મી કેમ્પ થયો પ્રભાવિત!
અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં કુદરતે ભારે કોપ વર્તાવ્યો છે. સતત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે સમગ્ર અંજાવ જિલ્લામાં પૂર જેવી અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. પહાડી વિસ્તારોમાંથી ધસમસતા આવતા પૂરના પાણી અને પહાડો પરથી ધસી આવેલા કાટમાળે જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે. અંજાવ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા દ્રશ્યોમાં ચારેય તરફ પાણીનો પ્રચંડ પ્રવાહ અને તબાહી સ્પષ્ટ જોઈ શકાય છે. આ કુદરતી આફતમાં સરહદી સુરક્ષામાં તૈનાત ભારતીય સેનાનો કેમ્પ પણ પૂરના પાણીની ઝપેટમાં આવી ગયો છે. આર્મી કેમ્પમાં પાણી ઘૂસી જતાં જવાનો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થઈ છે, જોકે શૂરવીર જવાનો આવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ આફતનો મક્કમતાથી સામનો કરી રહ્યા છે. પૂરના કારણે જિલ્લાના અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે, જ્યારે કેટલીક જગ્યાએ ભૂસ્ખલન થતાં સંપર્ક તૂટી ગયો છે. પહાડી નદીઓ અને ઝરણાંઓ બે કાંઠે વહી રહ્યા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને સ્થાનિક પ્રશાસન હાઈ એલર્ટ પર છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. સેના અને આપત્તિ વ્યવસ્થાપન દળો એકજૂટ થઈને રસ્તાઓ પરથી કાટમાળ ખસેડવા અને કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવા પ્રયત્નશીલ છે. પ્રશાસને નાગરિકોને નદી-નાળાઓથી દૂર રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ખાસ અપીલ કરી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

