VIDEO: ANDARNI VAAT / રજોરી-પૂંચ હાઇવે પર BRO નો સપાટો: ફ્લેશ ફ્લડ અને લેન્ડસ્લાઈડ વચ્ચે યુદ્ધના ધોરણે કામગીરી!
જમ્મુ અને કાશ્મીરના રજોરી-પૂંચ નેશનલ હાઇવે ૧૪૪ પર કુદરતનો ભારે કોપ જોવા મળ્યો છે. અચાનક આવેલી ફ્લેશ ફ્લડ અને મુસળધાર વરસાદને કારણે માર્ગ પર અનેક જગ્યાએ વિશાળ ભૂસ્ખલન થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પર્વતો પરથી ધસી આવેલા કાટમાળ અને મોટા પથ્થરોને કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને સરહદી વિસ્તારની કનેક્ટિવિટી પર મોટો ફટકો પડ્યો હતો. આ કટોકટીના સમયે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશનએ તાત્કાલિક મોરચો સંભાળી લીધો છે. રજોરી-પૂંચ હાઇવેને પુનઃ કાર્યરત કરવા માટે BRO ની ટુકડીઓએ રાત-દિવસ જોયા વગર આક્રમક ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે. ભારે વરસાદ અને વિષમ હવામાન જેવા અનેક પડકારો વચ્ચે પણ મોટી-મોટી આધુનિક મશીનરીઓ અને જેસીબીની મદદથી પહાડી માટી તેમજ કાટમાળ ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. BRO ના જવાનો અને કર્મચારીઓ અવિરત મહેનત કરીને રસ્તા પરથી કલાકોમાં કાટમાળ સાફ કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે સતત કાર્યરત છે..
સ્થાનિક નાગરિક આકોટ હલકાના રહેવાસી હદામ હુસૈને વહીવટી તંત્ર અને BRO ની ઝડપી કામગીરીના મુક્ત મને વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે રજોરીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સહિતના ઉચ્ચ અધિકારીઓ જાતે પ્રજાની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને તાત્કાલિક નિકાલ લાવી રહ્યા છે. વરસાદ વચ્ચે પણ BRO ની ટીમ રાત-દિવસ એક કરીને જે રીતે કામ કરી રહી છે તેનાથી સ્થાનિક લોકો અત્યંત સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને સત્વરે રસ્તો સાફ કરવા બદલ આભાર માની રહ્યા છે. તંત્રની આ સતર્કતા અને BRO ના સાહસથી હાઇવે પર ફરી જિંદગીની રફતાર ધીમે-ધીમે સામાન્ય બની રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

