VIDEO: ANDARNI VAAT / અમરાવતી પોલીસ જવાનનો પાણીમાં મોટો ધડાકો: તિરંગા સાથે પાણીની અંદર ચલાવી સાયકલ!
મહારાષ્ટ્રના અમરાવતીમાંથી દેશપ્રેમ અને અનોખા સાહસનો એક અદ્ભુત કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમરાવતી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રવીણ આખરેએ પાણીની ઊંડાણમાં અનોખો કારનામો કરી બતાવ્યો છે. રાષ્ટ્રધ્વજ તિરંગા પ્રત્યેનું પોતાનું સમર્પણ દર્શાવવા માટે આ જવાન હાથમાં ત્રિરંગો લઈને પાણીની અંદર સાયકલ ચલાવીને એક નવો જ ઈતિહાસ રચ્યો છે. આ અસાધારણ કારનામાની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોન્સ્ટેબલ પ્રવીણ આખરેએ આ અશક્ય લાગતા સ્ટંટને સફળ બનાવવા માટે સતત બે મહિના સુધી કઠોર તાલીમ લીધી હતી. તેમણે પાણીની અંદર પોતાના શ્વાસને ૧ મિનિટ અને ૧૬ સેકન્ડ સુધી રોકી રાખીને ૨૫ મીટર સુધી સાયકલ ચલાવવાની સિદ્ધિ હાસિલ કરી છે. તેમનું લક્ષ્ય આ અંતરને વધારીને ૩૫ મીટર સુધી લઈ જવાનું છે. પોતાના આ અદ્ભુત સાહસ માટે તેમણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ દાવો નોંધાવ્યો છે. અમરાવતીના ડીસીપી પ્રાંજલી સોનાવણે અને પોલીસ વિભાગે પોતાના આ જાંબાઝ જવાનની ઉત્કૃષ્ટ દેશભક્તિ અને સાહસિક પ્રવૃત્તિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે..
કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી પ્રેરિત થઈને કોન્સ્ટેબલ પ્રવીણે રાષ્ટ્રધ્વજ પ્રત્યે પોતાનું અનોખું સમર્પણ વ્યક્ત કર્યું છે. ખાખી વર્ધીની ફરજની સાથે સાથે દેશ માટે કંઈક અલગ કરી બતાવવાના તેમના આ જુનૂને દેશવાસીઓમાં નવો ઉત્સાહ અને પ્રેરણા પૂરી પાડી છે. પાણીની અંદર તિરંગો લહેરાવીને તેમણે સાબિત કરી બતાવ્યું છે કે જ્યારે દેશપ્રેમનો જુનૂન સાથે હોય ત્યારે કોઈ પણ પડકાર કે સીમા આડે આવતી નથી.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

