VIDEO: ANDARNI VAAT / જેસલમેર જવાહર હોસ્પિટલમાં ૧૬ કલાક અંધારપટ: ગરમીમાં શેકાયા દર્દીઓ, તંત્ર મસ્ત!
રાજસ્થાનના જેસલમેરમાં આવેલી સરકારી જવાહર હોસ્પિટલમાંથી શરમજનક અને કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દાખલ દર્દીઓ અને તેમની સારવાર કરતા તબીબો સતત ૧૬ કલાક સુધી અંધારપટ અને અસહ્ય ગરમીમાં શેકાવા મજબૂર બન્યા હતા. ૧૬-૧૬ કલાક સુધી વીજળી ગુલ રહેવા છતાં પણ પ્રશાસન અને વીજ વિભાગના પેટનું પાણી સરખુંય હલ્યું નથી. દર્દીઓ એક-એક શ્વાસ માટે તડપતા રહ્યા, પરંતુ નિષ્ઠુર તંત્ર પોતાની જ મસ્તીમાં મસ્ત જોવા મળ્યું. જેસલમેરની જવાહર હોસ્પિટલમાં વીજળી વગર જીવનરક્ષક સુવિધાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. ઓપરેશન થિયેટર બંધ પડ્યા હતા, ઓક્સિજન સપ્લાય ખોરવાયો હતો અને નવજાત બાળકો માટેની કાંચની પેટીઓ એટલે કે ઈન્ક્યુબેટર બંધ થઈ જતાં માસુમ બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. દર્દી રવિન્દ્ર સાંખલા સહિત અનેક લોકોએ હાલાકી ભોગવી આક્રોશ ઠાલવ્યો હતો. રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની ડબલ એન્જિન સરકાર હોવાના મોટા-મોટા દાવોઓ કરવામાં આવે છે, પરંતુ આ ઘટનાએ ગાંડા થયેલા વિકાસની વરવી વાસ્તવિકતા છતી કરી દીધી છે. શું આ જ છે વિકાસની સાચી પરિભાષા? જ્યાં ગરીબ દર્દી જીવે કે મરે, તંત્રને માત્ર પોતાના વોટબેંકથી જ મતલબ છે!
હોસ્પિટલમાં ૧૬ કલાક સુધી ગરમીમાં સબડતા દર્દીઓની આ સ્થિતિ સરકારી સિસ્ટમની સંપૂર્ણ નિષ્ફળતા સાબિત કરે છે. હોસ્પિટલ પ્રશાસન પાસે ઈમર્જન્સી માટે જનરેટર કે બેકઅપની કોઈ વ્યવસ્થા કેમ નહોતી? આવા ગંભીર બેદરકારો સામે ક્યારે પગલાં લેવાશે? તંત્ર અને સરકારની આ બેદરકારી ગરીબ અને અસહાય જનતા પર સીધો ઘા છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

