VIDEO: મુક્કોમ્બુ અનાઈકટમાં પાણીનો ધસમસતો પ્રવાહ ૯૯૦૦ ક્યુસેક પાણીની આવકથી ડેમ છલોછલ!
મુક્કોમ્બુ અનાઈકટમાં પાણીનો ધસમસતો પ્રવાહ
૯૯૦૦ ક્યુસેક પાણીની આવકથી ડેમ છલોછલ!
કાવેરી અને કોલ્લીડમ નદીમાં જળસ્તર વધતાં તંત્ર એલર્ટ!
તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે મુક્કોમ્બુ અપર અનાઈકટ ખાતે પાણીની આવકમાં મોટો વધારો નોંધાયો છે. તાજેતરના અહેવાલો મુજબ, ડેમમાં ૯,૯૦૦ ક્યુસેક પાણીની વિપુલ આવક થઈ રહી છે. કાવેરી અને કોલ્લીડમ નદીના ઉપરી વિસ્તારોમાં સતત થઈ રહેલા વરસાદના કારણે જળસ્તરમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જેનાથી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. પાણીની આટલી મોટી આવકના પગલે મુક્કોમ્બુ અનાઈકટના દરવાજા ખોલીને ડેલ્ટા વિસ્તારો અને કોલ્લીડમ નદી તરફ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી ડેમની સુરક્ષા જળવાઈ રહે. જળ સંસાધન વિભાગના અધિકારીઓ સતત જળસ્તર પર નજર રાખી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી કિનારે ન જવાની અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે નદીમાં પાણીનો પ્રવાહ હજુ પણ વધી શકે છે.
તમિલનાડુના ડેલ્ટા ખેડૂતોમાં હર્ષોલ્લાસ
પૂરતા પાણીની આવકથી ખેતીમાં નવી આશા જાગી!
સામે આવેલા દ્રશ્યોમાં મુક્કોમ્બુ અપર અનાઈકટનો અદ્ભુત અને ભવ્ય નજારો જોઈ શકાય છે. વિશાળ જળરાશિના ઘસમસતા પ્રવાહ અને ડેમમાંથી છૂટતા પાણીના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. આ દ્રશ્યો એક તરફ કુદરતી સૌંદર્યનો અહેસાસ કરાવે છે, તો બીજી તરફ વહીવટીતંત્રને સંભવિત પૂરની સ્થિતિ સામે સતર્ક રહેવાનો સંદેશ પણ આપે છે. ડેમમાં થઈ રહેલી આ મબલખ આવકથી તમિલનાડુના ડેલ્ટા ક્ષેત્રના ખેડૂતોમાં ભારે આનંદ છવાયો છે. સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેવાની શક્યતાઓને કારણે કૃષિ પ્રવૃત્તિઓને નવું બળ મળશે. વહીવટીતંત્રે સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને ધ્યાન પર રાખીને પાણીના સંચાલન માટે આગોતરું આયોજન શરૂ કરી દીધું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

