VIDEO: ત્રિચીના રોકફોર્ટ મંદિરમાં અદ્ભુત ભક્તિ ઉચિપિલયાર ગણપતિને ધરાવાયો ૧૫૦ કિલોનો ‘કોઝુકટ્ટાઈ’!
ત્રિચીના રોકફોર્ટ મંદિરમાં અદ્ભુત ભક્તિ
ઉચિપિલયાર ગણપતિને ધરાવાયો ૧૫૦ કિલોનો ‘કોઝુકટ્ટાઈ’!
મહાકાય મોદકના દર્શન કરવા હજારો ભક્તોની જોવા મળી ઉપસ્થિતિ!
તિલનાડુના તિરુચિરાપલ્લી એટલે ત્રિચી સ્થિત પ્રસિદ્ધ રોકફોર્ટ ઉચિપિલયાર મંદિરમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભવ્ય અને અદ્ભુત ઉજવણી કરવામાં આવી છે. ગણેશોત્સવ નિમિત્તે પર્વત પર બિરાજમાન ભગવાન વિઘ્નહર્તાને ૧૫૦ કિલોગ્રામ વજનનો મહાકાય કોઝુકટ્ટાઈ એટલે દક્ષિણ ભારતીય પરંપરાગત મોદક અર્પણ કરવામાં આવ્યો હતો. ગણપતિ બાપ્પાના આ અનોખા મહાપ્રસાદને નિહાળવા અને દર્શન કરી ધન્યતા અનુભવવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનો જનમેદની ઉમટી પડ્યો હતો. વિઘ્નહર્તા શ્રીગણેશજીને પ્રિય એવા આ ૧૫૦ કિલોના વિશાળ કોઝુકટ્ટાઈને તૈયાર કરવા માટે મંદિરના વિશેષ પાચકો અને પૂજારીઓ દ્વારા કલાકો સુધી પરિશ્રમ કરવામાં આવ્યો હતો. ચોખાનો લોટ, ગોળ, નાળિયેર અને એલચીના મિશ્રણથી આ મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો. આ મહાકાય પ્રસાદને ખાસ વાહન મારફતે અત્યંત સાવચેતીપૂર્વક પહાડી પર આવેલા મુખ્ય મંદિર સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ઉચિપિલયારને ધરાવવામાં આવ્યો હતો.
જયઘોષ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ગણેશજીને અર્પણ કરાયો મહાપ્રસાદ!
ત્રિચીમાં વિઘ્નહર્તાના પાવન પર્વની ભવ્ય ઉજવણી!
દિગ્ગજ પહાડી પર સ્થિત આ ઐતિહાસિક મંદિરમાં સવારથી જ ગણેશ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે શિવ-ગણેશજીના જયઘોષ સાથે સમગ્ર પંથક ભક્તિમય માહોલમાં ગૂંજી ઉઠ્યો હતો. વિઘ્નહર્તાને મહાપ્રસાદ ધરાવ્યા બાદ પૂજારીઓ દ્વારા દર્શનાર્થે આવેલા હજારો ભક્તોમાં આ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ભક્તો પહાડીના પગથિયાં ચડીને બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. તિરુચિરાપલ્લીથી સામે આવેલા મનોરમ દ્રશ્યોમાં વિશાળ કોઝુકટ્ટાઈને અર્પણ કરવાની પ્રક્રિયા અને ભક્તોનો ઉમંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તમિલનાડુની પ્રાચીન પરંપરા અને આસ્થાના આ અદ્ભુત સંગમે ગણેશ ચતુર્થીના ઉત્સવને વધુ દિવ્ય બનાવી દીધો છે. રોકફોર્ટ ઉચિપિલયાર મંદિર ખાતે દર વર્ષે યોજાતી આ અનોખી પરંપરા દક્ષિણ ભારતમાં ગણેશોત્સવની ભવ્યતા અને શ્રદ્ધાનું પ્રતીક બની ગઈ છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

