VIDEO: ખાંડ બાદ હવે ડુંગળીએ રડાવ્યા
ખાંડ બાદ હવે ડુંગળીએ રડાવ્યા
ડુંગળીના ભડકે બળતા ભાવથી જનતા ત્રાહીમામ
થાળીમાંથી ગાયબ થઈ ડુંગળી, ગ્રાહકો અને વેપારીઓ બંને પરેશાન!
મોંઘવારીના મારથી ત્રસ્ત સામાન્ય જનતા માટે આફતના સમાચાર સામે આવ્યા છે. પહેલા ખાંડના ભાવ વધારાએ મોંનો સ્વાદ બગાડ્યો હતો અને હવે ડુંગળીના આસમાને પહોંચેલા ભાવ લોકોને રડાવી રહ્યા છે. દિલ્હીની એશિયાની સૌથી મોટી શાકભાજી મંડી ગણાતી આઝાદપુર મંડીમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ડુંગળીના વધતા ભાવોના કારણે સામાન્ય ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તેની સીધી અસર વેપારીઓ તથા આમ જનતા પર જોવા મળી રહી છે. આઝાદપુર મંડીમાંથી સામે આવેલા દ્રશ્યોમાં ડુંગળી ખરીદવા આવતા લોકો અને વેપારીઓ ચિંતિત નજરે પડી રહ્યા છે. મંડીમાં જથ્થાબંધ અને રિટેલ બંને ભાવમાં અચાનક વધારો થતાં બજારમાંથી ડુંગળીની ચમક ગાયબ થઈ ગઈ છે. ડુંગળીના ભાવ વધવાને કારણે ગૃહિણીઓનું માસિક રસોડાનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. દૈનિક રસોઈમાં મહત્વનો ભાગ ભજવતી ડુંગળી હવે ગરીબ અને મધ્યમ વર્ગની થાળીમાંથી દૂર થઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે.
આઝાદપુર મંડીમાં સપ્લાય ઘટતાં હાહાકાર
ડુંગળીના વધતા ભાવો પર ક્યારે વાગશે બ્રેક?
આ મોંઘવારી અંગે વેપારીઓ અને ગ્રાહકોએ પોતાની આપવીતી રજૂ કરતાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગૃહિણીઓનું કહેવું છે કે શાકભાજીના ભાવ પહેલાથી જ ઉંચા હતા, તેમાં હવે ડુંગળી મોંઘી થતાં ઘરનું બજેટ સંભાળવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ આઝાદપુર મંડીના વેપારીઓએ જણાવ્યું કે પાછળથી જ સપ્લાય ઓછી આવવાને કારણે ભાવ વધ્યા છે. ગ્રાહકો હવે અગાઉ કરતાં અડધી જ ખરીદી કરી રહ્યા હોવાથી વેપાર પર પણ માઠી અસર પડી છે.ડુંગળીના સતત વધતા ભાવને પગલે હવે લોકો સરકાર પાસે આકરી કાર્યવાહી અને રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. જો મંડીઓમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવીને ડુંગળીના ભાવ પર તાત્કાલિક કંટ્રોલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ વકરે તેવી શક્યતા છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

