VIDEO: કચ્છમાં વરસાદ ખેંચાતાં ઉભો પાક સુકાયો! સીઝનમાં વરસાદ ન વરસતાં કચ્છના ધરતીપુત્રો ચિંતાતુર!
કચ્છમાં વરસાદ ખેંચાતાં ઉભો પાક સુકાયો!
સીઝનમાં વરસાદ ન વરસતાં કચ્છના ધરતીપુત્રો ચિંતાતુર!
કચ્છ જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ હાથતાળી આપતાં સમગ્ર સરહદી પંથકના ખેડૂતોમાં ભારે ચિંતા મોજું ફરી વળ્યું છે. સીઝનની શરૂઆતમાં પડેલા પ્રારંભિક વરસાદને આધારે ખેડૂતોએ ઉત્સાહભેર વાવેતર કર્યું હતું, પરંતુ ત્યારબાદ અચાનક વરસાદ ગાયબ થઈ જતાં પરિસ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે. મેઘરાજાના રિસામણાના કારણે ખેતરોમાં ઉભો પાક સુકાઈ રહ્યો છે અને જગતનો તાત હવે ચાતક નજરે આકાશ સામે મીટ માંડીને વરસાદની વાટ જોઈ રહ્યો છે. કચ્છનો ખેડૂત મોટે ભાગે વરસાદી પાણી પર જ આધારિત ખેતી કરે છે. ચાલુ વર્ષે જિલ્લાના હજારો હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ મગફળી, કપાસ, એરંડા, શાકભાજી અને ઘાસચારાનું મસમોટા ખર્ચે વાવેતર કર્યું છે. જોકે, અષાઢ અને શ્રાવણ માસ વીતી જવા છતાં વરસાદી સંજોગો ન સર્જાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. પાણીના અભાવે પાક સુકાવા લાગ્યો છે, જેનાથી રોકાણ કરેલી મૂડી પણ ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે.
કપાસ, મગફળી અને એરંડાનો પાક બળવાના આરે!
ભૂગર્ભ જળ ઊંડા જતાં કચ્છમાં ખેતી પર ઘેરાયા સંકટના વાદળ!
જિલ્લામાં એક તરફ સિંચાઈના પાણીની યોગ્ય અને પુરતી વ્યવસ્થા નથી, તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર પણ ખૂબ જ ઊંડા ઉતરી ગયા છે. આવી વિષમ પરિસ્થિતિમાં વરસાદ ખેંચાતાં ખેડૂતો માટે સિંચાઈ કરવી અશક્ય બની ગઈ છે. સમયસર વરસાદી ઝાપટું નહીં પડે તો કપાસ, એરંડા અને મગફળી સહિતનો તમામ રોકડિયો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જશે અને પશુઓ માટે ઘાસચારાનું પણ મોટું સંકટ ઊભું થશે. ચોમાસુ સિઝન નિષ્ફળ જવાની આશંકાથી કચ્છના ધરતીપુત્રો પર આર્થિક સંકટના કાળા વાદળો ઘેરાયા છે. બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડવાની શક્યતાઓને પગલે ખેડૂતો આર્થિક બરબાદીના આરે આવી પહોંચ્યા છે. કચ્છી ખેડૂતો દ્વારા વહીવટીતંત્ર અને સરકાર પાસે સ્થિતિની ગંભીરતા સમજીને તાત્કાલિક રાહત પગલાં ભરવા તેમજ સિંચાઈ અને આર્થિક સહાય પૂરી પાડવાની કવાયાત કરવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

