VIDEO: અમદાવાદમાં વિરલ કઠિન તપશ્ચર્યા ૨૮ વર્ષના નિપેક્ષ શેઠના ૧૮૦ દિવસના અડગ ઉપવાસ!
અમદાવાદમાં વિરલ કઠિન તપશ્ચર્યા
૨૮ વર્ષના નિપેક્ષ શેઠના ૧૮૦ દિવસના અડગ ઉપવાસ!
માત્ર ઉકાળેલા પાણીનો જ સહારો
જૈન ધર્મમાં તપ, તપસ્યા અને સંયમનું અનેરું મહત્વ રહેલું છે, પરંતુ આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં અમદાવાદના એક યુવાને ધર્મના માર્ગે કઠિન સાધનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય નિપેક્ષ શેઠે માત્ર ઉકાળેલા પાણીના સહારે સળંગ ૧૮૦ દિવસના અતિ કઠિન ઉપવાસની ઉગ્ર તપસ્યા કરી છે. કાળઝાળ ગરમી વચ્ચે ૨૪ માર્ચે પાલીતાણા ગિરિરાજથી સંકલ્પ લઈને શરૂ કરાયેલી આ વિરલ તપશ્ચર્યા દરમિયાન તેમણે ૫ વખત પાલીતાણા તીર્થની યાત્રા પણ કરી છે. B.Com સુધીનો અભ્યાસ પૂર્ણ કરી પિતાના વ્યવસાય સાથે જોડાયેલા નિપેક્ષ શેઠ દરરોજ સવારે દેરાસરે પૂજા-અર્ચના કરે છે.. દાદીની પ્રેરણાથી તપમાર્ગે વળેલા નિપેક્ષના પારણાં થવા જઈ રહ્યા છે. શરૂઆતમાં માતા દીપાબેન શેઠ ચિંતાતુર બન્યા હતા, પરંતુ દીકરાનું દ્રઢ મનોબળ જોઈ પરિવારજનો પણ તેમના આ ધાર્મિક કાર્યમાં સતત પ્રોત્સાહક બન્યા હતા.
કાળઝાળ ગરમી વચ્ચે પાલીતાણાની ૫ વાર કરી યાત્રા!
કઠિન સાધના છતાં નિપેક્ષ શેઠ સંપૂર્ણપણે સ્વસ્થ!
સામાન્ય રીતે લોકો ઉપવાસ દરમિયાન ઘરમાં બેસીને આરામ કરતા હોય છે, પરંતુ નિપેક્ષે પોતાની દિનચર્યા યથાવત રાખી હતી. તેઓ મિત્રો સાથે બહાર રેસ્ટોરેન્ટમાં પણ જતા હતા, છતાં ભોજન પ્રત્યે તેમનું મન ક્યારેય લોભાયું નહોતું. કઠિન ઉપવાસ અને ૩૫૦૦ પગથિયાં ચડીને કરાયેલી ગિરિરાજ યાત્રા છતાં તપસ્વી શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છે.
દ્રઢ મનોબળ અને શ્રદ્ધાની અનોખી મિસાલ
ગોતાના યુવાનની કઠોર તપસ્યાથી જૈન સમાજમાં હર્ષ!
આજના ડિજિટલ અને ભૌતિકવાદી યુગમાં જ્યાં લોકો નાની-નાની બાબતોમાં ધીરજ ગુમાવી દે છે, ત્યાં ૨૮ વર્ષના આ યુવાને શ્રદ્ધા અને આત્મસંયમના બળે ૧૮૦ દિવસના ઉપવાસ કરીને સમાજ સામે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આંગળીના વેઢે ગણાય તેવી આ વિરલ સાધના પૂર્ણ થવાના આરે છે ત્યારે સમગ્ર જૈન સમાજ અને અમદાવાદવાસીઓ તપસ્વી નિપેક્ષ શેઠની અનુમોદના કરી રહ્યા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

