VIDEO: મુંબઇમાં દહીંહાંડીની તૈયારીઓ તેજ, જન્માષ્ટ્રમીમાં ગોવિંદા માટે યુવતિઓની પ્રેક્ટિસ
મુંબઇમાં દહીંહાંડીની તૈયારીઓ તેજ
જન્માષ્ટ્રમીમાં ગોવિંદા માટે યુવતિઓની પ્રેક્ટિસ
મુંબઈમાં જન્માષ્ટમી અને દહીંહાંડી દેશભરમાં પ્રખ્યાત છે. દહીંહાડી ઉત્સવને લઈને મુબંઇ અને મહારાષ્ટ્રમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગલીઓ અને વિસ્તારોમાં ગોવિંદા પથકો દહીંહાંડી ફોડવાની તૈયારીમાં લાગી ગયા છે. મહિલાઓ અને યુવતીઓ પણ ઉત્સાહપૂર્વક આ પરંપરામાં ભાગ લઈ રહી છે. મુંબઈના ચુનાભટ્ટી વિસ્તારની નિર્ભયા મહિલા ગોવિંદા પથકની યુવતીઓ છેલ્લા બે મહિનાથી દહીંહાંડી માટે ખાસ તાલીમ લઈ રહી છે. ગરમી હોય કે વરસાદ, યુવતીઓ નિયમિત રીતે એકત્ર થઈને માનવ પિરામિડ બનાવવાની પ્રેક્ટિસ કરી રહી છે. દહીંહાંડી દરમિયાન ઊંચાઈ પર બાંધવામાં આવેલી મટકી સુધી પહોંચવા માટે ગોવિંદાઓ એકબીજાના ખભા પર ચઢીને માનવ પિરામિડ બનાવે છે. ત્યારબાદ મટકી ફોડવામાં આવે છે. આ માટે સંતુલન, શારીરિક તાકાત, ટીમવર્ક અને એકબીજા પર વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિર્ભયા મહિલા ગોવિંદા પથકની યુવતીઓ પણ આ તમામ બાબતોની ખાસ તાલીમ લઈ રહી છે. પથકની એક મહિલા ગોવિંદા જણાવે છે કે અમે છેલ્લા બે મહિનાથી નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યા છે. શરૂઆતમાં માનવ પિરામિડ બનાવવું મુશ્કેલ લાગતું હતું. પરંતુ સતત મહેનત અને ટીમના સાથથી હવે ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. દહીંહાંડીના દિવસે મટકી ફોડીને અમારી ટીમનું નામ રોશન કરવાનું સપનું છે..
ગોવિંદની પ્રેક્ટિસ દરમિયાન ટ્રેનર દ્વારા દરેક ગોવિંદાની સ્થિતિ, સંતુલન અને સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પિરામિડ બનાવતી વખતે કોણ નીચે રહેશે, કોણ મધ્યમાં અને કોણ સૌથી ઉપર જશે તેની પણ નિયમિત પ્રેક્ટિસ કરવામાં આવે છે. જેથી મટકીફોડના દિવસે કોઇ દુર્ધટના ન બને. નિર્ભયા મહિલા ગોવિંદા પથકના મુખ્ય પ્રશિક્ષક મહેશ નવાલેએ જણાવે છે કે યુવતીઓ છેલ્લા બે મહિનાથી સખત મહેનત કરી રહી છે. દહીંહાંડી માત્ર મટકી ફોડવાનો કાર્યક્રમ નથી, પરંતુ ટીમવર્ક, શિસ્ત અને એકબીજા પર વિશ્વાસની પરિક્ષાનો પણ કાર્યક્રમ છે.
મહિલા ગોવિંદા લક્ષ્મી લુકમાં પરફોર્મન્સ આપવાની છે. તેઓ પહેલા લક્ષ્મી લુકમાં ડાન્સ કરશે ત્યાર બાદ ટીમ થર પર થર બનાવીને મટકી ફોડશે. મટકી ફોડવા માટે ચાર થર બનાવવામાં આવશે.ચાર થર પર શિવના રૂપમાં કાન્હો મટકી ફોડશે. આ દિલ ઘડક પ્રદર્શન સંતુલન, શારિરીક તાકાત અને ધેર્યનું મિશ્રણ છે. મુંબઇની દહીંહાંડી જોવા માટે દેશ અને દુનિયાથી સેંકડો લોકો આવે છે. મુંબઇ દહીંહાંડીની વેઇટ કરી રહ્યું છે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

